અશોક સ્તંભ:વાદ, વિવાદ અને સંવાદ

વીક એન્ડ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવનની છત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું પછી તેની રચનામાં થયેલા ફેરફાર અંગે વિવાદ થયો છે. ખાસ કરીને વિરોધ પક્ષોનું કહેવું એમ છે કે બંધારણમાં જે રાષ્ટ્રીય પ્રતીકને માન્યતા આપવામાં આવી છે અને જે અનેક સરકારી પત્રો, સ્ટેમ્પ પેપર્સ કે ચલણી નોટો પર દેખાય છે એ પ્રતીકમાં સિંહનું મોં બંધ છે. સિંહો સૌમ્ય જણાય છે, જ્યારે ઉદ્ઘાટન કરાયેલા આ નવા પ્રતીકમાં સિહોને આક્રમક બતાવવામાં આવ્યા છે. આવો ફેરફાર અપમાનજનક છે.
વિરોધ પક્ષોની વાત સાવ કાઢી નાખવા જેવી નથી. કોઈ સામાન્ય માણસ પણ જૂના અને નવા પ્રતીકને સામસામે મૂકીને જુએ તો સિંહોની મુખાકૃતિમાં થયેલો ફેરફાર નજરે તો ચઢે જ છે.
આ ફેરફાર માનવસહજ ભૂલ કે ઇરાદાપૂર્વકનો?
સંસદ ભવન માટે કાંસામાંથી અશોક સ્તંભ બનાવવાની ડિઝાઇન રચનાર આર્કિટેક્ટ સુનીલ દેવર તો એવો દાવો કરે છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલી પ્રતિકૃતિ બંધારણમાં દર્શાવ્યા અનુસાર જ છે અને એ મૂળ કૃતિ સાથે નવ્વાણુ ટકા મળતી આવે છે. સુનીલ એમ કહે છે કે ‘હાલના પ્રતીકનું ચિત્ર જે બધે ફરી રહ્યું છે તે ખૂબ નીચેના એંગલમાંથી લેવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી લેવાયેલું ચિત્ર થોડુંક અલગ અલગ સ્વરૂપ દર્શાવી શકે છે. મૂળ કૃતિ સાત ફૂટ ઊંચી હતી, જ્યારે આજની કૃતિ સાત મીટર ઊંચી છે. મૂળ કૃતિ પથ્થરમાંથી બની હતી, જ્યારે આજની કૃતિ કાંસામાંથી બની છે. એટલે થોડો ફેરફાર શક્ય છે.’
જોકે ભૂતકાળમાં સંવિધાન માટે અશોક સ્તંભ ચિત્રિત કરનાર ઈન્દોરના દીનાનાથ ભાર્ગવ જે હાલ જીવિત નથી, પણ તેમનાં પત્ની પ્રભા દીનાનાથે આ વાતનો વિરોધ કરતાં કહ્યું છે કે બંધારણ માટે બનાવેલા અશોક સ્તંભમાં સિંહો શાંત વૃત્તિના જણાવાયા છે. જાણે સિંહ માદા અને બાળકો પાસે બેઠો હોય એટલી શાંતિ અને સૌમ્યતા તેમના મુખ પર જણાય છે. જોકે સંસદ ભવન માટે બનાવવામાં આવેલી અશોક સ્તંભની પ્રતિકૃતિમાં સિંહોનું ઉગ્ર સ્વરૂપ દેખાય છે.
એક વાત તો નક્કી છે કે બેઉ પ્રતીકચિહ્નોમાં ફેરફાર તો આંખે ઊડીને વળગે છે. હવે સવાલ એ છે કે આ ડિઝાઇનરોની કે ડિઝાઇનને મંજૂર કરનારાઓની માનવ સહજ ભૂલ છે કે પછી સમજી-વિચારીને એમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો ભૂલ થઇ હોય તો એ ભૂલ લાગતા-વળગતાઓ સ્વીકારી લે અને સુધારી લે તો એમાં કોઇ મોટો પહાડ નહીં તૂટી પડે અને વિરોધ પક્ષોનો ઉશ્કેરાટ આપમેળે શાંત થઇ જશે અને જો જાણીબૂઝીને ફેરફાર કરવામાં આવ્યો હોય તો આ રાષ્ટ્રીય પ્રતીકનો સવાલ છે એટલે લોકોને જાણવાનો હક છે કે શા માટે આ ફેરફાર કરાયો છે.
સમ્રાટ અશોકે ઈસવી સન પૂર્વે ત્રીજી સદીમાં પોતાના રાજ્યમાં સારનાથ સહિત બીજા ૧૯ સ્થળે આવા સ્તંભ ઊભા કર્યા હતા જે અશોક સ્તંભ તરીકે પ્રસિદ્ધ થયા. આ સમ્રાટ અશોકની પ્રકૃતિ પણ ઉગ્ર અને શાંત એમ બેઉ પ્રકૃતિવાળા સિંહ જેવી રહી છે. શરૂઆતમાં અશોક પોતાના સામ્રાજ્યના વિસ્તાર અર્થે ઘણો આક્રમક રહેતો, પરંતુ કલિંગ દેશમાં થયેલા યુદ્ધ પછી તેણે ચારેકોર લોહિયાળ શબો જોયાં ત્યારે તેને પારાવાર પસ્તાવો થયો અને તેણે બૌદ્ધનો અહિંસાનો માર્ગ પકડ્યો. આ અશોક સ્તંભ પણ બૌદ્ધના ધર્મ ચક્રમાંથી લેવામાં આવેલી પ્રેરણા જ છે, જેમાં સિંહ જેવા શક્તિશાળી બનવું એવું સૂચન તો છે જ સાથે આક્રમક કે હિંસાખોર ન બનવું એવો સંદેશ પણ તેમાંથી મળે છે. બીજી બાજુ સંસદભવનની છત પર મુકાયેલા આ પ્રતીકચિહ્નમાં સિંહો ગર્જના કરતા હોય તેવા જોવા મળે છે. શું આ ફેરફાર બદલાયેલી સરકારની તાસીર બતાવે છે કે પછી કોઇ માનવ સહજ ભૂલ છે તેવા પ્રજાના પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ મળે એ ઇચ્છનીય છે.
વાઘા બોર્ડર પર પાકિસ્તાન અને ભારતનાં બેઉ લશ્કરી દળો જે આક્રમકતાનું પ્રદર્શન કરે છે એમાં ખોટું પણ નથી. ઝિમ્બાબ્વે સામે ભારતની પાંચ વિકેટો પડી ગઇ હતી ત્યારે કપિલ દેવ આક્રમક રમવાને બદલે સંરક્ષણાત્મક રમ્યો હોત તો એ મેચ કદાચ આપણે હારી પણ ગયા હોત. આક્રમણની શરૂઆત ન કરવી, પણ રાષ્ટ્રીય પ્રતીક દ્વારા આક્રમક અને શૌર્યવાન દેખાવું એ કંઇ ખોટું નથી. મુદ્દો એ છે કે આ ડિઝાઇન બનાવતી વખતે જો કોઇ એવો ઇરાદો રખાયો હોય તો સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ. કાનૂની રીતે પણ સરકાર અમુક હદ સુધી રાષ્ટ્રીય પ્રતીકોમાં ફેરફાર કરી શકે છે. એના વિશે પણ થોડું જાણી લઇએ.
ડિઝાઇનના ફેરફાર બાબતે કાયદો શું કહે છે?
શું સરકાર ખરેખર અશોક સ્તંભમાં કોઇ ફેરફાર કરાવી શકે છે એવો પ્રશ્ર્ન પણ હવે ઊઠી રહ્યો છે ત્યારે આ દેશનો કાયદો શું કહે છે એ જાણવું પણ જરૂરી છે. આ વિવાદનો જવાબ ભારતીય રાષ્ટ્રીય ચિહ્ન (દુરુપયોગ નિવારણ) એક્ટ ૨૦૦૫ સાથે સંકળાયેલો છે જે પછીથી વર્ષ ૨૦૦૭માં અપડેટ કરવામાં
આવ્યો હતો. આ ઍક્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારતનું જે રાષ્ટ્રીય પ્રતીક છે તે સારનાથના લાયન કેપિટલ ઓફ અશોકમાંથી પ્રેરણા લે છે. ઍક્ટના સેક્શન ૬(૨)(એફ)માં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઇનમાં ફેરફાર કરી શકે છે. સેક્શનમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે દરેક તે પરિવર્તન કરવાની સત્તા છે જેને એ જરૂરી સમજે છે. જોકે સમગ્ર રાષ્ટ્રીય પ્રતીકને ક્યારેય બદલી શકાતું નથી.
અશોક સ્તંભનું મહત્ત્વ
અશોક સ્તંભમાં ચાર દિશા તરફ મોઢું રાખીને બેઠેલા સિંહની પ્રતિકૃતિ જોવા મળે છે એટલું જ નહીં, નીચે ચારેય દિશામાં હાથી, ઘોડો, વૃષભ અને સિંહની આકૃતિ પણ જોવા મળે છે. આ તમામ આકૃતિ વચ્ચે ચોવીસ આરાવાળું અશોક ચક્ર પણ જોવા મળે છે, જેને બુદ્ધનું ધર્મચક્ર પણ કહેવાય છે. તેનો ઉપયોગ આપણા રાષ્ટ્રીય ધ્વજમાં પણ કરવામાં આવ્યો છે. તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખ્યું છે જે આપણા ‘મૂંડકોપનિષદ’ નામના એક પ્રાચીન ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એકસરખી ઊંચાઇ ધરાવતા ચાર સિંહો રાજ્યમાં ચારેય દિશાઓમાં સુરક્ષા માટે બારીક નિરીક્ષણ કરી રહ્યા છે તેવો પણ સંકેત તેમાં છુપાયેલો છે. આ ચાર સિંહ બુદ્ધની ચાર ફિલોસોફી શક્તિ, બહાદુરી, આત્મવિશ્ર્વાસ અને ગૌરવને પ્રદર્શિત કરે છે. નીચે હાથીની આકૃતિ છે તે બુદ્ધના ગર્ભાધાનનું પ્રતીક છે. બુદ્ધના ગર્ભાધાન વખતે તેમની માતાને એવું સપનું આવેલું કે એક સફેદ હાથી તેમના ગર્ભમાં પ્રવેશી રહ્યો છે. વૃષભ (આખલો) એ બુદ્ધનું ઝોડિયાક (જ્યોતિષી) ચિહ્ન છે. ઘોડો એ તે અશ્ર્વ છે જેેને લઇને બુદ્ધ રાજપાટ છોડીને જીવનનો મર્મ પામવા નીકળ્યા હતા અને સિંહ એ સ્વયંસિદ્ધિ અને સ્વયંજ્ઞાનનું પ્રતીક છે. તેની નીચે લખાયેલું સંસ્કૃત વચન ‘સત્યમેવ જયતે’ આ દેશની સત્યનિષ્ઠાને પ્રદર્શિત કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.