Homeદેશ વિદેશરૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૫૩ની નરમાઈ, ચાંદીમાં ₹ ૪૩૭ ઘટ્યાં

રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૫૩ની નરમાઈ, ચાંદીમાં ₹ ૪૩૭ ઘટ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદ સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યા બાદ પુન: ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૩૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૩૭ના ઘટાડા સાથે રૂ. ૬૧,૮૨૯ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની મર્યાદિત લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૬૬૦ના મથાળે રહ્યા હતા.
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૧ ટકા જેટલો સુધારો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૫૧.૪૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકાના સુધારા સાથે ૧૭૫૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ગઈકાલના ઉછાળા પશ્ર્ચાત્ આજે હાજરમાં ભાવ ૧.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૧.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ડૉલર ઈન્ડેક્સની નરમાઈને કારણે સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો છે તે જોતાં આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૭૯૦થી ૧૮૨૦ ડૉલર આસપાસની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે વર્ષ દરમિયાન સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેવાને કારણે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ડિંગમાં ૬૮ ટનનો ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular