સેલિબ્રિટીઓ સાથેની કૃત્રિમ ઇન્ટિમસી

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, હંગેરીમાં કરવામાં આવેલો એક રસપ્રદ સર્વે વાંચવામાં આવ્યો. તેમાં એવો નિષ્કર્ષ નીકળતો હતો કે જે લોકો સેલિબ્રિટી લોકોની ગોસિપમાં રચ્યા-પચ્યા રહે છે, તેમની બુદ્ધિશક્તિ ઓછી હોય છે. તે જ વખતે, એક મિત્રએ સવાલ કર્યો, ‘સેલિબ્રિટીની લાઈફમાં લોકોને આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હોય છે?’ મિત્રનો સવાલ, સુસ્મિતા સેન અને લલિત મોદીના રોમેન્સની જાહેરાતના પગલે સોશિયલ મીડિયામાં લોકોએ જે અતિ-ઉત્સાહ બતાવ્યો હતો, તેને લઈને હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ ચેરમેન લલિત મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેઓ પૂર્વ મિસ યુનિવર્સ સાથે ડેટિંગ કરે છે તેવી સહ-તસવીર જાહેરાત કરી હતી.
તેના પગલે સોશિયલ મીડિયા પર ‘તોફાન’ આવ્યું હતું અને અનેક લોકોએ પ્રકાર પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. એમાં જે પ્રકારના લોકોના વિચારો હતા, તે પેલા હંગેરીના સર્વેને સમર્થન આપતા હતા. હંગેરીમાં, બીએમસી સાઈકોલોજી નામના એકેડેમિક જર્નલમાં, એક અભ્યાસ પ્રગટ થયો છે. તેમાં વયસ્ક ઉંમરના ૧,૭૬૩ લોકોની બુદ્ધિશક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેની સાથે તેમનો એ પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે તેમને સેલિબ્રિટીઓમાં કેટલી દિલચસ્પી છે. બંને ટેસ્ટમાં તેમને અમુક પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા અને પઝલ આપવામાં આવી હતી.
અભ્યાસકર્તાઓએ છેલ્લે તારણ આપ્યું હતું કે જે લોકો સેલિબ્રિટીના ટેસ્ટમાં ઊંચા માર્ક્સ લાવ્યા હતા, તેમની સંજ્ઞાત્મક (કોગ્નેટિવ) ક્ષમતા નીચી હતી. અભ્યાસકર્તાઓ જોકે એ નક્કી કરી શક્યા નહોતા કે લોકોની બૌદ્ધિક ક્ષમતા ઓછી છે એટલે તેઓ સેલિબ્રિટીઓના દીવાના છે કે પછી સેલિબ્રિટી માટે તેમનામાં બહુ દિલચસ્પી છે એટલે તેમની ક્ષમતા કમજોર પડી છે.
સેલિબ્રિટી લોકોમાં સાધારણ લોકો (એટલે કે ચાહકો)ને રસ કેમ પડે છે, તેને લઈને મનોવિજ્ઞાનીઓને બહુ કુતૂહલ થાય છે. ખાસ કરીને, તે રસ જ્યારે
ઝનૂનની હદે જાય, ત્યારે તે એક ગંભીર વિષય બની જાય છે. મનોવિજ્ઞાનમાં તેને સેલિબ્રિટી વર્શિપ સિન્ડ્રોમ કહે છે. આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ (ચાહક) સેલિબ્રિટી સાથે આત્મીયતા મહેસૂસ કરે, કારણ કે સેલિબ્રિટી સાથે મીડિયામાં તેનો નિયમિત પનારો પડતો હોય, એટલે વ્યક્તિ એવું માનતી થઈ જાય છે કે ‘હું તેને જાણું છું.’ તેની ઝીણી ઝીણી એટલી બાબતોની તેને જાણ હોય કે તે અતિ-પરિચયથી વ્યક્તિને એવું લાગવા માંડે કે સેલિબ્રિટીની દરેક હરકત પર ટિપ્પણી કરવાનો તેને અધિકાર છે.
બીજું, સેલિબ્રિટીઓ ફેન્ટસીની દુનિયાના પ્રતિનિધિ છે, જે આપણને આપણી બોરિંગ જિંદગીમાંથી છૂટવામાં મદદ કરે છે. આપણે એટલી ભંગાર જિંદગી જીવતા હોઈએ છીએ કે આપણને એવું લાગે છે કે જિંદગી તો સુસ્મિતા સેન કે લલિત મોદી જેવી એક્સાઇટિંગ હોવી જોઈએ. એટલે આપણને તેનાં કપડાંથી લઈને ગર્લફ્રેન્ડ (કે બોયફ્રેન્ડ) બધામાં રસ પડે.
ત્રીજું કારણ બીજા કારણ સાથે જોડાયેલું છે. માણસોને સેલિબ્રિટીઓની લવ લાઇફમાં એમની ખુદની ફેન્ટસી નજર આવે છે. અચેતન મનમાં, સેલિબ્રિટીઓના પ્રેમને આપણે ‘મોડેલ’ ગણીએ છીએ અને તેની નકલ કરવા ઈચ્છીએ છીએ. જ્યારે સેલિબ્રિટીઓએ ભૂલ કરી હોય (જેવું લોકોને સુસ્મિતાના કિસ્સામાં લાગ્યું) તો લોકોમાં નારાજગી પેદા થાય છે. આનું કારણ છે. સેલિબ્રિટીઓ અથવા મનોરંજન આપણા ‘નાના મગજ’ને પ્રભાવિત કરે છે. વિજ્ઞાન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી જેવા વિષયો સમજવા અઘરા હોય છે, એટલે ‘નાનું મગજ’ એ દિશામાં જવા તૈયાર થતું નથી, પરંતુ સેલિબ્રિટીના હૂક-અપ કે બ્રેક-અપના સમાચાર આવે તો તે સક્રિય થઈ જાય છે.
દાખલા તરીકે, તમે ‘નાના મગજ’વાળાને પૂછો કે સુસ્મિતાનાં કેટલાં બ્રેક-અપ થયાં છે તો તે નામ-તારીખ સાથે ગણાવશે, પણ એવું પૂછો કે સુસ્મિતાનાં ફેવરિટ પુસ્તકો કયાં છે, તો મોઢું વકાસીને જોઈ રહેશે. એમાં પાછા, સુસ્મિતાએ લલિત મોદીને પંસદ કર્યા, એમાં ઘણા લોકોને ખુદની ‘જવાની’નું અપમાન લાગ્યું. જે લોકોને એમ લાગતું હોય કે સુસ્મિતાએ પૈસા માટે મોદીને પસંદ કર્યા છે, તેમના માટે મોકાણના સમાચાર એ છે કે સેનની નેટવર્થ ૭૪ કરોડની છે (તેની માસિક આવક ૬૦ લાખની છે)!
સેલિબ્રિટીઓનું આપણા જીવનમાં એક વિશેષ સ્થાન હોય છે. ખાસ કરીને, આપણે જ્યારે મોટા થતા હોઈએ છીએ ત્યારે આપણે એકથી વધુ લોકોને આપણા ‘આદર્શ’ માનતા હોઈએ છીએ. એમાં સેલિબ્રિટી લોકો તેમની ચકચકિત, સુખ અને સંપત્તિથી ભરપૂર ગ્લેમરસ જિંદગીનું ‘મોડેલ’ લઈને આપણી સામે નિયમિત આવતા રહે છે.
એ એટલી આસાનીથી અને વારંવાર આપણા દિલો-દિમાગને સ્પર્શતા રહે છે કે આપણે તેમના જીવનનું અનુકરણ કરવા લાગીએ છીએ. જેમ આપણે વાર્તાનાં અમુક પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવીએ છીએ, તેવી રીતે આપણે સેલિબ્રિટી લોકોને આપણા વિચારો અને આપણી ભાવનાઓનું કેન્દ્ર બનાવીએ છીએ. સામાન્ય જિંદગીમાં પણ આસપાસની કોઈ વ્યક્તિ પ્રત્યે આ રીતે જ આકર્ષણ કેળવાય છે.
તેમાં હવે, મનોરંજનનાં અને મીડિયાનાં સાધનોમાં જેમ જેમ પ્રગતિ થઈ તેમ તેમ સેલિબ્રિટીઓ આપણી ઓર નજીક આવતા ગયા છે અને તેમની દરેક ઝીણામાં ઝીણી વાતો અને બાબતો આપણા પ્રેમભાવને પ્રભાવિત કરે છે. એટલે કોઈ સેલિબ્રિટી તેના ગમતા ડ્રિંકની, ગમતી જગ્યાની, ગમતા ફૂડની કે ગમતા માણસની વાત કરે કે તેના ફોટા મૂકે, ત્યારે આપણે સહજ રીતે એવું માની લઈએ છીએ કે આ લોકો પણ મારા રૂટિન જીવનનો હિસ્સો છે. વાસ્તવમાં આપણા અને તેમના વચ્ચે કોઈ જ સામ્ય નથી, કારણ કે તેઓ તેમની એક જ ‘રિયાલિટી’ને પેશ કરે છે, જ્યારે તેમની બીજી એવી ઘણી ‘રિયાલિટીઓ’ હોય છે, જેની ન તો આપણને ખબર છે કે ન તો તેને આપણી સમક્ષ આવવા દેવામાં આવે છે.
આ કારણથી જ, આપણે સેલિબ્રિટી લોકોને આદર્શ અને ત્રુટીરહિત માની લઈએ છીએ અને બીજી તરફ સેલિબ્રિટી લોકો તેમના અવગુણને સકારાત્મક બનાવીને ગ્લોરિફાય કરે છે. મીડિયા સેલિબ્રિટીઓ સાથે કૃત્રિમ ઇન્ટિમસી વિકસાવવાનું પ્લેટફોર્મ છે. અહીં તેમનાં વિચારો અને લાગણીઓ પણ ફોટોશોપ થાય છે. અહીં તેમનાં મેલાં લૂગડાંની કે તેઓ બે દિવસથી નહાયા નથી તેની બદબૂ નથી આવતી. આપણને તેમનાં નસકોરાં સંભળાતાં નથી. અહીં બધા દેખાવે માઈકલ એન્જેલો અને મોનાલિસા અને બુદ્ધિમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોય છે. અહીં બધા એકબીજાને ચકાચક ઘસીને પેશ કરે છે.
(બાય ધ વે, સુસ્મિતા સેનની ફેવરિટ ચોપડીઓમાં ‘ગોડ ઓન અ હર્લે’, ‘ક્ધવર્સેશન વિથ ગોડ’, ‘ધ પવાર ઓફ નાઉ’, ‘ઓટોબાયોગ્રાફી ઓફ યોગી’નો સમાવેશ થાય છે.)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.