જાપાની યુવાનોમાં શરાબ પીવાની આદત ઘટતાં સરકારની કરવેરાની આવક ઘટી

વીક એન્ડ

ફોકસ -નિધિ ભટ્ટ

જાપાનમાં શરાબ પીવાની આદત ત્યાંના યુવાનોમાં ઓછી થઈ રહી છે અને સરકાર ઈચ્છે છે કે તેઓ તેમની આદત બદલી વધારે શરાબ પીએ. મોટાની સરખામણીમાં યુવાનોમાં શરાબ પીવાની આદત ઘટતી હોવાને કારણે સરકારની કરવેરાની આવક ઘટી ગઈ છે. જાપાનનો પરંપરાગત વાઈન સાકે જે ચોખામાંથી બને છે તેના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. હવે જાપાનની રાષ્ટ્રીય ટેક્સ એજન્સીએ ઘટતા કરવેરાને રોકવા માટે એક રાષ્ટ્રવ્યાપી પ્રતિસ્પર્ધાનું આયોજન કર્યું છે. સાકે વીવા નામના આ અભિયાનનો ઉદ્દેશ યુવાનોમાં સાકેના સેવનને આકર્ષક બનાવવાનો છે, જેથી ઈન્ડસ્ટ્રીને આનો લાભ મળી શકે. ટેક્સ એજન્સી એક સ્પર્ધા ચલાવે છે, જેમાં ૨૦થી ૩૯ વર્ષના લોકો ભાગ લઈ શકે છે. તેમણે આ વયમર્યાદામાં જાપાની સાકે, શોચૂ, વ્હિસ્કી, બિયર અને વાઈનને મશહૂર બનાવવા માટેના બિઝનેસ આઈડિયા આપવાનું કામ કરવાનું છે.
પ્રતસ્પર્ધા ચલાવનારી એજન્સીનું કહેવાનું છે કે કોરોના દરમિયાન લોકોમાં શરાબ પીવાની આદત ઓછી થઈ છે. આ ઉપરાંત જાપાનની વૃદ્ધ થઈ રહેલી વસતિને લીધે પણ શરાબનું વેચાણ ઘટ્યું છે. એજન્સી ઈચ્છે છે કે લોકો શરાબની લોકપ્રિયતા વધારવા માટે પ્રમોશનલ કેમ્પેઈન, બ્રાન્ડિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા નવા આઈડિયાની રજૂઆત કરે. જાપાની મીડિયા અનુસાર સરકારના આ અભિયાન મામલે લોકોની પ્રતિક્રિયા મિશ્ર છે. અમુક લોકો એમ જણાવે છે કે સ્વાસ્થ્ય માટે ખરાબ આદતનું પ્રમોશન થઈ રહ્યું છે. અમુક લોકો સોશિયલ મીડિયામાં પોતાના આઈડિયા શેર કરી રહ્યા છે. એક અભિનેત્રીએ પોતે એક વર્ચ્યુઅલ ક્લબમાં હોસ્ટ હોય તેવો વીડિયો શેર કર્યો હતો.
આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ પોતાના આઈડિયા સપ્ટેમ્બર મહિના સુધીમાં મોકલવાના છે. ત્યાર બાદ એજન્સી તમામ આઈડિયાને બિઝનેસ નિષ્ણાતોની મદદથી સારા બનાવશે. નવેમ્બરમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ આખા અભિયાન માટે એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટ અનુસાર જાપાનમાં શરાબની માર્કેટ તૂટી રહી છે અને આ માટે દેશનો ઘટતો જન્મદર અને વૃદ્ધ થઈ રહેલા લોકો જવાબદાર છે.
જાપાનમાં તાજા આંકડાઓ અનુસાર બહાર આવ્યું છે કે વર્ષ ૧૯૯૫ની તુલનામાં ૨૦૨૦માં ખૂબ જ ઓછી શરાબ પીવામાં આવી છે. ૧૯૯૫માં એક વ્યક્તિ સરેરાશ સો લિટર શરાબ પીતી હતી, જે ઘટીને હવે ૭૫ લિટર થઈ ગઈ છે. આની અસર સરકારની શરાબથી થતી આવક પર
પડી છે.
‘જાપાન ટાઈમ્સ’ નામના અખબાર અનુસાર ૧૯૮૦માં દેશની અમુક મહેસૂલી આવકનો પાંચ ટકા ભાગ શરાબથી આવતો હતો, પરંતુ ૨૦૨૦માં તે ઘટીને ૧.૭ ટકા રહી ગયો છે. વર્લ્ડ બેંક અનુસાર જાપાનની ૨૯ ટકા વસતિ ૬૫ વર્ષથી વધારે ઉંમરની છે. જોકે જાપાનની સમસ્યા માત્ર સંકોચાતી મહેસૂલ નથી, આનાથી વધારે ઘણી ગંભીર સમસ્યા જાપાનમાં છે.
જાપાનની સૌથી મોટી સમસ્યા ઝડપથી વધતી વૃદ્ધ વસતિ છે. જાપાની કંપનીઓને નોકરીઓ માટે યુવાનો નથી મળી રહ્યા. સ્ટાફની અછતને કારણે ઘણાં રેસ્ટોરાં અને પ્રોવિઝન સ્ટોર સમય પહેલાં બંધ કરી દેવાં પડે છે. વળી, વૃદ્ધ લોકો મોડી રાત સુધી શોપિંગ નથી કરતા, આથી દુકાનો-મોલ્સ ખુલ્લાં રાખીને પણ ફાયદો થતો નથી.
તો શું વૃદ્ધ થયેલી વસતિ આવનાર સમય માટે જાપાનની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર બનશે? જાપાનમાં હવે ઘણા બિઝનેસ વૃદ્ધ પ્રજાને લક્ષ્યમાં રાખી રહ્યા છે. આને જાપાનમાં સિલ્વર ઈન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. આમાં નર્સિગ કેર હોમ્સ અને ઓલ્ડ હોમ્સ જેવા બિઝનેસ છે. જાપાનની અર્થવ્યવસ્થા હાલમાં યુવા માનવસંસાધનની સમસ્યાથી ઝઝૂમી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.