(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે રોકાણકારોની નજર મુખ્યત્વે અમેરિકાની દેવાની ટોચ મર્યાદા અંગેની વાટાઘાટો, આ સપ્તાહે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને અન્ય આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સોના-ચાંદીમાં રોકાણકારોની પાંખી લેવાલી રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ઘટતો અટકીને સાધારણ સુધારાતરફી ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭થી ૩૭૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૫૩નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૫૩ ઘટીને રૂ.
૭૧,૫૬૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો,જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની વધુ ભાવઘટાડાના આશાવાદે લેવાલી નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭ ઘટીને રૂ. ૬૦,૨૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૭૯ ઘટીને રૂ. ૬૦,૪૫૦ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય વિનીમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૬૧.૫૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા ઘટીને ૧૯૬૫.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે દેવાની ચુકવણીના સંભવિત ડિફોલ્ટ ટાળવા માટે હવે માત્ર દસ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ૩૧.૪ ટ્રિલિયન ડૉલરની ડેબ્ટની મર્યાદા કઈ રીતે વધારવી તે અંગેની વાટાઘાટો અનિર્ણિત રહી હોવાનું ગઈકાલે અમેરિકી હાઉસના પ્રવક્તા મૅકકાર્થીએ જણાવતા સોનામાં રોકાણકારોની સલામતી માટેની માટેની માગમાં ઘટાડો થયો હોવાનું એક વિશ્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત ગઈકાલે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે વધતી માગને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં વધુ વધારાની આવશ્યકતા હોવાનું જણાવતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
જોકે, હાલના તબક્કે ૮૦.૧ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખશે.