ગોળ ગોળ ચેતવણી કોના હિતમાં છે?

ફોકસ -નૌશાબા પરવીન
તાજેતરમાં જ એક પાનમસાલાની જાહેરખબર અંગે ખૂબ વિવાદ થયો. અત્યારે આપણે એ વિવાદ વિષે ચર્ચા નથી કરવાના. અત્યારે તો આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવિત સ્ટાર સિસ્ટમ વિષે ચર્ચા કરીશું.
એક વ્યક્તિએ એક સિગારેટનું પેકેટ ખરીદ્યું, જેના પર ચેતવણી લખેલી હતી કે ‘ધૂમ્રપાનથી નપુંસકતા આવે છે.’ તેણે તરત જ દુકાનદારને કહ્યું, ‘અરે ભાઈ, આ કયું પેકેટ આપી દીધું? જેના પર કેન્સર લખ્યું છે તે પેકેટ આપો.’ આ વ્યંગાત્મક દૃષ્ટાંત દ્વારા એ વાત તો સિદ્ધ થાય છે કે બંધ પેકેટો અને બંધ ડબ્બાઓમાં વેચાતી ચીજવસ્તુઓ પર લખાતી સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીનો લોકો પર પ્રભાવ ચોક્કસ પડે છે. આ જ તથ્યને ધ્યાનમાં લઈને સન ૨૦૦૮ના સિગારેટ અને તમાકુ ઉત્પાદન (પેકેજિંગ અને લેબલિંગ) કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. હવે આ ઉત્પાદનોનાં પેકેટ પર ચેતવણીની સાથે જ ધૂમ્રપાન છોડવા માટે એક હેલ્પલાઇન નંબર (૧૮૦૦-૧૧-૨૩૫૬) પણ લખવામાં આવે છે. અર્થાત્ હાનિકારક ચીજવસ્તુઓના સંદર્ભમાં ગોળ ગોળ ચેતવણી આપવાને બદલે સરળતાથી સમજાય એવી સુસ્પષ્ટ ચેતવણી લખવી જ યોગ્ય છે.
જોકે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસ-એસએઆઈ)એ ડબ્બાબંધ ખોરાક અંગેની સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવા માટે (જેને ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ - એફઓપીએલ કહેવામાં આવે છે) સ્પષ્ટ ચેતવણી લેબલ્સને બદલે હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ પદ્ધતિ અપનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
એ વાતમાં તો કોઈ બેમત જ નથી કે ડબ્બાબંધ ખોરાક પર એફઓપીએલ ચેતવણી હોવી જ જોઈએ, જેથી ઉપભોક્તાને એ જાણ થઈ શકે કે એ ખોરાકના સેવનથી તેના સ્વાસ્થ્યને શું અને કેટલા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ છે? ચર્ચા માત્ર એ વાતની છે કે ચેતવણી સ્ટાર સિસ્ટમ દ્વારા આપવામાં આવે કે સ્પષ્ટ ચેતવણી લેબલ્સ દ્વારા? ઉપભોક્તાને આ બંનેમાંથી કઈ પદ્ધતિ વધુ સારી રીતે સમજાશે?
એફએસએસએઆઈની બેઠકમાં ઉપસ્થિત ફૂડ ઉદ્યોગના ૧૭ પ્રતિનિધિઓએ સ્ટાર સિસ્ટમના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને ઉપભોક્તા અધિકાર સંગઠનના તમામ ૬ પ્રતિનિધિઓએ સ્પષ્ટ ચેતવણી લેબલ્સનું સમર્થન કર્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે સ્ટાર સિસ્ટમ દ્વારા આ ખોરાક કેટલો સુરક્ષિત છે એ લોકોને કેવી રીતે સમજાશે? એક સ્ટાર અથવા બે સ્ટારનો અર્થ શું થાય તે કેટલા લોકો સમજી શકશે? એના બદલે સ્પષ્ટરૂપે લખાયેલી ચેતવણી બધા સરળતાથી સમજી શકે અને તેના આધારે ગ્રાહક સ્વતંત્ર નિર્ણય લઈ શકે. ડબ્બાબંધ ખોરાક વેચતા વેપારીઓને એ જ વાતનો ભય છે કે સ્પષ્ટ ચેતવણી લેબલ્સને કારણે તેમનાં ઉત્પાદનોના વેચાણ પર અસર થશે. માટે જ તેઓ સ્ટાર સિસ્ટમના પક્ષમાં છે. હવે આપ જાતે જ સમજી શકશો કે એફએસએસએઆઈએ કયા કારણે સ્ટાર સિસ્ટમનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. શું સ્વાસ્થ્યને બદલે વેપારને પ્રાધાન્યતા આપવી યોગ્ય છે?
૧૫ ફેબ્રુઆરીના રોજ ભરાયેલી એફએસએસએઆઈની બેઠકની મિનિટ્સના આધારે એ માહિતી મળે છે કે ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં સ્ટાર સિસ્ટમનું ચયન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહિ, પરંતુ પ્રથમ ચાર વર્ષ તે સ્વૈચ્છિક રહેશે. ત્યાર બાદ તેને ફરજિયાત કરવામાં આવશે. આ ચયનના બચાવમાં એફએસએસએઆઈનું કહેવું છે કે આઇઆઇએમ - અમદાવાદે હાથ ધરેલા અધ્યયનમાં વૈશ્ર્વિક સ્તરે ઉપલબ્ધ એફઓપીએલ ફોર્મેટનું મૂલ્યાંકન કર્યા બાદ સ્ટાર સિસ્ટમની ભલામણ કરી છે.
જન સ્વાસ્થ્ય અને પોષણ વિશેષજ્ઞ અધ્યયનના નિષ્કર્ષ પર પ્રશ્ર્ન ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આઇઆઇએમના અધ્યયનમાં તો સ્પષ્ટ ચેતવણી લેબલ્સને સ્ટાર સિસ્ટમ જેટલાં જ પ્રભાવી માનવામાં આવ્યાં છે. જોકે અમુક સંદર્ભોમાં તો તે સ્ટાર સિસ્ટમ કરતાં વધુ ઉપયુક્ત ઠરે છે. અત્યાર સુધી દુનિયાના લગભગ ૩૦ દેશોએ એફઓપીએલને અપનાવ્યું છે, જેમાંના માત્ર ૧૦-૧૧ દેશો માટે જ સ્ટાર સિસ્ટમ ઉપયુક્ત છે. આઇઆઇએમ - અમદાવાદના અધ્યયનના રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાના એક અધ્યયનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં નોંધ્યું છે કે ચાર વર્ષના સ્વૈચ્છિક એફઓપીએલની સમય મર્યાદા પૂરી થયા બાદ માત્ર ૨૮ ટકા ફૂડ ઉત્પાદકોએ તેને અપનાવ્યું, તેથી ઉપભોક્તાઓના સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખીને એફઓપીએલ ફરજિયાત કરવું પડ્યું.
સ્પષ્ટ ચેતવણી લેબલ્સ અને સ્ટાર સિસ્ટમ પદ્ધતિ વિષે ૯ માર્ચના રોજ એક વર્ચ્યુઅલ વિચાર વિમર્શ કરવામાં આવ્યો, જેમાં ૧૦૦થી વધુ જન સ્વાસ્થ્ય અને પોષણ વિશેષજ્ઞોએ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા અને ચિલીના વિશેષજ્ઞો પણ આ વિચાર વિમર્શમાં સહભાગી થયા હતા. આ વિશેષજ્ઞોનો મત છે કે સ્ટાર સિસ્ટમ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, કારણ કે એવાં ઉત્પાદનોને પણ સ્ટાર અપાશે જેને કોઈ પણ રીતે સ્વાસ્થ્યકારક ન કહી શકાય. સ્ટાર સિસ્ટમથી સંભ્રમ નિર્માણ થઇ શકે છે, જ્યારે સ્પષ્ટ ચેતવણી લેબલ્સ ખૂબ સરળતાથી સમજાઈ જાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સ્ટડીઝના તાજેતરના અધ્યયનમાં પણ એ જ જણાયું છે કે એફઓપીએલની દરેક પદ્ધતિથી ઉપભોક્તાઓને એ તો ધ્યાનમાં આવી જ જાય છે કે કયાં ઉત્પાદનોમાં મીઠું, સાકર અને ચરબી વધુ પ્રમાણમાં છે, તેમ છતાં સ્પષ્ટ ચેતવણી લેબલ્સ વધુ અસરકારક છે. સુસ્પષ્ટ ચેતવણી વાંચ્યા બાદ તે ઉત્પાદન ખરીદતાં પહેલાં ગ્રાહક બે વાર વિચારે છે. આ નિષ્કર્ષ પરથી એ તો સ્પષ્ટ થાય છે કે શા માટે ફૂડ ઉદ્યોગ સ્ટાર સિસ્ટમના પક્ષમાં છે?
એથી પણ વધુ ચિંતાજનક બાબત તો એ છે કે એફએસએસએઆઈના ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં ડબ્બાબંધ ખોરાકમાં મીઠું અને સાકરની માત્રા વધારવાની પરવાનગી આપવામાં આવી છે જે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા નિર્ધારિત માત્રા કરતાં ઘણી વધુ છે. ડબ્લ્યુએચઓએ આઇસક્રીમ (૧૨ ગ્રામ) સિવાયના મોટા ભાગના ડબ્બાબંધ ખોરાક માટે પ્રતિ ૧૦૦ ગ્રામ વધુમાં વધુ ૬ ગ્રામ સાકરની મર્યાદા નક્કી કરી છે, જ્યારે એફએસએસએઆઈએ ૨૦.૭ ગ્રામની પરવાનગી આપી છે. ડબ્લ્યુએચઓએ સોડિયમ એટલે કે મીઠા માટે ૨૫૦ મિલિગ્રામની મર્યાદા નિર્ધારિત કરી છે, જ્યારે એફએસએસએઆઈએ ૪૫૦ મિલિગ્રામની પરવાનગી આપી છે.
ચાર વર્ષના સ્વૈચ્છિક સમયગાળા સુધી આટલા મોટા પ્રમાણમાં સાકર અને મીઠાના ઉપયોગની પરવાનગી આપવી એ શું જન સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યું ન કહેવાય ? મીઠા અને સાકરના અધિક સેવનથી અનેક બીમારીઓ થાય છે માટે જ તેમને સફેદ ઝેર કહેવામાં આવે છે તથા તેના ઓછા ઉપયોગની ભલામણ કરવામાં આવે છે. એફએસએસએઆઈએ મીઠા અને સાકરના ઉપયોગની માત્રા ઓછી કરીને ડબ્લ્યુએચઓ દ્વારા નિર્ધારિત મર્યાદા સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ એ તો ત્યારે જ શક્ય બનશે જ્યારે આ પરિમાણો પર પરદો ઢાંકનાર સ્ટાર સિસ્ટમને બદલે સ્પષ્ટ ચેતવણી લેબલ્સ વ્યવસ્થાને અપનાવીને જનતાને જાગૃત કરવામાં આવે.