Homeપુરુષટાલિયાપણાનો કલાત્મક ઇતિહાસ

ટાલિયાપણાનો કલાત્મક ઇતિહાસ

કેશવિહીન પુરુષોની પરંપરા!

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

ટાલ પુરુષોની મોટી દુશ્મન છે. છોકરાઓને ફ્રેન્ડઝોન થઈ જવા કરતાં ટાલ પડવાનો મોટો ભય હોય છે. ખરતાં વાળ એ રાષ્ટ્રીય સમસ્યા છે. જથ્થાદાર ઝુલ્ફોના છોકરાઓને સપના આવે છે. સિક્સ પેક એબ આસાન છે, માથા ઉપર વાળનો જથ્થો મેળવવો અઘરો છે. ટાલ ધરાવતા છોકરાઓના બાયોડેટા સામાન્ય છે. સામાન્ય સ્ત્રી સ્વીકારતી થઈ ગઈ છે કે એની જિંદગીમાં રહેલા પુરુષને વહેલા મોડી ફાંદ આવે કે ન આવે પણ ટાલ અચૂક આવશે. માથા ઉપર પૂરતા વાળ હોવા એ લક્ઝરી ગણાય છે. હિમેશભાઈ રેશમિયાજી થોડા વર્ષો માટે અંતર્ધ્યાન થયાં પછી એ ટીવીમાં ટોપી વિના દેખાય છે. પુરુષ માટે વાળ એ પુરુષની મૂડી છે જે ધોવાતી રહે છે.
ટાલ હવે ટેબુ ગણાવા લાગી. ટાલની શરમ આજની નવી જનરેશનને વધુ આવે છે. એના માટે જુદી જુદી કંપનીઓ અને માર્કેટિંગ મીડિયા વધુ જવાબદાર છે એવું કહી શકાય. એક સાથે બે બે હિન્દી ફિલ્મો આવી હતી જે ટાલિયા જુવાનની ટાલ ઉપર બની હતી. એક ફિલ્મમાં આયુષ્માન ખુરાના હતો, પણ ટાલને વર્ષો પહેલાં ઊતરતી નજરે જોવામાં આવતી નહીં. ઈન ફેકટ, મેચ્યોર, પીઢ, અનુભવી પુરુષને ટાલ હોય એવું પણ માનવામાં આવતું. ઇજિપ્તની માનવ સંસ્કૃતિ સૌથી જૂની છે એવું માનવામાં આવે છે. ઇજિપ્તના પિરામિડોની અંદરની દીવાલો ઉપર દોરેલાં ચિત્રો ખૂબ પ્રખ્યાત છે. લીડ્સ બેકેટ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્લેન યાંકોવસ્કીએ લખ્યા મુજબ ઇજિપ્તમાં આવેલી પ્રાચીન કબરોની દીવાલ ઉપર દોરેલાં ચિત્રોમાં ૧૨૨ ટાલિયા પુરુષો છે. આ ચિત્રો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં સવા પાંચસો વર્ષ પહેલાં દોરાઈ ગયેલાં. જો કે એમાંથી મોટા ભાગના ચિત્રિત પુરુષો ઉંમરલાયક હતા. જુદા જુદા વ્યવસાયના પુરુષોનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. અમુક માછીમારી કરતા, અમુક શિલ્પીઓ હતા, અમુક લહિયાઓ હતા, પણ બધામાં સામાન્ય તત્ત્વ એ કે એ બધા ટાલિયા હતા. એનો અર્થ એ કે પ્રાચીન ઈજિપ્શિયન કળામાં ટાલિયા પુરુષોને ઊતરતા ગણવામાં આવતા નહીં. ટાલ ત્યારે છુપાવવાની વાત હતી નહીં, પણ જો ટાલ પડે તો જુદી જુદી હેર સ્ટાઈલ અપનાવવામાં આવતી. ટાલ માટે ઇજિપ્તની ચિત્રલિપીમાં જુદા શબ્દો પણ હતા.
ઇજિપ્તથી ઉપર તરફ જઈએ. યુરોપિયન કળામાં પણ ટાલિયા પુરુષો ચિત્રિત થયા છે. ખૂબ મહાન ચિત્રકાર વાન ગોગનું એક ચિત્ર છે જેમાં તેમણે ઝાયડરલેન્ડ નામના એક પુરુષનું ચિત્ર દોર્યું છે. એ ચિત્રમાં ઝાયડરલેન્ડ ખુરશીમાં બેઠો છે અને પોતાનું મોઢું હથેળીમાં છુપાવી દીધું છે માટે તેની ટાલ દેખાય છે. પોતાના પત્રોમાં એ ચિત્ર વિશે વાન ગોગે ટિપ્પણી કરી છે કે ” એક આધેડ વયનો પુરુષ કામ કરીને થાક્યા પછી બોમ્બેઝાઈન સ્યુટમાં ટાલિયા માથા સાથે બેઠો હોય તે કેવું સરસ દૃશ્ય છે! ટાલ અહીં ખૂબસૂરતીનો ભાગ છે.
વાન ગોગનું ચિત્ર ફક્ત અપવાદ છે એવું નથી. ગોલ્ડન એજના સમયગાળામાં એટલે કે સતરમી-અઢારમી સદીમાં થઈ ગયેલા ચિત્રકાર ફ્રાન્સ વેન મેરિસે એક ચિત્ર દોર્યું છે જેનું નામ છે ‘યંગર્સ મેન વીથ અ ટેન્કર્ડ’. (ટેન્કર્ડ એટલે બીઅરનો મગ.) જેમાં એક ટાલિયો માણસ પબમાં છે અને એનું ખાણું માણી રહ્યો છે. ઇટાલિયન ચિત્રકાર પાઓલો વેરોનીસે સોળમી સદીમાં દોરેલા ચિત્રમાં જે ગોડ છે એમને પણ ટાલ છે!
ફક્ત ચિત્રકારોમાં જ નહીં પણ ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોમાં રેમ્બ્રાં જાણીતા ચિત્રકાર છે. રેમ્બ્રાંનું એક જાણીતું ચિત્ર છે એનેટોમી લેસન ઓફ ડૉક્ટર નિકોલસ ટુલ્પ. એમાં ડૉકટરો નિર્જિવ માનવ શરીરની વાઢકાપ કરીને તેની પાસે ઊભા રહીને અભ્યાસ કરી રહ્યા છે. એમાં ઘણા બધા પુરુષોને ટાલ છે અથવા તો ટાલની શરૂઆત થઈ ગઈ છે એવું સ્પષ્ટ દેખાય છે. ઈમ્પ્રેસનીઝમના ચિત્રકાર એમ્બ્રોઇ વોલાર્દે તેના એક ચિત્રમાં એક ટાલિયા આર્ટ કલેકટરને બતાવ્યા છે. આવાં ઘણાં ઉદાહરણો લઈ શકાય જેમાં ભૂતકાળમાં ટાલિયાપણાને બહુ સહજતાથી લેવામાં આવતું એ જોઈ શકાય.
બુદ્ધ ભગવાનના અમુક સ્વરૂપમાં તેમને કેશવિહીન પણ બતાવવામાં આવે છે. ઘણાં ભગવાનોની પ્રતિમા કે ચિત્રોમાં તેમને માથામાં વાળ નથી. જૈન ધર્મમાં દીક્ષા લેવાની થાય તો હાથેથી લોચન એટલે કે મુંડન કરવાનું આવે છે જેમાં હાથેથી વાળ ખેંચવામાં આવે. ખ્રિસ્તી સંતો જેરોમ અને ઓગસ્ટીનને પણ ટાલ હતી. જાપાનીઝ દેવો ફૂકુરોકુજુ અને હોટેઇ પણ ટાલ ધરાવે છે.
ટાલ એક બીમારી છે એવું જનતાના મનમાં વીસમી સદીમાંથી ધંધાદારીઓ અને મીડિયાએ નાખવા માંડ્યું. ટાલને કોઈ ઈલાજની જરૂર છે એવો વિચાર પહેલા પ્રવર્તતો ન હતો. હવે આવા ઈલાજ બહુ મોંઘા છે. મોંઘાદાટ તેલ આવે છે, મોંઘી દવાઓ આવે છે, જુદા જુદા સીરમ અને લિકવીડ આવે છે. આ તો હજુ સહેલું અને સસ્તું પડે પણ જો ટાલના ઈલાજ માટે કોઈ ક્લિનિકના પગથિયાં ચડ્યા તો બિલ લાખોમાં આવે. હેર વીવિંગ, હેર ગ્રાફ્ટિંગ, હેર ટ્રાન્સપ્લાન્ટ બધી ખૂબ મોંઘી પ્રક્રિયાઓ છે. વળી તેમાં સમય પણ અમુક મહિનાઓનો લાગે છે.
પોતાની પ્રોડક્ટ વેચાય એટલા માટે માથે વાળ વિનાના પુરુષો ખરાબ લાગે અને વાળની ઝુલ્ફો ધરાવતા પુરુષો જ આકર્ષક લાગે એવું જાહેરાતો અને મીડિયાએ લોકોના દિમાગમાં નાખી દીધું. માટે ટાલને વૃદ્ધત્વ સાથે જોડી દેવામાં આવ્યું. હકીકત તો એ છે કે માણસ પરાપૂર્વથી બહાર રખડતો, તડકામાં રહેતો, તેના જમવામાં કોઈ ઠેકાણા ન હતા. માટે તેને ટાલ વહેલા કે મોડા આવતી જ અને તેમાં કોઈ નાનપ જેવું હતું નહીં. પણ હવે મીડિયા વત્તા સોશ્યલ મીડિયાએ ટાલને ગુનો ગણાવી દીધો છે. જે માણસ ટાલનો ઈલાજ ન કરે તે ટિપિકલ મિડલ ક્લાસનો ગણાય છે!
આપણે રોડીઝના રઘુ – રાજીવ સિવાય કયા જુવાન સેલિબ્રિટી ટાલ સાથે બિન્દાસ ફરતા દેખાય છે? અનુપમ ખેર કે રાકેશ રોશન તો અમુક ઉંમર પછી ટાલિયા થયા અને તેમણે ટાલ છુપાવી નહીં. હોલિવૂડમાં વિન ડિઝલ, બ્રુસ વિલિસ કે જેસન સ્ટેથમ કે ધ રોક જેવા ગણ્યા ગાંઠ્યા હીરો જ ટાલ સાથે દેખાય છે. બાકી તો કપિલ શર્માની જેમ લોકો કૃત્રિમ વાળ ઉગાડે છે. એક અમેરિકન સર્વે મુજબ ટીવી શો કે ફિલ્મોના ૧૩૫૬ પાત્રમાંથી બાળકોને પસંદ હોય એમાંથી માત્ર ત્રણ ટકા પાત્રોને જ વાળ નથી. ટુંકમાં બાળકોના મનમાં પણ એ વિચાર પ્રવેશી ચૂક્યો છે કે ટાલ એટલે ખરાબ. મેઈન સ્ટ્રીમ મેગેઝિનોમાં પણ ટાલ ધરાવતા પુરુષોના ફોટોગ્રાફ છાપવામાં આવતા નથી.
ટુંકમાં, ટાલ કોઈ શ્રાપ નથી. ટાલ આવવાથી નીચા થઇ જવાતું નથી. આપણો ખોરાક કે પાણી બધું અશુદ્ધ હોય છે. ધારીને પણ પ્યોર ઓર્ગેનિક ખાધાખોરાકી આપણે મેળવી શકીએ એમ નથી એટલે વાળ તો ખરવાના જ. જીનેટીક્સ મોટો ભાગ ભજવશે અને તેની સામે આપણે લડી શકીએ એમ નથી. માટે સ્વીકાર ભાવના રાખવી અથવા તો લાખો રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -