ગુજરાતની એક અદાલતે સોમવારે બની બેઠેલા ધર્મગુરુ આસારામ બાપુને એક દાયકા જૂના યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આસારામ બાપુ પર સુરતની એક મહિલાએ લગભગ 10 વર્ષ પહેલા અમદાવાદના મોટેરા ખાતેના તેમના આશ્રમમાં તેના પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આસારામ બાપુને દોષિત ઠેરવનાર ગાંધીનગર સેશન્સ કોર્ટ મંગળવારે આ કેસમાં સજા સંભળાવશે.
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગરની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો. કોર્ટ દ્વારા આજે આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ આ કેસમાં આરોપી હતો. આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ – ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા – પણ આ કેસમાં આરોપી હતા. આ તમામને ગાંધીનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
નોંધનીય છે કે આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા ભોગવી રહ્યા હોવાથી આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. 2018 માં, જોધપુરની એક ટ્રાયલ કોર્ટે તેને જાતીય શોષણના અન્ય એક કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને જેલની સજા ફટકારી હતી. તેને 2013માં જોધપુરના આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ગાંધીનગર કોર્ટમાં તેની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
આસારામની ઓગસ્ટ, 2013માં ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર, 2013માં તેને જોધપુર લાવવામાં આવ્યો હતો.