Homeવીકએન્ડગાંધીજીના અસ્થિ વિસર્જનની સાથે જ જાણે ગાંધીધામ સંકુલના સર્જનની શરૂઆત થઈ!

ગાંધીજીના અસ્થિ વિસર્જનની સાથે જ જાણે ગાંધીધામ સંકુલના સર્જનની શરૂઆત થઈ!

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

આઝાદી પછી રાષ્ટ્રોના વિભાજનના પગલે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હજારો હિન્દુ સિંધી પરિવારો પોતાની ભાષા, ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા સ્થાનાંતર કરવું પડ્યું. આ સિંધી પ્રજાને કરાચી બંદરેથી નજીક વસાવવા માટે અગ્રણી સામાજિક નેતા ભાઈ પ્રતાપરાયે હિંમત બતાવી અને કચ્છના તત્કાલીન મહારાવશ્રી, ગાંધીજી અને સરદાર પટેલ વગેરે નેતાઓએ સાથે મુલાકાત કરી અંજાર અને કંડલા વચ્ચે પડતર જમીન જે બિનઉપજાઉ, બંજર અને વિંછીઓ- સાપો તથા અન્ય ઝેરી જીવજંતુથી ભરપૂર જમીન સંપાદિત કરી હતી અને સિંધીઓ (હિન્દુ)ના પુન:વસવાટ માટે ભારે જહેમત ઉઠાવી અને આ વિસ્તારમાં નાનકડું સિંધનું નિર્માણ કરવાનો પ્રયત્ન આદર્યો હતો અને તે યત્નોના ફળ સ્વરૂપે પુન: વસવાટ કાર્ય જે સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું તે આદિપુર તરીકે ઓળખાયું.
અહીં ગાંધીજીના અવસાન પછી મરણોત્તર ક્રિયામાં શ્રી પ્રતાપરાય, શ્રી આચાર્ય ક્રિપલાણી જેSRCના પ્રથમ ચેરમેન હતા તેમ જ અન્ય સિંધી અગ્રણીઓ દિલ્હી ગયા હતા અને ગાંધીજીના હત્યારા હતા ત્યારે લોકાર્પણ સમારોહમાં સામેલ થવાનું વચન આપ્યું હતું, પરંતુ તે જ દિવસે હત્યાને પગલે આ વચન પૂરું કરવા આ અગ્રણીઓ તેમનું અસ્થિ કળશ શ્રી આચાર્ય ક્રિપલાણી માથા પર ઉપાડીને લાવ્યા હતા અને અમુક હિસ્સો કંડલાની ખાડીમાં વિસર્જિત કર્યો અને બાકીના અસ્થિ પર આદિપુરમાં ગાંધીજીની સમાધિનું નિર્માણ થયું. આમ જાણે ગાંધીજીના અસ્થિ વિસર્જનની સાથે જ જાણે ગાંધીધામ સંકુલના સર્જનની શરૂઆત થઈ!
૨૬મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ભાઈ પ્રતાપરાયે નગરના નિર્માણ કાર્યના સંચાલન માટે “સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની રચના કરી તેના પ્રથમ ચેરમેન શ્રી આચાર્ય ક્રિપલાણી હતા અને ભાઈ પ્રતાપરાય મેનેજિંગ ડાયરેક્ટર પદે નિમાયા હતા. નગરના નિર્માણ માટે ઈટાલિયન આર્કિટેક મારીઓ બેચીઓસીસે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. એમાં પાછળથી અમેરિકાની મેસર્સ એડમન્ડ હાવર્ડ એન્ડ ગ્રીલી નામની ટાઉન પ્લાનિંગ કંપનીએ થોડા ફેરફાર કર્યા હતા. અત્યારે આ સંકુલના કુલ વિસ્તાર ૬૯૨૦ એકર પૈકી ૪૩૨૦ એકર જમીન પર કંડલા પોર્ટ ટ્રસ્ટ હાલે દિનદયાલ પોર્ટ ઓથોરિટીનું આધિપત્ય છે, જ્યારે બાકીની ૨૬૦૦ એકર જમીન પરSRC (સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન)નો અધિકાર છે અને એ જમીનનો વિકાસ કરીને વિવિધ સ્કિમો દ્વારા મકાનો/ કોમર્શિયલ કોમ્પલેક્ષનું નિર્માણ કરી લોકોના ઉપયોગ માટે વેચાણ કરે છે.
શ્રી ભાઈ પ્રતાપરાયની દિર્ઘદૃષ્ટિને પગલે નિર્માણ પામનારાં આ જોડિયાં નગરો બે રીતે અનોખાં છે. એક તો મકાનોનું વિશિષ્ટ ત્રિઅર્ષી નામાભિધાન અને બીજું એ કે કોઈ એક પ્રજા/ જાતિના પુન:ર્વસન માટે એને એક વ્યક્તિએ વસાવ્યું છે. આમ તો ઉત્તર ભારતમાંનું ચંદીગઢ તથા આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ આયોજનબદ્ધ રીતે વસાવેલા નવનિર્મિત નગરો છે, પણ એ નગરો સંપૂર્ણપણે સરકારી મદદ વડે ઊભા કરવામાં આવ્યાં છે.
મકાનો સાથે સંકળાયેલા શબ્દો જેમ કે ફલાણી ગલી, ફળિયું, વાસ, માર્ગ, બારી વગેરે શબ્દો આમને આમ વાચકોએ સાંભળ્યા હશે, પણ ચારવાળી, સાતવાળી કે બાવીસવાળી જેવી સંજ્ઞાઓ કે આપે લત્તાઓના નામ જેમ કેCBX, SEX, SDB, TAX, DBZ વગેરે સાંભળ્યા છે ખરા? નહીંને વિશ્ર્વમાં આ પ્રકારના નામાભિધાન ધરાવતાં મકાનો અને દુકાનો ગાંધીધામ અને આદિપુરમાં જ કદાચ હશે!
મકાનોની આ સંજ્ઞાઓનો ચોક્કસ અર્થ છે તથા મકાનના ક્ષેત્રફળ, બાંધકામની મૂળ કિંમત અને સુવિધા પ્રમાણે આ મકાનોના મૂળભૂત રીતે ભાડાં નક્કી થયેલ છે. આ નગરમાં ૧૦ તથા ૧૨ મકાનો ધરાવતી સળંગે બેરેકો પણ છે. તો ચાર-ચારના ઝુમખાં, બબ્બે ઘરોના એકમો તેમ જ સ્વતંત્ર મોટા પ્રકારના Z બંગલા પણ છે. મકાનનું મૂળ ભાડું રૂા. ૪ (ચાર)થી લઈને રૂા. ૮૦ (એંશી) સુધી છે. એટલે ભાડા પ્રમાણે લત્તાઓના કે વસાહતોના ચારવાળી, બાવીસવાળી વગેરે નામો પડી ગયા છે. આમ જોવા જઈએ તો મોટે ભાગે નામનો અંતિમ અક્ષર અંગ્રેજી મૂળાક્ષરનો Z છે અથવા તો X છે. મકાનોની ખરીદી માટે શૅર લેવો પડતો તે મકાનો ઝેડ ધારી છે, જ્યારે અન્ય એક્સ ધારી છે. ઝેડ નામ ધારીમાંનો મુખ્ય રોડ પર આવેલા છે. એટલે કે તે વિસ્તારમાં દુકાન વગેરે નાખી શકાયું એવું પ્લાનિંગ કરેલું છે. એક્સ મકાનો ઝેડ મકાનોની પાછળના ભાગમાં અર્થાત્ અંદરના ભાગમાં આવેલાં છે. ત્યાં ધંધાકીય વિસ્તારનો વિકાસ ન થઈ શકે, એવી ગણતરી હતી. મકાનોની પ્રથમ સંજ્ઞા મકાનની સુવિધા (ઓરડા)નો ઉલ્લેખ કરે છે.
આપણે જોઈએ સી સંજ્ઞાવાળાં મકાનો આવાં મકાનોની ચાર ચાલીઓ છે. CAX, CBX, CCX, CDX પ્રથમ અક્ષરC ચાલ સૂચવે છે. જેમાં ૧૦ કે ૧૨ જેટલા સળંગ એક રૂમ, નાનું રસોડું તથા સ્નાનગૃહ ધરાવતાં મકાનો છે. આ ચાલીના નિવાસીઓ માટે જાહેર સંડાસની વ્યવસ્થા હતી. વચ્ચેનો અક્ષર એ, બી, સી, ડી એ અલગ-અલગ વિસ્તાર સૂચવે છે. એક વિસ્તારમાં અમુક મકાનો બંધાયા બાદ અન્ય વિસ્તારમાં બી માં એવી જ ડિઝાઈનવાળાં મકાનો CBX કહેવાય. મકાનના ક્ષેત્રફળમાં સહેજ તફાવત ખરો, પણ મૂળભૂત માળખું તો એક જ બીજા સમયની સાથે પડતર કિંમતમાં વધારો થતો ગયો. એટલે ભાડામાં પણ વધારો કરવો પડ્યો.CAX મકાનની મૂળ કિંમત રૂા. બારસો એ મકાનનું ભાડું રૂા. ૬ નક્કી કરાયું અને એ એમ ૬વાળી ચાલ કહેવાઈ એવી રીતેCDXએ ચારવાળી, CBX એ સાતવાળી તથા CCXએ નવવાળી ચાલના નામ પડ્યાં. એક રૂમ રસોડું, બાથરૂમ ઉપરાંત સંડાસ તથા નાની ઓસરીની સુવિધાવાળાં મકાનો એસ સંજ્ઞાથી શરૂ કરવામાં આવ્યાં.S એટલે સિંગલ રૂમ કવાર્ટર. આ શ્રેણીમાં એસએએકસ (સત્તરવાળી), એસડીએક્સ (જૂની પંદરવાળી), એસસીએક્સ (નવી પંદરવાળી), SBX, SEX બાવીસવાળી તથા SFX વસાહતો બનાવવામાં આવી. SDX તથા SFX મકાનો ગાંધીધામમાં છે, જ્યારે અન્ય આદિપુરમાં, એસએફએક્સમાં ખરેખર ૩૮૦ મકાનો છે. જેને ચારસો (૪૦૦ કવાર્ટસ) વિસ્તાર તરીકે ઓળખાય છે. ટી એટલે ટુ અર્થાત્ બે મોટા ઓરડાવાળાં મકાનોની શ્રેણીમાં TAX, TBX, TCX ગાંધીધામમાં અને TDX બારવાળી મકાનો બન્યાં, ત્રણ રૂમવાળી શ્રેણી એક જ છે અને આદિપુરની THX વસાહત છે.
Z અંતાક્ષરી મકાનોમાંDAZ તથાDBZ છે. એમાં ડી એટલે ડબલ. આ મકાનો પર એક વધારાનો માળ રચાયેલો છે. ભોંયતળિયું તથા ઉપર એક માળવાળા કુલ સો મકાનો આદિપુરમાં મુખ્ય રસ્તા પર આવેલા છે. આ પ્રકારના મકાનો ગાંધીધામમાં DBZતરીકે ઓળખાય છે. ઉપરાંત ગાંધીધામના ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગ છે. એટલે ત્યાં એટલે ત્યાંના મકાનોની સંજ્ઞાની પાછળ એન કે એસ પણ લગાવવું પડે છે. જેમ કે DBZ-S, TCX, SDX-N વગેરે, બે રૂમવાળાં અન્ય મકાનો આદિપુરમાં ટીએઝેડ TAZ તથા ગાંધીધામમાં આદર્શ મહાવિદ્યાલયની સામેના વિસ્તારમાં ટીબીઝેડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આદિપુરમાં બીએસએડ તથા ગાંધીધામમાં BBZ એકમો પણ આવેલા છે. ગાંધીધામમાં BBZ એકમો રેલવે સ્ટેશનની નગરની હદની જે શરૂઆત થાય છે. ત્યાં રોડની બંને બાજુએ બીબીઝેડ એકમો છે. આ એકમમાં નીચેની બે દુકાનો ઉપર એક રહેણાંકનું સુંદર આયોજન છે. સમગ્ર એકમનું ભાડું રૂા. ૭૫/૦૦ હતું. આદિપુરના BAZ પણ આવું જ આયોજન છે. BAZ ઉપરનાં ભાગમાં બત્રીસ રહેઠાણ છે તથા નીચે ભોંયતળિયે દુકાનો છે. એટલે આ વિસ્તારને ૬૪ બજાર પણ ઓળખાય છે. જ્યાં સાંજના ભાગમાં અમદાવાદના કાંકરિયા અને મુંબઈની ચોપાટી જેવી રંગત જામે છે અને નાસ્તાની તેમ જ આઈસક્રીમ ગોળા અને નારિયેળના પાણીના ઠેલા લાગે છે અને લોકો સાંજે ઉમટી પડે છે.
ચાર રૂમ ધરાવતા ૧૫FAZ (એફ એટલે ચાર) મકાનો તથા એક THZ મકાન ગાંધીધામમાં છે. ઝેડ શ્રેણી અંતર્ગત અંતિમ મકાનો એટલે ઝેડ બંગલા (Z) અને એ આદિપુરમાં આવેલા છે. ૧૦૦૦ ચો.વારના આ સ્વતંત્ર બંગલાઓમાં ત્રણ મોટા ઓરડા, વિશાળ આંગણું તથા સ્ટોરરૂમની સુવિધા છે. મૂળ કિંમત રૂા. ૧૬ હજાર તથા ભાડું રૂા. ૮૦ હતું. આ ઉપરાંત આદિપુરમાં ત્રણ પ્રકારના SDB રહેણાંક પણ છે. એસડીબી એટલે સેમી ડિટેરચ્ડ બંગલો, બે રૂમ, ઓસરી, આંગણું, સ્ટોર, રસોડું અને સંડાસની સગવડવાળા લગભગ ૪૫૦ ચો.વારના બબ્બે મકાનોના આવા કુલ ૮૦ એકમો છે. બે મકાનો વચ્ચેની સહિયારી દીવાલ દૂર કરવામાં આવે તો પ્રત્યેક એકમ એક મોટા સ્વતંત્ર બંગલામાં ફેરવાઈ જાય અને કેટલીક જગ્યાએ એવું છેય ખરું? આમ જાણે મોટા બંગલામાં બે ભાગ પાડ્યા હોય તેમ સેમી ડીએચ અર્થ થાય છે. નગરના નિર્માણ દરમિયાન જર્મન એન્જિનિયરો તથા ટેક્નિશિયનો અહીં વસતા એટલે એને જર્મન કોલોની પણ કહેવામાં આવતી.
ગાંધીધામ શહેરના તો સ્પષ્ટપણે બે ભાગ છે અને બને એકબીજાના વસ્તુ પ્રતિબિંબની જેમ રચવામાં આવેલ છે. BBZની નીચેની ઉત્તર ભાગમાંની દુકાનોને C તથા દક્ષિણ ભાગમાંની દુકાનોનેC દુકાનો તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પ્લાનમાં ૧૪૨ દુકાનો છે. C અને D દુકાનો અર્થાત્ બીબીઝેડ/એન અને બીબીઝેડ/એસ મકાનોની વચ્ચેની ખુલ્લી જમીન પર આમ તો વિશાળ પાર્ક ઊભું કરવાની યોજના હતી, પરંતુ ત્યાં પાછળથી લોકોને રોજગાર મળે તે હેતુસર ૨૬૪ કાચી કેબિનો ઊભી કરવામાં આવી છે. હવે સમયાંતરે પાકી બે માળની દુકાનોમાં તબદીલ થઈ ગઈ છે. એમની સંજ્ઞાઓN અને જ અને હવે દુકાનો વચ્ચે પાછી એક વચલી બઝારેય જન્મ લઈ લીધો છે. આદિપુરમાં BAZ ઉપરાંત વેપારી વિસ્તારમાંSHAZ નામે કુલ ૧૨૧ દુકાનો SHએટલે શોપ અર્થાત્ દુકાન જેમનું મૂળ ભાડું રૂા. ૧૫થી માંડીને રૂા. ૪૦ નક્કી કરવામાં આવ્યું હતું.
જ.છ.ઈ.ની સ્થાપનાથી માંડીને ૧૯૫૮ સુધી જ્યાં સુધી ભાઈ પ્રતાપરાય એમ.ડી. પદ પર રહ્યા હતા. તેમણે ગાંધીધામનો હાર્દ વિસ્તાર સરદાર ગંજ તથા આદિપુરના મુખ્ય વિસ્તારની દુકાનોનું નિર્માણ કરાવી નિરાશ્રિતોને યથાશક્તિ ભાડા પર અને ભાડા ખરીદ યોજના અંત:ર્ગત આપી દીધાં. લોકોને પગભર કરવા સસ્તા દરે લોન આપવા માટે ગાંધીધામ કો-ઓપરેટિવ બૅંકની સ્થાપના પણ કરી હતી.
અત્યારે આ મકાનો અને દુકાનોની કિંમત લાખો અને કરોડોમાં અંકાય છે. નગરનો વિકાસ કૂદકે ને ભૂસકે વધ્યો છે. આમ આ નામાભિધાનની રીત દુનિયામાં ક્યાંકેય જોવા મળશે. મૂળ ગાંધીધામ-આદિપુર ઉપરાંત અન્ય સેક્ટરો અને હાઉસિંગ કોલોનીઓ જન્મી ચૂકી છે. હવે મકાનોના નામ અને નંબર કોલોની નામ સાથે, વોર્ડના નામ તથા સેકટરના નામ જોડાય છે. વચ્ચે એસઆરસીએ નિમ્ન આવકવાળાઓ માટે જનતા કોલોનીઓ બનાવી હતી અને તેમના નામ જૂની રીત પ્રમાણે રાખ્યા હતા જેમ કે જૠડ, જઇંડ, જઈંડ, ઝછડ વગેરે.
ગાંધીધામના નિર્માણમાં તે સમયના કેન્દ્રીય ગૃહપ્રધાન ગોપાલસ્વામી આયંગરે પણ ખૂબ રસ દાખવ્યો હતો. તેમના માનમાં તેમની સ્મૃતિ રહે તે માટે ગાંધીધામના એક વિસ્તાર જે કંડલા પોર્ટના કર્મચારીઓની વસાહત છે તેને ગોપાલપુરી નામ આપવામાં આવ્યું છે.
ગાંધીધામ સંકુલમાં રોડની બંને બાજુએ વૃક્ષો વાવીને હરિયાળી ફેલાવનાર સુંદરદાસ ચંદનાણીની યાદગીરીમાં આ વિસ્તારને સુંદરપુરી પણ કહેવામાં આવે છે. ત્યાં મોટે ભાગે આર્થિક રીતે પછાત શ્રમજીવી વર્ગ વસે છે. આમ ગાંધીધામ તે ખરેખર વ્યાપાર, વાણિજય અને ઔદ્યોેગિક નગર છે અને આર્થિક પાટનગર છે. આદિપુર એ ઉચ્ચ શિક્ષણની સુવિધા ધરાવતું નગર છે અને રહેણાંક વિસ્તાર મુખ્યત્વે છે. ગાંધીધામ- આદિપુર નગરો સાચા અર્થમાં લધુભારત બની ચૂક્યા છે. કોઈ પણ રાજ્યનાં અહીં લાખોની કે હજારોની સંખ્યામાં લોકો આવીને કાયમી વસવાટ કરી પોતાની કર્મભૂમિ બનાવીને વસવાટ કરે છે.
સંપૂર્ણ
પૂરક માહિતી શ્રી પ્રો. રમેશ લોહાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular