Homeવીકએન્ડજેવા ધર્મશાળામાં પહોંચ્યા ત્યાં તો ‘મેઘ તાંડવ’ ચાલુ થઈ ગયું: બરફના અસંખ્ય...

જેવા ધર્મશાળામાં પહોંચ્યા ત્યાં તો ‘મેઘ તાંડવ’ ચાલુ થઈ ગયું: બરફના અસંખ્ય ટુકડા અત્ર તત્ર સર્વત્ર વરસવા લાગ્યા

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

(ગતાંકથી ચાલુ)
‘ઓધનિર્યુક્તિ’ નામના આગમ સૂત્રમાં પુલના વિવિધ પ્રકારો પ્રતિપાદન કર્યા છે. તેમાં એક પ્રકાર છે. ‘સપ્રત્યપાય ચલ અનેકાંગીક સંક્રમ’ આ પુલ પણ એવો જ હતો. ‘સપ્રત્યપાય’ એટલે ક્યારે પડી જવાય તે કંઈ કહેવાય નહીં. ‘ચલ’ એટલે અસ્થિર હતો. ‘અનેકાંગિક’ એટલે જુદા જુદા ઘણા લાકડાના પાટિયાથી બનેલો પૂલ. એવા પૂલ ઉપર અમે પહોંચ્યા. ખૂબ સંભાળીને આગલ વધવાનું હતું. નીચે તો જમનાનો ઘસમસતો કાળો પ્રવાહ ચાલ્યો જાય. જાણે ભયાનક ભૂતાવળ ભાગતી હોય એવો પ્રવાહ અમે પાર કર્યો. હવે તો પગ વધુ ઝપડે ઊપડવા લાગ્યા. પણ હજુ યમુના નદી ઉપરનો એક લોખંડનો પુલ પાર કરવાનો હતો. જો કે તે તો મજબૂત હતો. પૂલ પાર કરીએ ન કરીએ ત્યાં તો ઉપરથી બરફનાં ટુકડા પડવા ચાલુ થયા. એ તો સારું થયું દોડીને અમે અમારી ધર્મશાળામાં પ્રવેશી ગયા. પૂલને અડીને જ તો ધર્મશાળા હતી. જેવા ધર્મશાળામાં પહોંચ્યા ત્યાં તો ‘મેઘ તાંડવ’ ચાલુ થઈ ગયું. બરફના અસંખ્ય ટુકડા અત્ર તત્ર સર્વત્ર વરસવા લાગ્યા. ચારે બાજુ બરફનું એક છત્રી સામ્રાજ્ય છવાઈ ગયું. સતત ૨ અઢી કલાક બરફ પડ્યો. અમે તો સાવ સુરક્ષિત હતા. પાણીનું ટીપુંય અમને લાગે તેમ ન હતું.
બીજા યાત્રિકોને ખૂબ ત્રાસ થયો. કારણ કે બધા જ યાત્રિકોએ ફરજિયાત નીચે ઊતરી જવું જ પડે. હજુ ૬ કિ.મી. ઊતરવાનું એમને બાકી હશે. અને આ બરફનો વરસાદ. કેટલાક લપસી પડે, કેટલાક ઠરી જાય, કેટલાકનો પગ જ ન ઊપડે. છતાં ગમે તેમ કરી નીચે પહોંચવાની મહેનત કરે. તેઓના પ્રોગ્રામ પ્રમાણે સાંજે જ બસમાં બેસી જવાનું હોય. રાત્રિ વિશ્રામ ઉત્તરકાશી થાય, ૨-૪ જણ ન ઊતરે તો આખી બસ રોકવી પડે.
રાત્રે તો સાવ એકાંત હતું. અમે એકલા અને થોડાક આર્મીમેન આમ તેમ આંટા મારતા હતા. ઠંડી વધી ગઈ હતી. ચારે બાજુ વાતાવરણ બરફમગ્ન હતું. રોડ ઉપર – ઘરની છત ઉપર – ધર્મશાળા – પતરા ઉપર – મંદિર ઉપર – વૃક્ષો ઉપર ૬ ઇંચ જેટલા બરફના પડ લાગી ગયા હતા. જેમ જેમ રાત જતી હતી તેમ તેમ વાતાવરણ અતિશીત બનતું જતું હતું. બધા દરવાજા બંધ કરીને ઠંડીથી બચવાના પ્રયત્નમાં લાગેલા છે. કાળરાત્રી સરકવા લાગી અમે પણ નિદ્રાદેવીની ગોદમાં સરકી ગયા. સવારે અમારી રૂમનો દરવાજો ખૂલ્યો તો જાણે ચાંદી જેવા ચળકતા અજવાળાનો ધોધ અમારી રૂમમાં આવી ગયો. સૂરજ ઊગી ગયો હતો, પણ એતો શિખરની પાછળ હતો. યમુનોત્રી જ્યાંથી નીકળે છે તે કાલિંક પર્વતના શિખર ઉપર સવારે બરફ હતો. સાંજે બધો પીગળી ગયો. પીળુ ઘાસ દેખાવા લાગ્યું. રાત્રે વરસાદના કારણે પાછો બરફ જામી ગયો હતો. એ સિવાયના કોઈ શિખર પર બરફ દેખાતો નથી એ વાતનું સુખ છે ક્યાંય પાણી કે બરફની વિરાધના થઈ નથી. અહીં યમનોત્રીમાં નાનું બજાર છે. પૂજાપાની સામગ્રી વહેંચાય અને મીઠાઈ ફરસાણની દુકાનો ગુજરાતીઓનું મન મોહી લે. યમુનોત્રી, ગંગોત્રી આદિ યાત્રા કરવામાં ૬૦ ટકા ગુજરાતીઓ આવે. ખરેખર ગુજરાતી એટલે ગુજરાતી. ગમે ત્યાં પહોંચી જાય અને તીર્થોમાં તો સૌથી પહેલા હાજરી હોય. આ તો યમુનોત્રી છે પણ ક્ધયાકુમારી કે રામેશ્ર્વરમ્ જેવા દૂરનાં ક્ષેત્રો હોય તો પણ ગુજરાતીઓ મળી જાય. ભારતનું કોઈ તીર્થ ગુજરાતીઓ વગર એક દિવસ પણ ખાલી નહીં હોય.
આવા ભયંકર હળાહળ કળજુગમાં પણ ભારતમાં ધર્મશ્રદ્ધા કેટલી મજબૂત છે, એનો સાક્ષાત્કાર અહીં થાય. ભૌતિકવાદ જેટલો વધે તેટલો વધવા દો પણ લોહીમાં જે શ્રદ્ધાભક્તિ છે તે કંઈ ઓછી થાય નહીં. રોજની કેટલીય બસો યાત્રિકોની ઠલવાય છે. નાની નાની કાર જીપ આદિનો પાર નથી. બીજા દિવસે અમે નીકળ્યા, રસ્તો સાવ ખાલી હતો. કોઈ યાત્રિક ન હતું. બધા નાસ્તો પાણીને કરીને ઉપર ચઢવાનું ચાલુ કરે. ૯.૦૦ વાગી જાય, ત્યાં સુધી તો અમે નીચે પહોંચી જઈશું. જે વિચાર્યું હતું તેમ જ થયું. ૯.૩૦ વાગ્યા સુધી તો અમે નીચે ઊતરી ગયા. જાનકીચટ્ટીમાં હવે રોકાવાનું કંઈ પ્રયોજન ન હતું. વળી ૫૦ કિ.મી. સુધી ઢોળાવવાળો જ રોડ હતો. આજે જેટલું ચલાય એટલું ચાલી જ લેવું છે. સવારે ૨૬ કિ.મી. ચાલીને પેલા વૃદ્ધના ઘરમાં આખો દિવસ વિશ્રામ કરી સાંજે ૫ કિ.મી. ચાલી પાલગાડ આવ્યા ત્યાંથી વળી બીજા દિવસે ૨૫ કિ.મી. ચાલીને છટાંગા પહોંચ્યા. અહીં છત પર અખરોટના ઝાડ નીચે એક લાકડાના પાટિયાનું છાપરૂં બનાવેલું છે. ત્યાં દિવસે વિશ્રામ કરી પાછા સાંજે ૭ કિ.મી. એક નાનકડા ગામમાં આવ્યા. ઉતરાણ પૂરું થયું. હવે ચઢાણ ચાલુ થઈ ગયું છે. આવ્યા ત્યારે કાચા રસ્તાથી આવ્યા હતા, પણ વિરાધનાના કારણે હવે ૪૦ કિ.મી. ફરીને રોડે રોડે જવાનું વિચાર્યું છે. ૧૮ કિ.મી. ઉપર ઘાટ ચઢવાના છે. રોડ ખૂબ ફરીને જાય છે. ભલે જાય પણ અમે તો રોડે રોડે જઈશું. વિરાધના નથી કરવી.
યમનોત્રીથી ૪ દિવસમાં તો અમે ઉત્તરકાશી પહોંચી ગયા ૧૦૮ કિ.મી. ચાલ્યા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular