Homeઈન્ટરવલઅષ્ટાવક્ર ગીતા: શરીરથી કુરૂપ પણ મનથી જ્ઞાની ઋષિ અષ્ટાવક્રનો રાજા જનકને ઉપદેશ

અષ્ટાવક્ર ગીતા: શરીરથી કુરૂપ પણ મનથી જ્ઞાની ઋષિ અષ્ટાવક્રનો રાજા જનકને ઉપદેશ

તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ

અષ્ટાવક્ર જ્યારે માતા સુજાતાના ગર્ભમાં હતા ત્યારે તેમના પિતા મુનિ કહોડના વેદપાઠને સાંભળી તેમના શુદ્ધ ઉચ્ચારણ ન હોવા વિશે ગર્ભમાંથી જ પિતાને આઠ વાર ટોક્યા હતા. કથા એવી છે કે એને અપમાન ગણી કહોડ મુનિએ પોતાની જ પત્નીના ગર્ભમાં રહેલા સંતાનને આઠ અંગોથી વક્ર જન્મવાનો શ્રાપ આપ્યો હતો. આપણે ત્યાં આઠ અંગોનું મહત્ત્વ અનેરું છે. સાષ્ટાંગનો અર્થ છે સ+અષ્ટ+અંગ અર્થાત આઠેય અંગોથી; આપણે જ્યારે કોઈને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ ત્યારે આઠેય અંગોથી પ્રણામ કરીએ એવી ભાવના નિહિત છે. આ આઠ અંગોમાં બે હાથ, બે પગ, બે ઘૂંટણ, છાતી અને દાઢી એ બધું ભૂમિને અડે એવી રીતે દંડવત પ્રણામ કરવાના છે. કેટલાક વિદ્વાનો આ આઠ અંગો માથું, હાથ, પગ, હ્રદય, આંખો, મન, વચન અને કર્મ એમ ગણાવે છે. અષ્ટાંગ યોગની વિભાવના પણ આઠ અંગોને જ લઈને ચાલે છે. અને આ આઠેય અંગે વાંકા જન્મવાનો શ્રાપ કહોડ મુનિ તેમના અજન્મા પુત્રને આપે છે.
મહાભારતના વનપર્વ અંતર્ગત તીર્થયાત્રા પર્વમાં વનવાસ દરમ્યાન યુધિષ્ઠિરને લોમશ ઋષિ આ કથા કહે છે. મહારાજ જનકના દરબારમાં ધનની આશાએ ગયેલા અષ્ટાવક્રના પિતા એવા કહોડ મુનિને શાસ્ત્રાર્થમાં પંડિત બંદિ હરાવે છે અને તેમને પાણીમાં ડૂબાડી દેવાય છે એ વાત આપણે જોઈ. અષ્ટાવક્ર શ્ર્વેતકેતુને સાથે લઈ જનકના દરબારમાં જાય છે. પ્રવેશ માટે દ્વારપાળ આનાકાની કરે છે, જનક મહારાજ પણ તેમને પરીક્ષારૂપ પ્રશ્ર્નો પૂછે છે. અને એ જવાબોથી સંતુષ્ટ થઈ રાજા આખરે અષ્ટાવક્રને યજ્ઞમંડપમાં પ્રવેશી બંદિને શાસ્ત્રાર્થ માટે પડકાર આપવાની અનુમતિ આપે છે.
બંદિને સભામાં ન ઓળખી શકનાર અષ્ટાવક્ર તેને જાહેર પડકાર આપતાં કહે છે કે પોતાને અતિવાદી માનનાર બંદિ, પરાજિત થયેલા પંડિતોને પાણીમાં ડૂબાડી દેવા એવો નિયમ તમે કરી રાખ્યો છે, પરંતુ આજે મારી સામે તમારી બોલતી બંધ થઈ જવાની. પ્રલયકાળના અગ્નિ પાસે જેમ નદીઓ સુકાઈ જાય એમ મારી પાસે તમારી વાણી સૂકાઈ જશે. બંદિએ પણ એ પડકાર ઝીલ્યો અને પછી બંને વચ્ચેનો શાસ્ત્રાર્થ શરૂ થયો.
સામાન્ય અર્થમાં શાસ્ત્રાર્થ એટલે બે વિદ્વાનો વચ્ચે શાસ્ત્રના અર્થ વિશેની ચર્ચા જે કોઈ એક નિશ્ર્ચિત પરિણામ સુધી પહોંચે. પ્રાચીન ભારતમાં દાર્શનિક, વિચારકો, ઋષિઓ, મુનિઓ, અભ્યાસુઓ વગેરે કોઈ એક વિશેષ વિષયના અનુસંધાને સત્ય અને અસત્યના નિર્ણય માટે, કોઈ એક સમસ્યા કે વિષયવસ્તુના મૂળ સુધી, નિષ્કર્ષ સુધી પહોંચવા તર્ક, પ્રમાણ, યુક્તિઓ, દલીલો અને અનુભવસિદ્ધ વાણીનો ઉપયોગ કરી ઉગ્ર ચર્ચા કરી શાસ્ત્રના અર્થ સુધી પહોંચતા તેને શાસ્ત્રાર્થ કહેવાતો. શાસ્ત્રાર્થ એ દલીલો નથી, બે જણાં વચ્ચે એ ખાસ નિયમોની સાથે થતી ચર્ચા હતી. મૂળે શાસ્ત્રાર્થનો ઉદ્દેશ જ્ઞાનવૃદ્ધિ અને ઉંમરના ભેદભાવ વગર સાચા જ્ઞાનીની ઓળખ કરવાનો રહેતો. પરસ્પર ચર્ચા અને પોતપોતાનો મત વ્યક્ત કરી એનું પ્રમાણ આપવાનો પ્રયત્ન કરી શાસ્ત્રોના, વેદોના કે કોઈ વિશેષ મત સુધી પહોંચવાનો યત્ન થતો. પ્રશ્ર્નોપનિષદ આનું જ્વલંત ઉદાહરણ છે જેમાં શિષ્યો પ્રશ્ર્ન પૂછે છે. ઉદ્દેશ છે એકમાત્ર સત્ય સુધી પહોંચવાનો. જીતનાર પણ શાસ્ત્રાર્થમાં વિપક્ષી વ્યક્તિનું સન્માન કરતો, પરાજિત થનાર પોતે જ પોતાના પરાજયની ઘોષણા કરતો. બીજાના મતને સ્વીકારવાનું આવું માનભર્યું વલણ બીજી કોઈ સંસ્કૃતિમાં જોવા નહીં મળે.
શાસ્ત્રાર્થનું સૌથી મોટું ઉદાહરણ બૃહદારણ્યક ઉપનિષદમાં છે જ્યાં મહારાજ જનકે ઘોષણા કરી કે જે શાસ્ત્રાર્થ કરી બ્રહ્મ વિદ્યામાં અન્ય સર્વે વિદ્વાનોને હરાવશે તેને શિંગડે સોનું મઢેલી ૧૦૦૦ ગાયો ભેટ આપવામાં આવશે. મહર્ષિ યાજ્ઞવલ્ક્યે શિષ્યોને કહ્યું કે આ ગાયો લઈ જઈ આશ્રમે બાંધી દો. કહેવાય છે કે સભામાં ઉપસ્થિત વિદ્વાનો તરફથી ઉદ્દાલક અને અશ્ર્વલ એ બે ઋષિઓ શાસ્ત્રાર્થ કરે. યાજ્ઞવલ્કયે એ બંનેને હરાવ્યા. એ સભામાં વિદૂષી ગાર્ગિ પણ ઉપસ્થિત હતી. એણે યાજ્ઞવલ્ક્યને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. શાસ્ત્રાર્થની એક પદ્ધતિ છે વાદ પદ્ધતિ જેમાં પ્રમાણોનો ઉપયોગ થાય, બીજી પદ્ધતિ છે પોતાનો મત સ્થાપિત કરવા તાર્કિક – અતાર્કિક દલીલોની જેના દેખીતા પ્રમાણ કદાચ ન પણ હોય. એ પદ્ધતિને જલ્પ પદ્ધતિ કહેવાય છે. ગાર્ગિએ યાજ્ઞવલ્કયને અતિપ્રશ્ર્ન પૂછ્યાં, પરંતુ અંતે પોતાનો પરાજય સ્વીકારી યાજ્ઞવલ્ક્યને બ્રહ્મજ્ઞાની જાહેર કર્યાં.
અંગદ અને રાવણ વચ્ચે, કાકભુશુંડિ અને ગરુડ વચ્ચે, યમરાજ અને નચિકેતા વચ્ચે, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે, યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે, યુધિષ્ઠિર અને ભીષ્મ વચ્ચે આમ અનેક શાસ્ત્રાર્થ ગણી શકાય જે વાદ પ્રકારના હતા.
તો અષ્ટાવક્રની વાત પર પાછા ફરીએ. બંદિ અને અષ્ટાવક્ર વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. બંનેએ એકબીજાના પ્રશ્ર્નોના ઉત્તર આપવા એમ નક્કી થયું.
બંદીએ કહ્યું, એક જ સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, એક જ અગ્નિ અનેક પ્રકારે પ્રજ્વળે છે. શત્રુઓનો નાશ કરનાર ઈન્દ્ર એક જ છે અને પિતૃઓના સ્વામી યમરાજ પણ એક જ છે.
અષ્ટાવક્રે કહ્યું, મિત્રોની જેમ સાથે રહેનાર ઈન્દ્ર અને અગ્નિ બે દેવતા છે. એ જ રીતે અશ્ર્વિનિકુમારો પણ બે છે. રથના પૈડાં પણ બે હોય છે અને વિધાતાએ પતિ અને પત્ની એમ બેની જોડ બનાવી છે.
બંદિએ કહ્યું, પ્રજાના ત્રણ સ્વરૂપ છે, દેવતા, મનુષ્ય અને તિર્યકરૂપ; વેદ ત્રણ છે, ઋગ્વેદ, સામ અને યજુર્વેદ. અધ્વર્યુ પ્રાત:, મધ્યાહ્ન અને સાયં એમ ત્રણ યજ્ઞો કરે છે; સ્વર્ગ, મૃત્યુ અને નરક એ ત્રણ લોક કર્મફળ માટે નિશ્ર્ચિત છે અને મુનિઓએ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમ ત્રણ જ્યોતિ બતાવી છે.
અષ્ટાવક્રે કહ્યું, બ્રાહ્મણ માટે આશ્રમ ચાર છે; વર્ણો પણ ચાર છે; દિશાઓ ચાર છે, વાણી ચાર ચરણયુક્ત હોય છે અને વર્ણ પણ ચાર છે.. અહીં ચાર આશ્રમ, વર્ણ અને દિશાઓ તો સ્પષ્ટ છે પણ એ ઉપરાંત વાણીના ચાર ચરણ છે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી તથા વર્ણ અર્થાત હ્રશ્વ, દીર્ઘ, પ્લુત અને હલ.
બંદિએ કહ્યું, યજ્ઞની અગ્નિ પાંચ પ્રકારની છે. પંક્તિમાં છંદ પાંચ પદથી બને છે, યજ્ઞ પણ પાંચ છે – દેવ, પિતૃ, ઋષિ, ભૂત અને મનુષ્ય યજ્ઞ. ઈન્દ્રિયો પણ પાંચ છે અને વેદમાં પાંચવેણી વાળી અપ્સરાઓનું વર્ણન છે. પાંચ નદીઓથી (વિપાશા, ઈરાવતી, વિતસ્તા, ચંદ્રભાગા અને શતદ્રુ) પુણ્યશાળી પંચનદ પ્રદેશ લોકમાં વિખ્યાત છે.
અષ્ટાવક્રે કહ્યું, અગ્નિસ્થાપના વખતે દક્ષિણમાં છ ગાયો અપાય છે, છ ઋતુઓ સંવત્સરની સિદ્ધિ છે, મન સહિત જ્ઞાનેન્દ્રિયો પણ છ છે અને કૃત્તિકાઓની સંખ્યા પણ છ છે.
બંદિએ કહ્યું, ગ્રામ્ય પશુઓ સાત છે (ગાય, ભેંસ, બકરી, ઘેંટું, ઘોડો, કૂતરો અને ગધેડો), જંગલી પશુ પણ સાત છે (સિંહ, વાઘ, વરુ, હાથી, વાનર, રીંછ અને મૃગ); એક યજ્ઞનો નિર્વાહ કરવા ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી એ સાત છંદ ઉપયોગી છે. સપ્તર્ષિ તરીકે પ્રસિદ્ધ ઋષિઓની સંખ્યા પણ સાત છે, પૂજાના સંક્ષિપ્ત ઉપચાર પણ સાત છે અને વીણામાં તાર પણ સાત હોય છે.
અષ્ટાવક્રે કહ્યું, ત્રાજવામાં લાગેલી દોરીઓ આઠ હોય છે જે અનેકોનું માપ કાઢે છે, સિંહને મારનાર શરભને આઠ પગ હોય છે, વસુઓની સંખ્યા પણ આઠ છે અને યજ્ઞમાં આઠ કોણના યૂપનું નિર્માણ થાય છે.
બંદિએ કહ્યું, પિતૃયજ્ઞમાં સમિધા આપી અગ્નિ પ્રજ્વળવા માટે જે મંત્ર વપરાય એને સામિધેની ઋચા કહેવાય છે તેની સંખ્યા નવ છે. સૃષ્ટિ નવ પ્રકારના પદાર્થોના સંયોગનું કારણ છે, બૃહતી છંદના પ્રત્યેક ચરણમાં નવ અક્ષર છે અને એક થી નવ સુધીના અંકો જ ગણતરીમાં ઉપયોગમાં આવે છે.
અષ્ટાવક્રે કહ્યું, સંસારમાં દસ દિશાઓ બતાવાઈ છે, દસ સો મળે ત્યારે એક સહસ્ત્ર બને છે, સ્ત્રીઓ દસ મહિના ગર્ભધારણ કરે છે, નિંદક પણ દસ હોય છે, શરીરની અવસ્થાઓ પણ દસ છે અને પૂજનીય પુરુષો પણ દસ છે. અહીં નિંદક એટલે રોગી, દરિદ્ર, શોકાર્ત, રાજશિક્ષા પામેલો, શઠ, ખલ, વૃત્તિથી વંચિત, ઉન્મત, ઈર્ષ્યાળુ અને કામી એ દસ પ્રકારના વ્યક્તિઓ તો. ગર્ભવાસ, જન્મ, બાલ્ય, કૌમાર્ય, પૌગંડ, કિશોર, યૌવન, પ્રૌઢ, વાર્ધક્ય અને મૃત્યુ એ દસ અવસ્થાઓ છે. પૂજ્ય પુરુષોમાં અધ્યાપક, પિતા, મોટો ભાઈ, રાજા, મામા, સસરા, નાના, દાદા, મોટી વયના અન્ય કુટુંબીઓ તથા પિતૃવ્ય એ દસ.
બંદિએ કહ્યું પ્રાણધારીઓ માટે અગિયાર વિષય છે. પ્રકાશિત કરનાર ઈન્દ્રિયો પણ અગિયાર છે. યજ્ઞમાં યૂપ પણ અગિયાર હોય છે, પ્રાણીઓના વિકાર પણ અગિયાર છે અને રૂદ્ર પણ અગિયાર છે. બોલવું, સાંભળવું, ચાલવું, મળત્યાગ અને મૈથુન એ કર્મેન્દ્રિયોના વિષય ઉપરાંત સ્પર્શ, ગંધ, શબ્દ, રૂપ, રસનો અનુભવ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એ સર્વેનું મનન કરતું મન એ અગિયાર વિષય થયાં. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, હર્ષ, શોક, રાગ, દ્વેષ અને અહંકાર એ અગિયાર વિકાર થયાં.
અષ્ટાવક્રે કહ્યું, સંવત્સરમાં મહિના બાર છે, જગતી છંદનું પ્રત્યેક પદ બાર અક્ષરોનું છે, પ્રાકૃત યજ્ઞ બાર દિવસોનો હોય છે અને જ્ઞાનીઓ બાર આદિત્યોનું વર્ણન કરે છે. ધાતા, મિત્ર, અર્યમા, ઈન્દ્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા અને ત્વષ્ટા તથા બારમા વિષ્ણુ એમ બાર આદિત્ય થયા.
બંદિએ કહ્યું, તેરસની તિથિ ઉત્તમ ગણાઈ છે અને પૃથ્વી પણ તેર દ્વીપોથી યુક્ત છે. અડધો શ્ર્લોક બોલી બંદિ મૌન થઈ ગયા અને અષ્ટાવક્રે તેમનો શ્ર્લોક પૂર્ણ કર્યો. અષ્ટાવક્રે કહ્યું, કેશી દાનવે ભગવાન વિષ્ણુ સાથે તેર દિવસ યુદ્ધ કર્યું હતું; વેદમાં જે અતિજગતિ છંદ કહેવાયો છે એનું એક એક પદ તેર અક્ષરોથી સંપન્ન થાય છે.
મહાભારતકાર લખે છે કે અષ્ટાવક્રનો વિજય થયો અને બંદિ ચહેરો નીચો કરી બેસી ગયા. અષ્ટાવક્રને તેમના પિતા કહોડ મુનિ પાછા મળ્યા. અહીં ડૂબાડ્યાનો અર્થ શાસ્ત્રાર્થ માટે પ્રતિબંધિત કર્યા એમ મને સમજાય છે. કીર્તિ ડૂબી એ અર્થમાં સમજી શકીએ. જેમને બંદિએ મૌન કર્યા હતાં એ સર્વે વિદ્વાનો ફરી મુક્ત થયા. પિતાએ પ્રસન્ન થઈ જનકરાજાને કહ્યું કે લોકો સત્કર્મો દ્વારા પુત્ર પ્રાપ્તિની મહેચ્છા રાખતા હોય છે, જે કાર્ય હું ન કરી શક્યો એ મારા પુત્રે કરી બતાવ્યું. ક્યારેક નિર્બળને બળવાન, મૂર્ખને વિદ્વાન પુત્ર મળી જાય છે. ત્યાર પછી પિતા કહોડની આજ્ઞાથી અષ્ટાવક્રે સમન્ગા નદીમાં સ્નાન કર્યું અને તેમના આઠેય વક્ર અંગો સીધા થઈ ગયાં. મહર્ષિ લોમેશના આમ કહેવાથી યુધિષ્ઠિરે ભાઈઓ સાથે પુણ્યશાળી સમન્ગા નદીમાં સ્નાન કર્યું.
ત્યાર પછી મિથિલાના રાજા જનકે અષ્ટાવક્રને ગુરુપદે સ્થાપ્યા અને અષ્ટાવક્રે તેમને જે શિક્ષા આપી એ અષ્ટાવક્ર ગીતા નામે અત્યંત પ્રચલિત થઈ. અષ્ટાવક્ર અહીં જનકને અદ્વૈત વેદાંતનું જ્ઞાન આપે છે. દાર્શનિકો માટે, વિચારકો માટે આ અષ્ટાવક્ર સંહિતા સદીઓથી અત્યંત પ્રિય વિષય છે.
છાંદોગ્ય ઉપનિષદમાં અષ્ટાવક્રના દાદા ઋષિ ઉદ્દાલકનો ધર્મજ્ઞાની તરીકે ઉલ્લેખ છે. વેદાંતનું મહત્ત્વપૂર્ણ મહાકાવ્ય – મહાવાક્ય, ‘તત્વમસી’ ઉદ્દાલકે શ્ર્વેતકેતુને ઉપદેશ આપતાં કહ્યું છે. શ્ર્વેતકેતુ અષ્ટાવક્ર જેટલી જ ઉંમરના છે, તેથી એમ માની શકીએ કે અષ્ટાવક્ર ઉપનિષદ સમયગાળાના ઋષિ છે. વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં પણ અષ્ટાવક્રનો આદરપૂર્વક ઉલ્લેખ છે.
અષ્ટાવક્ર ગીતાના પ્રથમ અધ્યાયમાં વૃદ્ધ રાજા જનક બાળ અષ્ટાવક્રને પૂછે છે, જ્ઞાન કેવી રીતે મેળવવું, મુક્તિ કેવી રીતે મેળવવી, વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત કરવું એ મને કહો. આમ તો આ આખી સંહિતા અદ્રુત છે, પરંતુ એના એક શ્ર્લોકથી આજે વાત પૂર્ણ કરીએ.
બિલિપત્ર

मत्कुभिमानी मत्कुो हि बद्धो बद्धाभिमान्यपि ।
कियदन्तीह सत्येय या मलिः सा गतिर्भव ल ॥

સ્વયંને મુક્ત માનનાર મુક્ત જ છે અને પોતાને બંધનમાં જાણનાર બંધનમાં જ છે. તમે એ જ બનો છો જે તમે પોતાને માટે વિચારો છો એ સત્ય જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular