ગોરખપુરથી ચૂંટણી લડનારા યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના બીજા મુખ્ય પ્રધાન
લખનઊ: યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડશે એ જાહેર થઇ ગયું છે. અહીંથી ચૂંટણી લડનારા તેઓ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન હશે. આ અગાઉ ૧૯૭૧માં તત્કાલીન મુખ્ય પ્રધાન ત્રિભુવન નારાયણસિંહે પણ આ જ જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવી હતી.
યોગીને ગોરખપુરમાં ભાજપના ઉમેદવાર બનાવ્યા પછી બધા રાજકીય પક્ષોમાંથી મિશ્ર પ્રત્યાઘાતો સાંપડ્યા હતા.
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે યોગીને પહેલાં મથુરા, અયોધ્યા, દેવબંદ અને પ્રયાગરાજમાંથી ચૂંટણી લડાવવાની વાતો થતી હતી, પરંતુ અંતે તેમને ગોરખપુરમાં ઉમેદવારી આપીને ઘેર મોકલાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ગોરખપુર યોગીનું વતન છે. તેઓ લોકસભાની ચૂંટણી ગોરખપુરમાંથી જ લડ્યા હતા.
અગાઉ ભાજપના રાજ્યસભાના સાંસદ હરનાથસિંહ યાદવે પક્ષના મોવડીમંડળને પત્ર લખીને યોગીને મથુરામાં ઉમેદવારી આપવાની વિનંતી કરી હતી. બીજી બાજુ યોગી અયોધ્યામાંથી ચૂંટણી લડશે તેવી વાતો પણ થવા લાગી હતી.
ભાજપે ટ્વિટર પર વિપક્ષોના પ્રહાર સામે વળતો જવાબ આપતા કહ્યું હતું કે અમારા મુખ્ય પ્રધાન ગોરખપુરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ બુઆ( માયાવતી), બબુઆ (અખિલેશ) અને પ્રિયંકા વાડ્રા જણાવે કે તેઓ ક્યાંથી ચૂંટણી લડવાના છે કે પછી હારના ડરે ચૂંટણી લડવાના જ નથી.
દરમ્યાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સમાજવાદી પક્ષે ગુનેગારો પાસેથી રૂપિયા લઇ તેમને ચૂંટણી લડવા માટે ટિકિટો આપી છે.
-----
આયર્લેન્ડનો વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસિક શ્રેણી વિજય
કિંગ્સ્ટન: આયર્લેન્ડે સબીના પાર્ક ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને નિર્ણયાત્મક વન ડે મેચ જીતી લેતાં ૨-૧થી ઐતિહાસિક શ્રેણી વિજય પ્રાપ્ત કર્યો હતો. વેસ્ટ ઇંડિઝની ધરતી પર વેસ્ટઇંડિઝ સામે પ્રથમ વાર આયર્લેન્ડે શ્રેણી જીતી બતાવી હતી.
વેસ્ટ ઇંડિઝને ૪૫ ઑવરમાં ૨૧૨ રને ઑલ આઉટ કરી આયર્લેન્ડે આટલી જ ઑવરમાં આઠ વિકેટે ૨૧૪ રન કરી વન ડે મેચ જીતી લીધી હતી. કૅપ્ટન પૉલ સ્ટર્લિંગે ૩૮ બૉલમાં ૪૪ રન ફટકાર્યા હતા. એન્ડિ મેકબ્રિને ૧૦૦ બૉલમાં ૫૯ રન કર્યા હતા. ત્યાર બાદ હેરી ટેક્ટરે ૭૬ બૉલમાં ૫૨ રન કર્યા હતા. આ ત્રણ બેટ્સમેનોની ચતુરાઇભરી રમતે આયર્લેન્ડની જીત સરળ બનાવી હતી.
વેસ્ટ ઇન્ડિઝે આ શ્રેણીની પ્રથમ વનડે જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી મેચ હારી જતાં ત્રણ વન ડે મેચની આ શ્રેણી ૧-૧થી સમકક્ષ થઇ હતી અને ત્રીજી મેચ વધુ રસપ્રદ બની હતી, જે જીતી લઇને આયર્લેન્ડે ઇતિહાસ સજર્યો હતો. ઉ