(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે સત્રના આરંભે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું અને ભાવ નવ મહિનાની નીચી સપાટીએ ઊતરી ગયા હતા, જ્યારે વાયદામાં ૦.૫ ટકાનો અને ચાંદીમાં ૦.૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૨૦નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ ગત શુક્રવારના બંધથી કિલોદીઠ રૂ. ૩૨૦ વધીને રૂ. ૫૬,૭૪૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૬૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૮૭૭ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ ઊંચી સપાટીએ રહ્યો હોવાના નિર્દેશ સાથે સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં હાજરમાં ભાવ ગત શુક્રવારના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૩૬.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ૧૭૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે અને ભાવ ઔંસદીઠ ૧૭૫૩ ડૉલરની સપાટીની નીચે પ્રવર્તી રહ્યા હોવાથી ભાવ વધુ ઔંસદીઠ ૧૭૨૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરતાં સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ૧૭૩૦ ડૉલર આસપાસની સપાટીએ ભાવને થોડોઘણો ટેકો મળે તેવી શક્યતા નકારી ન શકાય.
