Homeટોપ ન્યૂઝરૂપિયો બેતરફી વધઘટે અથડાતા સોનામાં રૂ. ૩૭નો ઘટાડો, ચાંદી રૂ. ૮૨ નરમ

રૂપિયો બેતરફી વધઘટે અથડાતા સોનામાં રૂ. ૩૭નો ઘટાડો, ચાંદી રૂ. ૮૨ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધથી એક તબક્કે ઊપરમાં ૨૯ પૈસા મજબૂત અને નીચામાં ૨૮ પૈસા સુધી પટકાયા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ૨૮ પૈસાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૨નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ગત શુક્રવારના બંધથી સાધારણ કિલોદીઠ રૂ. ૮૨ના ઘટાડા સાથે રૂ. ૬૮,૩૭૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૭૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૦૧૩ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા પ્રબળ રહેતાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજર તેમ જ વાયદામાં સોનાના ભાવ ગત શુક્રવારના બંધ સામે ૦.૩ ટકાના સુધારા સાથે અનુક્રમે ૧૯૩૨.૧૨ ડૉલર અને ૧૯૩૪.૭૦ ડૉલર પ્રતિ ઔંસ ક્વૉટ થઈ રહ્ય હતા. 

આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્વિક સોનાને ફેડરલ રિઝર્વના ધીમા વ્યાજદર વધારાની અપેક્ષાનો ટેકો મળતો રહે તેવી શક્યતા એસીવાય સિક્યોરિટીઝનાં ચીફ ઈકોનોમિસ્ટ ક્લિફોર્ડ બૅનૅટે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી ૩૧ જાન્યુઆરી-પહેલી ફેબ્રુઆરીની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી નજીકના સમયગાળામાં ભાવ હાલની સપાટી આસપાસ અથડાતા રહેશે, પરંતુ લાંબા સમયગાળે ભાવ ઔંસદીઠ ૨૦૦૦ની સપાટી પાર કરે તેવી શક્યતા નકારી ન શકાય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular