Homeઉત્સવઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગાહી કરી શકે..! જાને ક્યા હોગા રામા રે...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગાહી કરી શકે..! જાને ક્યા હોગા રામા રે…

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પા પા પગલી કરી રહી છે ત્યારથી વ્યક્તિની સામે એક વર્ચ્યુઅલ વર્લ્ડ નવી દિશા ઉઘાડી રહ્યું છે. જાણે માણસની એકલતા સામે મશીનનું બોલવાનું અને મૂડ પારખીને મિજાજ બદલવાનું કામ કરતું હોય એ દૃષ્ટિકોણ અપનાવાઈ રહ્યો છે.
એલેક્સાથી લઈને એરપોર્ટ પર કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફ સુધી દરેક આ ટેક્નોલોજી અંગે કંઈક તો એવો વિચાર કરે જ છે. માણસે બનાવેલી ટેક્નોલોજી માણસ સામે જ મહાકાય રાક્ષસીનો અવતાર ન લે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓટોમેશન મોડ પર દુનિયા સ્વિચ થઈ રહી છે એ દિશામાં ઘણા એવા પડકારો અત્યારથી જ સામે આવી રહ્યા છે. એલર્ટ થવું પડે એવો ટાઈમિંગ નજીક આવી રહ્યો છે.
એક સમય એવો દેશમાંથી પસાર થયો કે જ્યારે કુદરતી આફત સામે માણસ આગમચેતીનાં પગલાં ભરી શકે એવો પણ સમય નહોતો. એ પછી સેટેલાઈટ ટેક્નોલોજી અને ઉપગ્રહની મદદથી આફત સામે જ એલર્ટ મળ્યા. એડવાન્સમાં તૈયારી કરવાનો એવો સમય મળી રહ્યો કે જેમાં આફતને ટાળી તો ન શકાય, પણ માણસના ટુકડા થતાં અટકાવી શકાય. આ વર્ષની શરૂઆતમાં જોષી મઠમાં ક્યારેય ભરી ન શકાય એવી તિરાડો પડી તો બીજી તરફ ગુજરાતમાં શિયાળાએ ઈતિહાસના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ફેબ્રુઆરી મહિનામાં ભુજમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું. હવે આ બધી વાત વચ્ચે સામાન્ય રીતે સવાલ એ થાય કે આમાં ટેક્નોલોજી ક્યાં આવી? આનો એક વાક્યમાં જવાબ છે એલર્ટ મેળવવા અને એલર્ટ આપવા.
સેટેલાઈટ ટેક્નોલોજી કોમ્યુનિકેશનમાં સફળ પુરવાર થયા બાદ હવામાન ખાતામાં પણ સચોટ અને સ્પષ્ટ સાબિત થઈ. વાસ્તવિક અને અસરકારક એનાલિસિસ એટલું સરસ રીતે કામ આવ્યું કે આફત સામે થોડી કેર કરવાનું શક્ય બન્યું. બાકી કુદરતી આફતને કોઈ અટકાવી ન શકે. કાઉન્ટે જેવા વાવાઝોડાની માત્ર આગાહી કરી શકાય, પરંતુ એમાં કે ટેક્નોલોજીમાં કોઈ એવું સ્ટોપનું બટન નથી કે એને અટકાવી શકે.
સેટેલાઈટ ટેક્નોલોજી બાદ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ આગાહી કરવાના મૂડમાં હોય એવી રીતે એના અલ્ગોરિધમ સેટ કરવામાં આવી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના કોમ્બિનેશનથી એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જેનાથી કોઈ પણ વાઇબ્રેશન આવતાં પહેલાં એના એલર્ટ મળી રહે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમને સેટ કરવામાં સફળ થયેલા પ્રોગ્રામર્સ ત્યાં સુધી કહે છે કે હિમ સ્ખલન, ભૂસ્ખલન, વાઇબ્રેશન, પૂર અને વરસાદ સુધીની કોઈ પણ આફત સમયે જે તે ભૌગોલિક સ્થાન પર આ ડિવાઇસનું સરળતાથી મેપિંગ કરી શકાય છે, જેનાથી જોખમને એડવાન્સમાં જાણીને સાવચેતીનાં પગલાં લેવામાં પૂરતો સમય મળી રહેશે. આ ટેક્નોલોજીની સામે સૌથી મોટી કઠણાઈ એ છે કે આવી કોઈ આફતની સ્પીડમાં વધારો થઈ ગયો કે અચાનક ફેરફાર થઈ ગયો તો તમામ આગાહી પાણીમાં.
ડો. ડી. પી. શુક્લા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઑફ સિવિલ એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, આઇઆઇટી મંડી અને ડો. શરદ કુમાર ગુપ્તા, તેલ અવિવ યુનિવર્સિટી (ઇઝરાયલ) દ્વારા વિકસિત આ અલ્ગોરિધમ લેન્ડસ્લાઇડ સેન્સરી મેપિંગમાં ડેટા અસંતુલનના પડકારને દૂર કરી શકે છે, જે દર્શાવે છે કે એ વિસ્તારમાં ભૂસ્ખલનની શક્યતા કેટલી? આ અભ્યાસનાં પરિણામો તાજેતરમાં જર્નલ લેન્ડસ્લાઈડમાં પ્રકાશિત થયાં છે.
એરિયલ ઈમેજિનરી ટેક્નોલોજી અને લોકેશન મેપિંગ ભેગા થઈને એઆઈની હવામાં એવી રીતે ઉડાન ભરે છે કે જે તે આફતનાં એંધાણ એડવાન્સમાં ૯૦% સુધી સફળતાપૂર્વક કરી શકાય છે. બાકીના ૧૦%ની તીવ્રતા અને અસરકારકતા એટલી છે કે પાછળના ૯૦%ની એક સેક્ધડમાં જ પથારી ફેરવી નાખે.
પવનની ગતિ, તોફાનની તીવ્રતા અને કંપનના ઝટકા એટલાં પાવરફુલ હોય કે આખું મશીન રફેદફે કરી શકે. ટેક્નોલોજી માત્ર એવું સિગ્નલ આપી શકે કે સમસ્યાને અટકાવી નથી શકાતી, પરંતુ એનાથી સાચવણી થઈ શકે છે.
હવામાન અને ભૌગોલિક ફેરફારને ધ્યાનમાં રાખી આમ તો ઘણા બધા એલર્ટ એના કલર સંબંધિત અપાય છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બાબતમાં એવી ઘણી ડાયરેક્ટ એપ્લિકેશન વિકસી છે જે ખરા અર્થમાં જાણવા જેવી છે. આ પૈકીની એક છે ડીપ માઈન્ડ. વરસાદની ચોક્કસ અને સચોટ આગાહી તો કોઈ કરી શકે એમ નથી, પરંતુ સૌથી નજીક અને જૂજ કહી શકાય એવી તફાવતની કેટેગરીને બાદ કરતાં ડીપ માઈન્ડ જોરદાર એપ્લિકેશન છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે મશીન બેઝ પ્રોગ્રામિંગ કરીને વરસાદ અંગે આગાહી કરે છે. સૌથી ખાસ વાત તો એ છે કે ખેડૂતો માટે આવી ટેક્નોલોજી આશીર્વાદ સમાન છે, પરંતુ જો કુદરત વીફરે તો આવી એપ્લિકેશનને જીવતેજીવતી દાટી દે. વરસાદની બદલાતી પેટન્ટને સમજવામાં તેમ જ બદલાઈ રહેલા વાતાવરણ વચ્ચેના ગેપનો અભ્યાસ કરવામાં ડીપ માઈન્ડ એક મહત્ત્વના હથિયાર સમાન છે.
તે માત્ર પાંચ મિનિટની અંદર જ જે તે વેધરનું ૯૫% સચોટ એવું એનાલિસિસ આપે છે કે વાતાવરણનો સ્વભાવ સાક્ષાતપણે ફીલ થાય. વેધર અને વિન્ડમાં મારી જેમ ખરેખર ઊંડો રસ હોય તો નાવકાસ્ટ ટેક્નોલોજી સમજવા જેવી છે, જેનું અલ્ગોરિધમ અને પ્રોગ્રામિંગ ખુદ ગૂગલના માસ્ટર માઈન્ડે તૈયાર કર્યું છે. થેન્ક્સ ટુ સુંદર પિચાઈ, જેણે આ સમગ્ર કોન્સેપ્ટને ગ્રીન સિગ્નલ આપ્યું. કિલોમીટરના ધોરણ મુજબ છ કલાકના ગાળામાં ઓછામાં ઓછાં અને મોટામાં મોટાં કેવાં પરિવર્તન થવાનાં છે એની આખી ટેક્નોલોજી એટલે નાવકાસ્ટ. અત્યારે દરેક સ્માર્ટફોન પર વેધર એપ્લિકેશન તેમ જ ડિફોલ્ટ વેધર ફિગર અવેલેબલ છે જેની પાછળ આ નાવકાસ્ટ ટેક્નોલોજી જવાબદાર છે. બાકી મોબાઈલ ફોનને તડકે મૂકીને તાપમાન ન માપી શકાય. આવું કરતા નહીં, સ્ક્રીન કાયમ માટે બ્લેક થઈ જશે… હા… હા… હા… આની એકમાત્ર મર્યાદા એ છે કે જો સમગ્ર સર્વર કે ઇન્ટરનેટ થોડા સમય માટે પણ ડી-એક્ટિવ થયું એટલે ભેંસ પાણીમાં. ટૂંકમાં બધું ખતમ. (વધુ આવતા અંકે)ઉ
આઉટ ઓફ ધ બોક્સ
સંબંધોની રેખાને પાતળી થતી અટકાવવી હોય તો દરેક વસ્તુમાં ખાતરી કરવાનું રહેવા દો. બદલાવ સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે હોય છે, વિચાર પ્રમાણે હોય છે, પણ લાગણી તો કાયમ વસંત જેવી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular