દેવ સેનાપતિ તરીકે મારી જવાબદારી છે કે અસુરોનો વિનાશ કરી દેવગણોની સુરક્ષા કરવી

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: ભગવાન શિવની સમજાવટ બાદ કુમાર કાર્તિકેયના મનમાં ઉદ્ભવેલા પ્રશ્ર્નોનું નિરાકરણ થઈ જાય છે તેઓ પ્રફુલ્લિત થઈ માતા પાર્વતી પાસે પધારે છે. માતાના આશીર્વાદ લઈ કુમાર કાર્તિકેય શિવગણો સાથે આનંદ વિહાર કરતાં કરતાં કુમાર કાર્તિકેય એક ગુફામાં પહોંચી જાય છે.
વિકરાળ ગુફામાં તેમને એક ધનુષ્ય નજરે પડે છે. ધનુષ્ય જોઈ કુમાર કાર્તિકેય વિસ્મય પામે છે કે ધનુષ્ય છે તો બાણ પણ અહીં જ હોવા જોઈએ. શોધખોળ બાદ ન મળતાં કુમાર કાર્તિકેય ધનુષ્યને ઉંચકે છે. ધનુષ્યમાં થયેલા સંચારથી ભગવાન શિવ ત્યાં પધારે છે.
ભગવાન શિવને જોઈ કુમાર કાર્તિકેય કહે છે: ‘પિતાજી જુઓ આ કોઈનું ધનુષ્ય છે, પણ અહીં બાણ નજરે પડતાં નથી.’ ભગવાન શિવ કહે છે કે, ‘કુમાર આ ધનુષ્ય મારું જ છે અને ત્રેતા યુગમાં જયારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પૃથ્વી પર ભગવાન શ્રીરામ તરીકે જન્મ લેશે ત્યારે આ ધનુષ્ય મહત્ત્વની ભૂમિકા ભજવશે, એને તેની જગ્યાએ મૂકી દો.’ બીજી બાજુ સ્વર્ગલોક ખાતે દેવગણો ઉત્સવ મનાવે છે.
તે દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં પહોંચે છે અને દેવરાજને આપ ખૂબ પ્રસન્ન છો એવું પૂછતાં દેવરાજ ઈન્દ્ર કહે છે કે, ‘પ્રસન્ન થવાનું કારણ તો છે જ દેવર્ષિ, કેમ કે સ્વયં ભગવાન શિવે જ મને રાજા ઘોષિત કર્યો, મહાદેવ સ્વયં પોતે બોલ્યા કે કુમાર કાર્તિકેય ફક્ત યોદ્ધા છે, તેમનામાં રાજા બનવાની યોગ્યતા નથી, અરે આ તો મહાદેવની મહાનતા છે કે તેમણે પુત્રને નહીં મને રાજા ઘોષિત કર્યો.’ આટલું સંભળતાં જ દેવગુરુ બૃહસ્પિતિ દેવરાજ ઈન્દ્રને ચેતવણી આપતાં કહે છે કે, ‘દેવરાજ, આપણને સ્વર્ગલોક પાછું મળી ગયું છે એનો અર્થ એ નથી કે આપણે નિર્ભય થઈ આનંદમાં રાચીએ.
તારકાસુરના પિતા વજરાંક ખૂબ વ્યથિત છે અને અસુરો થોડા જ સમયમાં ફરી સ્વર્ગ પર આક્રમણ કરી શકે છે, આપણે આપણી શક્તિઓ વધારવી જોઈએ અને લોકક્લ્યાણના કામોમાં જોડાઈ જવું જોઈએ.’ એજ સમયે કુમાર કાર્તિકેયને પધારેલા જોઈ દેવરાજ ઈન્દ્ર પોતાના ગુણગાન ગાવાની શરૂઆત કરતાં નંદી ક્રોધિત થઈને કહે છે કે ‘સાવધાન દેવરાજ, વધુ બોલતા પહેલાં એ ધ્યાનમાં રાખો કે તમારો વિજય ફક્ત કુમાર કાર્તિકેયને લીધે થયો છે, જ્યાં સુધી તારકાસુર જીવંત હતો ત્યાં સુધી તમારો વિજય અશક્ય હતો.’ તો સામે જવાબ આપતા દેવરાજ ઈન્દ્ર કહે છે કે, ‘ભગવાન શિવ કુમાર કાર્તિકેયને જો પોતાની હથેળીમાં ન ઉંચકત તો કુમાર કાર્તિકેય તારકાસુરનો વધ કઈ રીતે કરી શકત? સેનાપતિ કાર્તિકેય દ્વારા પોતાના સાહસનું એક ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે, પણ જો ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાની સંપૂર્ણ શક્તિઓ કોઈપણ દેવતાને આપે તો એ દેવતા પણ કુમાર કાર્તિકેય જેવું સાહસ જરૂર દાખવે. કુમાર કાર્તિકેય શું તમે આનો શ્રેય તમારા માતા પિતાને નહીં આપો? તેના જવાબમાં કુમાર કાર્તિકેય કહે છે કે, ‘માતા-પિતાના આશીર્વાદ વગર કંઈપણ શક્ય નથી, તમે સાચું કહો છો દેવરાજ ઈન્દ્ર, મેં કાંઈ જ નથી કર્યું, જયજયકાર તો મારા માતાપિતાનો જ થવો જોઈએ, હું અજ્ઞાની હતો કે માતાપિતાની શક્તિ અને સામર્થ્યને પોતાના સમજી બેઠો.’
* * *
નારાજ અને ક્રોધિત થયેલા કુમાર કાર્તિકેય અને નંદી ત્યાંથી વિદાય લે છે. બંનેને જતાં જોઈ દેવર્ષિ નારદ કહે છે:
દેવર્ષિ નારદ: ‘એક બાળક પર આટલી ઈર્ષ્યા શું કામ?’
દેવરાજ ઇન્દ્ર: ‘જો મારું સત્ય કથન તમને ઈર્ષ્યા લાગી રહી હોઈ તો મારો કોઈ દોષ નથી.’
દેવર્ષિ નારદ: ‘સત્ય સાંભળવા માગતા હો તો કંઈ કહું દેવરાજ.’
દેવરાજ ઇન્દ્ર: ‘કહો દેવર્ષિ.’
દેવર્ષિ નારદ: ‘આદિશક્તિનો ભાલો અને મહાદેવની હથેળી જો તમને મળી હોત તો શું તમે તારકાસુરનો વધ કરી શક્યા હોત? નહીં… એ માટે સાહસ અને શક્તિની જરૂરત હોય છે જે તમારામાં નથી. જે વ્યક્તિ એક બાળકની ઉપલબ્ધિ સહન ન કરી શકતો હોય, એ તારકાસૂરનો વધ કઈ રીતે કરી શકે?’
નિ:શબ્દ થઈ ગયેલા દેવરાજ ઇન્દ્રને જોઈ દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
* * *
બીજી તરફ ક્રોધિત કુમાર કાર્તિકેય અને નંદી સ્વર્ગલોકથી પૃથ્વીલોક પહોંચે છે. કુમાર કાર્તિકેય વિચારે છે કે પિતાજીએ જ દેવરાજ ઇન્દ્રને સ્વર્ગનું સિંહાસન આપ્યું હોય તો મારામાં કંઈક ખામી હોવી જ જોઈએ. વ્યથિત મન સાથે તેઓ જંગલોમાં વિહાર કરતા હોય છે.
નંદી: ‘કુમાર સાંજ પડવા આવી છે, કૈલાસ ચાલો.’
કુમાર કાર્તિકેય: ‘નહીં’
નંદી: ‘કોઈ કંઈપણ કહે, સત્ય તો સત્ય જ રહે છે. મારા સ્વામિએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ મહાન કાર્ય કરી ઉન્નતિથી અગ્રેસર થઈ રહ્યું હોય તો તેનાથી ઓછા શક્તિશાળી લોકો કોશિશકરતાં હોય છે કે તેનો આત્મવિશ્ર્વાસ તૂટી જાય. એ લોકો ભ્રમિત કરવાની કોશિશ કરે છે કે એમનાથી શક્તિશાળી કોઈ નથી. તેઓ સ્વીકારી શકતા નથી કે તેમનાથી પણ કોઈ વધુ શક્તિશાળી છે. કુમાર તમારા પ્રત્યેકની ઈર્ષ્યા જ તમારી સફળતાની નિશાની છે. તમને કોઈપણ દેવતાના પ્રમાણપત્રની જરૂરત નથી, તમારી વાસ્તવિકતાથી દરેક પૃથ્વીવાસી પરિચિત છે.’
કુમાર કાર્તિકેય: ‘નહીં નદી, વધુ નહીં, હું મારા નક્ષત્રલોકમાં ખુશ હતો, એક દિવસ તમારો પ્રવેશ થયો અને મને ખબર પડી કે મારા ખરા માતા-પિતા કોણ છે. મારો જન્મ કયા હેતુથી થયો છે એ જાણી શસ્ત્રો ઉઠાવ્યાં, મારું બાળપણ અધૂરું રહી ગયું. મારો જન્મ તારકાસુરના વધ માટે થયો હતો, તે કાર્ય પૂર્ણ થતાં જ મને જ્ઞાત થયું કે મેં કાંઈ જ નથી કર્યું. હવે હું નક્ષત્રલોક જવા માંગું છું.’
નંદી: ‘નહીં, કુમાર તમને કૈલાસ પાછા લઈ જવાની મારી જવાબદારી છે, હું તમને નક્ષત્રલોક જવા નહીં દઉ, પહેલા કૈલાસ ચાલો.’
એટલું કહી નંદી ક્રોધિત કુમાર કાર્તિકેય નાકામ કોશિશ કરે છે પણ કુમાર કાર્તિકેય નક્ષત્રલોક પહોંચે છે. તેમની પાછળ નંદી પણ ત્યાં પહોંચે છે.
નક્ષત્રમાતા: ‘દેવ સેનાપિત કાર્તિકેય કૃતિકા લોકમાં આપનું સ્વાગત છે.’
પોતાનું લાલનપાલન કરી ઉછેરનાર માતાઓના મોઢે દેવસેનાપતિ તરીકેનું સંબોધન સાંભળતાં જ કાર્તિકેય આઘાત અનુભવે છે અને વિચારે છે કે શું આ જ મારી માતાઓ છે જેની મમતાથી હું યુવાન થયો.
કુમાર કાર્તિકેય: ‘હું વિચારતો હતો કે સમસ્ત બ્રહ્માંડમાં આ એક જ સ્થાન છે જ્યાં મારા વાસ્તવિક રૂપની અનુભતી પ્રાપ્ત થશે. હું ફરી મારું બાળપણ શોધવા અહીં આવ્યો હતો, પણ એવું દેખાઈ રહ્યું છે કે અહીં પણ મારી સ્મૃતિઓને સેનાપતિ કાર્તિકેયના રૂપમાં રૂપાંતરિત થઈ ગઈ છે.’
નક્ષત્રલોકમાં પણ પોતાને સેનાપતિ તરીકેના સંબોધનથી ક્રોધિત કુમાર કાર્તિકેય ત્યાંથી વિદાય લે છે.
* * *
સામે હારેલા પક્ષે તારકાસુરના પિતા વજરાંક તારકાસુરના ચોથા પુત્ર તારને ઉશ્કેરે છે કે:
વજરાંક: ‘આ શું જીવન છે? અસુરો હાર સહન નથી કરતાં. જાઓ કુમાર કાર્તિકેયનો વધ કરો.’
દેવગુરુ શુક્રાચાર્ય: ‘થોભો તાર, આ તમારું ખોટું પગલું તમારો વિનાશ કરી દેશે.’
તાર: ‘નહીં અસુર ગુરુ હવે અટકાવશો નહીં, મારા પિતાનો વધ કરનાર વધુ જીવિત નહીં રહી શકે.’
અસુર તાર તુરંત કુમાર કાર્તિકેય સમક્ષ ઉપસ્થિત થાય છે અને લલકારે છે:
તાર: ‘સેનાપતિ કાર્તિકેય તમારો કાળ અહીં ઉપસ્થિત છે, અહીં તમારા પિતાની હથેળી નહીં મળે.’
કુમાર કાર્તિકેય: ‘અસુર તાર તારો વધ કરવા મને કોઈની સહાયતાની જરૂર નથી.’
બંને વચ્ચે ભિષણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં અસુર તારનો સંહાર થાય છે.’
કુમાર કાર્તિકેય એટલા ક્રોધિત હોય છે કે તારના વધ બાદ પણ તેમના પર પ્રહાર કરતા રહે છે, એ જોઈ માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં પહોંચી તેમને રોકે છે.
માતા પાર્વતી: ‘કુમાર કાર્તિકેય થોભો……..’
માતા પાર્વતીની બુમ સાંભળતાં જ કુમાર કાર્તિકેય ભાનમાં આવે છે.
ભગવાન શિવ: ‘કુમાર કાર્તિકેય, શું કરી રહ્યાં છો તેનો આભાસ પણ છે તમને.’
કુમાર કાર્તિકેય: ‘હા પિતાજી, હું મારી દેવ સેનાપતિ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છું, અને મને જ્ઞાત છે કે દેવ સેનાપતિ તરીકે મારી જવાબદારી છે કે અસુરોનો વિનાશ કરી દેવગણોની સુરક્ષા કરવી.’
ભગવાન શિવ: ‘તમને જવાબદારી અસુરોનો વિનાશ કરવાની આપવામાં આવી હતી, ક્રૂર બનવાની નહીં.’
કુમાર કાર્તિકેય: ‘મેં દેવતાઓની સુરક્ષા માટે અસુરનો વધ કર્યો તો હું યોદ્ધા કહેવાયો, પણ મારી પોતાની સુરક્ષા માટે અસુરનો વધ કર્યો તો હું ક્રૂર બની ગયો…’ (ક્રમશ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.