ઝિન્દગી હૈ યા કોઈ તૂફાન હૈ, હમ તો ઈસ જીને કે હાથોં મર ચલે

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
જગ મેં આકર ઈધર-ઉધર દેખા,
તૂ હી આયા નઝર, જિધર દેખા.
ઈન દિનો કુછ અજબ હૈ હાલ મેરા,
દેખતા કુજ હૂં, ધ્યાન મે કુછ હૈ.
મેં જાતા હૂં, દિલ કો તેરે પાસ છોડે,
મેરી યાદ તુઝ કો દિલાતા રહેગા.
દિલ કે ફિર ઝખ્મ તાઝા હોતે હૈ,
કહી ગુન્ચા કોઈ ખિલા હોગા.
-‘દર્દ’
ગુન્ચા-કળી
દિલ્હીની બરબાદી-તબાહીની શરૂઆત થઈ ત્યારે મોટા મોટા અમીર ઉમરાવો અને નવાબો દિલ્હી છોડીને ભાગી રહ્યા હતા તો ઉર્દ્દ શાયરોમાં લખનૌની વાટ પકડી હતી. આવી પરિસ્થિતિમાં સૈયદ ખ્વાજા મીર દર્દે દિલ્હી છોડ્યું ન્હોતું. ખુમારી તથા ખુદ્દારી ધરાવતા આ શાયરે કોઈની નોકરી કરી ન્હોતી. પૂર્વજોને બાદશાહો દ્વારા મળેલી જાગીરને લીધે તેમના કુટુંબનું ભરણપોષણ થયા કરતું હતું. ‘દર્દ’નો જન્મ ઈ.સ. ૧૭૧૫માં દિલ્હીમાં થયો હતો. તેમના પૂર્વજો ઉઝબેકિસ્તાનના બુખારાથી દિલ્હી આવીને વસી ગયા હતા. ‘દર્દ’ના પિતા શાયર હતા અને તેમનો એક ગઝલસંગ્રહ પ્રગટ થયો હતો. ‘દર્દ’ના શાયર-ગુરુજીનું નામ શાહ ગુલશન હતું. આ સૂફીવાદી શાયરના અનેક શિષ્યો હતા. સંગીત-વિદ્યાના જાણકાર-અભ્યાસી આ શાયર દરેક માસના બીજા અને ચોથા અઠવાડિયે તેમની હવેલીમાં કાવ્યગોષ્ઠી અને સંગીતના કાર્યક્રમો ગોઠવતા હતા.
શિષ્ટાચારમાં માનતા દર્દસાહેબને એક વખત કડવો અનુભવ થયો હતો. શાહઆલમ બાદશાહ દર્દની હવેલી પર કશી આગોતરી જાણ કર્યા વગર જઈ ચઢ્યા હતા. શાહઆલમના પગમાં પીડા હતી તેથી તેઓ લાંબો પગ કરીને બેઠા હતા. આ જોઈને ‘દર્દ’ એટલા બેચેન થઈ ગયા છે. તેમણે બાદશાહને રોકડું પરખાવી દીધું કે આવી બેઅદબી બઝમની વિરુદ્ધ છે. શાહઆલમે આ માટે ક્ષમા માગી છતાં ‘દર્દ’ તુરંત બોલી ઉઠ્યા કે તમારા પગ દુ:ખતા હતા તો પછી અહીં સુધી આવવાની શી જરૂર હતી? આ શાયરે કદી પણ નવાબો કે મહારાજાઓના ખોટા ગુણ ગાયા ન્હોતા કે તેઓ મારે ક્યારેય કસીદા (પ્રશંસા-કાવ્ય) લખ્યા ન્હોતા. તેમણે રાજા-મહારાજાઓની બુરાઈનું વર્ણન કરતા હિજો પણ કદી લખ્યા નહોતા.
‘દર્દ’ એ ઉર્દૂ ભાષા કરતા ફારસી ભાષામાં વધુ સર્જન કર્યું છે. ‘દર્દ’ની શાયરીની ભાષા મીર તકી મીર અને સૌદા જેવા શાયરોની ભાષા સાથે મળતી આવે છે. તેમણે ગૂઢ તત્ત્વોને સરળ ભાષામાં વ્યક્ત કર્યા છે. કોમળ ભાવ, પ્રેમનિવેદન, માધુર્ય, સૌંદર્ય, વ્યથા-વેદના , સમર્પણ માટેની તડપ, કરુણા વગેરે તેમની શાયરીની મુખ્ય લાક્ષણિકતાઓ છે. ગઝલસર્જન માટે તેમણે ટૂંકી બહર (છંદ) પસંદ કરી હતી. તેમની ગઝલોમાં મોટે ભાગે ૭ અથવા ૯ શેર નજરે પડે છે. તેમની રચનાઓને સમાવતો તેમનો એક જ સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. ફારસીભાષામાંય તેમના કાવ્યોનું એક જ પુસ્તક બહાર પડ્યું છે. આહે-સર્દ, ઈલ્મુલ કિતાબ, નાલા-એ-દર્દ, શમા-એ મહેફિલ, સહીફે-વારદાત, વાક્યાતે-દર્દ, હું રમતે ગિના તેમના ગદ્યના પુસ્તકો છે.
પવિત્ર આચાર-વિચાર અને વૈરાગી સ્વભાવ ધરાવતા આ સ્વાભિમાની શાયરનું ઈ.સ. ૧૭૮૫ની સાલમાં દિલ્હીમાં અવસાન થયું હતું. સુખ્યાત શાયર અમીર મીનાઈએ લખ્યું છે: "દર્દ કા કલામ પિસી હુઈ બિજલિયાં માલૂમ હોતા હૈ. ‘દર્દ’ના કેટલાક શે’રનો રસાસ્વાદ કરીએ:
* ‘દર્દ’ કુછ માલૂમ હે તુમકો, યે લોગ
કિસ તરફ સે આયે થે? કિધર ચલે?
અરે ઓ ‘દર્દ’! આ લોકો કઈ તરફથી આવ્યા હતા અને પછી ક્યાં ચાલ્યા ગયા એ વિશે તમને કોઈ બાતમી છે ખરી? આમ શાયરે પવિત્ર, દિવ્ય અને આધ્યાત્મિક લોકોની વાત નામ આપ્યા વગર કહી
દીધી છે.
* તૂ ચાહે ન ચાહે મુઝે કુછ કામ નહીં હૈ,
આઝાદ હૂં ઈસ સે ભી ગિરફતાર હૂં તેરા.
તને ગમે કે ના ગમે, તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી. હું ભલે આમ મુક્ત રહ્યો પણ છેવટે તારો કેદી તો છું જ.
* ઝિન્દગી જિસ સે ઈબાદત હૈ સૌ વહ ઝિસ્ત કહાં,
યૂં તો કહને કે તંઈ કહિયે કિ હાં જીતે હૈં.
સાધનામય થઈ જાય એવું જીવન જ ક્યાં રહ્યું છે! પણ હ, કહેવા ખાતર કહેવું હોય તો કહી શકાય કે "હા, જીવીએ છીએ.
* જિતની બઢતી હૈ, ઉતની ઘટતી હૈ.
ઝિન્દગી આપ હી સે કટતી હૈ.
જીવન જેટલું આગળ વધે છે એટલું ઓછું થતું જાય છે. જીવન પોતાની મેળે જ કપાતું જાય છે. એ માટે કોઈએ કશું કરવું પડતું નથી.
* જાલિમ! જફા જો ચાહે સો કર મુજ પે
તૂ વલે,
પછતાવે ફિર તૂ આપ હી ઐસા ન કર કહીં.
ઉર્દૂ શે‘ર-શાયરીમાં પ્રિયતમા-માશૂકને જાલિમ, કાતિલ વગેરે નામથી સંબોધવામાં આવે છે. અરે ઓ જાલીમ! તારાથી થઈ શકે તેટલા તું અત્યારચાર કર. પણ પાછળથી પસ્તાવાનો વારો આવે તે હદે તું જઈશ નહીં.
* બસ હૈ યહીં મઝાર પે મેરે કે ગાહ-ગાહ,
જાએ-ચરાગ કોઈ દિલે-મેહરબાં જલે
મારી કબર પર ક્યારેક દીપકની જગ્યાએ (મારા) કોઈ કૃપાળુ-મહેરબાનનું હૃદય જો બળે એટલું (મારા માટે) પૂરતું છે.
* ગર મઅરફત કા ચશ્મે-બસીરત મે
નૂર હૈ,
તો જિસ તરફ વો દેખિયે ઉસ કા ઝહૂર હૈ.
જો ઈશ્ર્વરરીય દિવ્ય દૃષ્ટિમાં (ચોતરફ) પ્રકાશ જ પ્રકાશ છે તો પછી કોઈ પણ (દિશા) તરફ નજર કરશો તો તમને ઈશ્ર્વરની હાજરીનો અનુભવ થશે.
* કિસુ સે ક્યા બયાં કીજે ઉસ અપને હાલે-અબતર કા,
દિલ ઉસ કે હાથ દે બૈઠે, જિસે જાના ન પહચાના.
હવે હું ક્યા મોઢે મારી ચિંતાજનક સ્થિતિનું વર્ણન કરું? હું જેને જાણતો-ઓળખતો નથી એવાના હાથમાં હું મારું દિલ દઈને બેઠો છું. હવે હું શું કરું?