અશોક ગહલોતની એક જ પુકાર: હે કૃષ્ણ, આ ગુજરાત કૉંગ્રેસનું શું થશે?

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

‘જન્માષ્ટમીના પર્વની તમને હાર્દિક શુભકામનાઓ.., ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.’ આ મેસેજ આજે રાજસ્થાનના સીએમ અને ઘણાં વર્ષોથી રાજસ્થાનની પ્રજાનો મત પોતાની તરફ ખેંચનાર એકમાત્ર કૉંગ્રેસના નેતા અશોક ગહલોતના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મૂળ તો અશોક ગહલોત બાંકે બિહારીના અનન્ય ભક્ત એટલે ભગવાનને પૂજવાનું ન ભૂલે પણ આ મેસેજની જરૂર અત્યારે પ્રજાને નહીં પણ ખુદ કૉંગ્રેસને છે.
૧૩૫ વર્ષનો ભવ્ય ભૂતકાળ ઘરાવતી કૉંગ્રેસની પકડ ગુજરાતમાં ઘટી રહી છે, હજુ બે દિવસ પહેલા ગુજરાત કૉંગ્રેસના ૨ દિગ્ગજ નેતા અને અહેમદ પટેલની સાથે કામ કરનારા ધારાસભ્ય નરેશ રાવલ અને રાજુ પરમારે ભાજપમાં પક્ષ પલટો કર્યો છે. પક્ષ પલટાનો આંકડો અહીંથી અટકતો નથી. ગુજરાતમાં ૨૦૧૨થી અત્યારસુધીમાં ૬૦ જેટલા કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાની ૨૦૧૯માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી. કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારું, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું છે. જ્યારે અક્ષય પટેલ, જે.વી. કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કૉંગ્રેસના પ્રખર કૉંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આ ઉપરાંત ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, જામજોધપુર કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પર પક્ષપલટાની લાઈનમાં છે.
કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર દરેક નેતાની એક જ ફરિયાદ છે કે પક્ષ અમને સાચવતો નથી. હશે.., આ નેતાઓની જે કંઈ ડિમાન્ડ હશે તેને કૉંગ્રેસનું હાઇકમાન્ડ નહીં સાચવી શકતું હોય પણ રાજકારણ તો સેવાનું ધામ છે અહીં માંગણી નહીં પ્રજાની લાગણી જોઈને કામ કરવાનું હોય છતાં પક્ષપલટો કરનાર કૉંગ્રેસના નેતાઓ છડેચોક આવા નિવેદનો આપી સાબિત કરી દે છે કે ભાજપમાં તેમની એન્ટ્રી તો થઈ ગઈ પણ આવા બેફામ નિવેદનોને કારણે થોડા જ વર્ષોમાં તેમની કારકિર્દી હાંસિયામાં ધકેલાય જશે.
ગુજરાત અને બિહાર ભારતની રાજનીતિનું કેન્દ્ર છે. અહીં જે પક્ષ સત્તા પર આવે તેના ક્રેન્દ્ર સ્થાને વિજયી થવાના સંકેતો પ્રબળ થઈ જાય છે. જે રીતે બિહારમાં દબંગોને ચૂંટણી જીતવા સાચવવા પડે એ જ રીતે ગુજરાતીઓના મન કે હૃદય જીતવા માટે પ્રજાની સાથે સતત જીવંત સંપર્ક રાખવો જરૂરી છે. નરેન્દ્ર મોદીએ સતત ૧૪ વર્ષ સુધી ગુજરાતની જનતા સાથે એવો જનસંપર્ક રાખ્યો કે લોકો આજે પણ તેના કિસ્સા યાદ કરે છે. તેની સામે ક્યા કોંગી નેતાએ પ્રજા સાથે તાદમ્ય સાધ્યું ? ૧૯૯૫ પછી ગુજરાતમાં કૉંગ્રેસ વિધાનસભાની ચૂંટણી ક્યારેય જીતી નથી અને ૨૭ વર્ષથી સત્તાનો વનવાસ ભોગવે છે. કેન્દ્રમાં પણ ૨૦૧૪ પછી કૉંગ્રેસનાં વળતાં પાણી શરૂ થયા છે અને હજુ એવી જ હાલત છે. પંજાબ પણ હમણાં હાથમાંથી ગયું છે. કૉંગ્રેસ પાસે હવે સમ ખાવા જેવા છતીસગઢ અને રાજસ્થાન બચ્યા છે અને થોડો ઘણો હિસ્સો ઝારખંડમાં છે. બાકીના રાજ્યોમાં કૉંગ્રેસનું ધબાય નમ: થઈ ગયું છે. ટોચના નેતાઓ પણ ધીરે ધીરે પંજાથી દૂર થતાં જાય છે અને ગાંધી શાસન સામે અવાજ ઉઠાવતા જાય છે. જે નેતાઓ બચ્યા છે તેઓને કૉંગ્રેસ પ્રમુખની ખુરશી લટકતા ગાજર જેવી લાગી રહી છે એટલે શાંત બેઠાં છે.
આવી સ્થિતિમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને કૉંગ્રેસને જીત અપાવી શકે એવો એક પણ ગુજરાતી નેતા નથી એ મોટામાં મોટી કમનસીબી છે. ડૂબતો માણસ તરણું પકડે એમ કૉંગ્રેસે પ્રશાંત કિશોરને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ પ્રશાંત કિશોરને અહેમદ પટેલ બનવું હતું. કૉંગ્રેસમાં, એમ કહીએ તો ચાલે કે ગાંધી પરીવારમાં એક જ અહેમદ પટેલ થઈ ગયા. હવે તેમનું સ્થાન ખુદ તેના પુત્ર અને પુત્રી પણ નથી લઇ શકતા તો પ્રશાંત કિશોરને ગાંધી પરિવાર આટલું મોટું પદ કઈ રીતે આપી શકે? એટલે પી.કે.ની ડીલ કેન્સલ થઈ ગઈ.
પી.કે. તો ગયા જતા જતા નરેશ પટેલને પણ પોતાની સાથે લઈ ગયા. પાટીદાર સમાજના અગ્રિમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે અને કૉંગ્રેસમાં જોડાશે એ વાતથી ખુદ કૉંગી નેતાઓ ખુશખુશાલ થઈ ગયા હતા. એક સમયે તો તેઓ ગુજરાત કૉંગ્રેસના સીએમ પદનો ચહેરો બની ગયા હતા. નરેશ પટેલે ૨૭ ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણમાં જોડાવવાની વાત કરી હતી. રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે એવી જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા ૭ પર પહોંચી અને દિવસની સંખ્યા ૧૦૦થી વધુ થઈ પણ જેવા પ્રશાંત કિશોરની કૉંગ્રેસ સાથે ડીલ કેન્સલ થઈ એ સાથે નરેશ પટેલ પણ પાણીમાં બેસી ગયા અને જાહેર કરી દીધું કે, તેઓ રાજકારણમાં નહીં જોડાય.
આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે કૉંગ્રેસ માટે ગુજરાતના ગઢને કોઈપણ ભોગે જીતવો જરૂરી છે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ સીટ છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલનો દાવો છે કે આગામી ચૂંટણીમાં ભાજપ ૧૫૦+ બેઠક સર કરી લેશે. જયારે કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના મતે કૉંગ્રેસ ૧૨૫+ બેઠકો જીતશે. આ તો તેમનો દાવો છે પણ ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ કૉંગ્રેસ પાસે ઓછામાં ઓછી ૫૦ બેઠક તો આવી જ હતી. તેમાંય ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને પગલે પાતળી સરસાઈથી કૉંગ્રેસની હાર થઈ હતી. આ ૫૦ બેઠકોને જીતવા જ પાટીલે કૉંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા છે પરંતુ છેલ્લા ૫૦ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ કૉંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે છે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી. ત્યારે હવે ગુજરાત કૉંગ્રેસને જરૂર છે એક સંચાલકની. જે દરેક પરિસ્થતિમાં પક્ષને એક તાંતણે બાંધી શકે અને તેના માટે ગુજરાત કૉંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના પીએમ અશોક ગહલોતની નિમણૂંક કરી છે.
ગુજરાતમાં થયેલા ડેમેજ કંટ્રોલને પુરવા અને ચૂંટણી કૉંગ્રેસને જીત અપાવવા અશોક ગહલોતના ગુજરાત પ્રવાસ પણ શરુ થઈ ગયા છે. અત્યારે કૉંગ્રેસ પાસે જીતની આશાના કિરણ સમાન એક માત્ર ગેહલોત જ છે. જયારે જયારે રાજસ્થાનમાં કૉંગ્રેસ નબળી પડી છે ત્યારે ત્યારે ગેહલોતે કોંગ્રેસને બળ પૂરું પાડ્યું છે. લલિત મોદી કાંડમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેનું નામ ખુબ જ ચગ્યું હતું. એ તકનો લાભ લઈને ગહલોતે ભાજપની સરકારને ઉથલાવી નાખી હતી. તો થોડા સમય પહેલા પોતાના નારાજ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને પણ પક્ષ પલટો કરતાં રોકી લીધા હત. તેના કુશળ નેતૃત્વને કારણે જ કૉંગ્રેસ હજુ સુધી રાજસ્થાનમાં ટકી રહી છે. એટલે જ તેમને રાજનીતિના જાદુગર કહેવાય છે.
રાજસ્થાનના જોધપુરમાં ફેમસ જાદુગર લક્ષ્મણસિંહ ગહલોતના ઘરે ૩ મે, ૧૯૫૧ના રોજ અશોક ગહલોતનો જન્મ થયો. બાળપણથી જ અશોકને પિતાના વ્યવસાય સાથે ચીડ હતી. તેઓ ઇન્દિરા ગાંધીથી ખુબ જ પ્રભાવિત હતા. એટલે રાજકરણી બનવાનું પદ્ધતિ સરનું જ્ઞાન કેમ મેળવવું તેની નેટ પ્રેકટીસ તેમણે નાનપણમાં જ શરૂ કરી દીધી હતી. ૧૯૭૧માં, પૂર્વ બંગાળી શરણાર્થીઓની કટોકટી દરમિયાન, ગહલોતે શરણાર્થી કેમ્પમાં સેવા આપી હતી. શરણાર્થી કેમ્પની મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના સેવા કર્યો અને સંગઠનાત્મક કુશળતાથી ખુશ થયા હતા અને તેમણે ગહલોતને એનએસયુઆઈ રાજસ્થાનના પ્રમુખ બનાવી દીધા.
એ દિવસથી શરૂ કરેલી ગહલોતની રાજકીય સફર આજે પણ અવિરત પણે ચાલી રહી છે.૧૯૮૨-૮૩માં પર્યટન ઉપમંત્રી, ૧૯૮૩-૮૪માં નાગરિક ઉડ્ડયન, ૧૯૮૪માં જ રમત-ગમતના મંત્રી, ૧૯૮૪-૮૫માં પર્યટન અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી, ૧૯૯૧-૯૩ સુધી છાપકામ વિભાગના મંત્રીનો પદભાર તેમણે સંભાળ્યો હતો. વર્ષ ૧૯૮૮માં તેઓ પ્રથમવાર રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ ૨૦૦૮માં બીજી વખત સીએમનું પદ મળ્યું અને ૨૦૧૮થી આજસુધી તેઓ પીએમ પદે કાર્યરત છે. પરંતુ ગુજરાતની ચૂંટણી જીતવા માટેના તેના મુદ્દા ખુબ જ તકલાદી છે. ૨ દિવસ પૂર્વે વડોદરામાં એક સભા સંબોધ્યા બાદ તેમણે કહ્યું કે, અમારી સરકાર દારૂની વિરોધી છે, અમે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવીશું આ વાતો તો એક સપ્તાહ પૂર્વે આવેલા દિલ્હીના સીએમ અને આપ સુપ્રીમોએ પણ રાજકોટમાં કહી હતી. આવા તો અનેક મુદ્દા છે જેના પર ગહલોતએ કામ કરવું પડશે.
એટલું તો નક્કી છે કે કૉંગ્રેસ ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ તેના નેતાઓ પ્રજાની પડખે નહીં રહે ત્યાં સુધી બધુ નકામું છે. કૉંગ્રેસમાં નેતાઓ વધુ અને કાર્યકરો ઓછા છે તે સ્થિતિ બદલવી પડશે અને કાર્યકરોને ખુશ પણ રાખવા પડશે. ગ્રામ પંચાયતી લઈને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની અણઘડ વ્યવસ્થા જોવા મળે છે. નેતાઓ એક બીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતા નથી. સોલંકીઓ, ચાવડાઓ, ધાનાણીઓ, મોઢવાડિયાઓ, પટેલો અને બ્લા બલા બહારથી સાથે અને અંદરથી જુદા છે.તેમનો ચેપ છેક ગ્રામ્યકક્ષા સુધી લાગેલો છે અને આ જ રીતે કૉંગ્રેસની ઘોર ખોદાઈ ગઈ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, ૨૭ વર્ષથી કોંગ્રેસ સત્તા પર નથી છતાં આ સ્થિતિ છે. જો સત્તા મળે તો શું કરે…? જો કે, આ સવાલનો જવાબ જોજનો દૂર દેખાતો નથી અને હવે અધુરામાં પૂરું પંજાબ જીતેલી આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા કવાયત શરૂ કરી દીધી છે અને તેના અપેક્ષિત ઉમેદવારોનું લિસ્ટ પણ ભાજપ કૉંગ્રેસ પહેલા જાહેર કરી દીધું છે. આવી સ્થિતિમાં નુકસાન તો પંજાને જ થશે તેમાં બેમત નથી. પણ જોવાનું રહેશે કે આવી સ્થિતિમાં રાજનીતિના જાદુગર શું જાદુ કરીને દેખાડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.