કચ્છ અને મધ્ય ગુજરાતમાં અષાઢે અનરાધાર

દેશ વિદેશ

રાજકોટમાં પાણી ભરાયાં
રાજકોટમાં ભારે વરસાદને કારણે રિંગ રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. તસવીરમાં રિંગ રોડ પર પાણીમાંથી પસાર થઈ રહેલો બાઈકસવાર જોવા મળી રહ્યો છે. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાને ધમરોળ્યા બાદ મેઘરાજાએ રાજકોટમાં આખી રાત વરસીને મંગળવાર સુધીમાં ૧૧ ઇંચ જેટલું પાણી વરસાવ્યા બાદ આખા દિવસમાં કચ્છ અને ભરૂચ જિલ્લામાં તાંડવ કર્યું હતું. બન્ને જિલ્લાઓમાં પાંચથી નવ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભરૂચના વાગરામાં ૨૩૧ મિમી, અને કચ્છના અંજારમાં ૨૧૨ મિમી જેટલો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સોમવારે સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં કુલ ૧૪૪ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ભરૂચ, કચ્છ, ડાંગ, રાજકોટ, વડોદરા અને તાપી જિલ્લાના ૧૦ તાલુકાઓમાં પાંચ ઈંચથી નવ ઈંચની વચ્ચે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં ૨૩૧ મિમી, કચ્છના અંજારમાં ૨૧૨ મિમી, ભુજમાં ૧૯૭ મિમી ગાંધીધામમાં ૧૭૧ મિમી, વઘઈમાં ૧૪૪ મિમી, નખત્રાણામાં ૧૪૦ મિમી, ડાંગના આહવામાં ૧૩૬ મિમી, રાજકોટ શહેરમાં ૧૩૩ મિમી, કરજણ ૧૩૨ મિમી, વ્યારામાં ૧૨૩ મિમી,
વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યના સાત તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચમાં ૧૧૯ મિમી, ડોલવણમાં ૧૧૭ મિમી, વાંસદામાં ૧૧૩ મિમી, જોટિયામાં ૧૧૨ મિમી, મહુવામાં ૧૧૨ મિમી, સોનગઢમાં ૧૦૨ મિમી, ઉમરપાડામાં ૧૦૨ મિમી વરસાદ નોંધાયો હતો.
દરમિયાન ભુજ સહિત કચ્છના અનેક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી. મંગળવારે સવારે ૬ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં પૂર્વ કચ્છ તેમ જ પશ્ર્ચિમ કચ્છના અમુક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં સાંજના છ વાગ્યા સુધીમાં પૂર્વ કચ્છના અંજારમાં ૨૧૨ મિ.મી. (૮.૨૪ ઇંચ), ભુજમાં ૧૯૭ મી.મી. (૭ ઇંચ), ગાંધીધામમાં ૧૭૧ મી.મી., નખત્રાણામાં ૧૪૦ મિમી, અબડાસામાં ૮૯ મિમી, માંડવીમાં ૮૧ મિમી, મુન્દ્રામાં ૫૧ મિમી, અને ભચાઉમાં ૩૩ મી.મી. લખપતમાં ૨૮ મિમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ રાપરમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લેતા તાલુકો સુકો રહ્યો હતો.

કચ્છ પર દિવસભર વરસેલા અનરાધાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ અને સ્થાનિક લોકોની મદદથી જોખમી જળભરાવ વાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવી પડી રહી છે. નખત્રાણાના ધીણોધર ડુંગર પર પર્યટન માટે ગયેલા ભુજના ચાર યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા પૂર નિયંત્રણ કક્ષને તાકીદનો સંદેશો મળતાં ભુજથી એનડીઆરએફની ટીમ ધીણોધર ડુંગર પર પહોંચી હતી અને ત્યાં નદીના વહેણમાં ફસાયેલા ભુજના ચાર યુવાનોનું સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરાયું હતું.
ભારે વરસાદને પગલે બંદરીય શહેર માંડવી ખાતેના જતનગરમાં ફસાયેલા પાંચ પરિવારોના ૫૧ જેટલા રહેવાસીઓનું રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. માંડવી તાલુકાના ધુણઇ ગામ પાસે આવેલો વિજયસાગર ડેમ છલકાઇ જતાં તેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં મુશ્કેલી સર્જાઈ છે. જો કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં તત્કાળ પહોંચી જઈને એનડીઆરએફની ટુકડીએ જતનગર ખાતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવાયેલા આ તમામ ૫૧ લોકોને શહેરની એક પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત અબડાસા તાલુકાના કોઠારા ગામે પણ રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી છે.
બીજી તરફ ભુજમાં દિવસ દરમ્યાન થયેલા ૮ ઇંચ વરસાદને પગલે ઐતિહાસિક હમીરસર તળાવમાં વરસાદી પાણી લઇ જતો મોટો બંધ ધસમસતો વહેવા લાગતાં હમીરસર તળાવમાં છ મહિનાના નવાં નીરનાં વધામણાં થતાં મોટી સંખ્યામાં લોકો હમીરસર તળાવ જોવા ઉમટ્યા છે અને આ સ્થળે મેળા જેવો માહોલ ખડો થવા પામ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઇને તંત્રની રાહત અને બચાવની કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથોસાથ લોકો સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તેમ જ નર્મદા જિલ્લાના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી.
દરમિયાન આવતીકાલે ૧૩મીથી ૧૭મી જુલાઇ સુધી કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજયમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફ ૧૮-૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે અને આ નીચાણવાળા વિસ્તારોમાંથી આગોતરુ સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે, જ્યારે રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ જળાશયો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એવું રાહત કમિશનર પી. સ્વરૂપએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.