આ તાજમહેલ કોનો કોનો છે?

અભિમન્યુ મોદી
બીજા વિશ્ર્વયુદ્ધના સમયની વાત છે. તાજમહેલને ઢાંકી દેવામાં આવ્યો હતો. તાજમહેલના ગુંબજ સુધ્ધાંને આવરી લેતો માંચડો તૈયાર કરવામાં આવ્યો હતો. દૂરથી જોઈએ તો તાજમહેલની સફેદી જરીકે ન દેખાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોઈ બાંધકામ કે ચણતરનું કડિયાકામ ચાલુ હોય તેવો આભાસ ઈ. સ. ૧૯૪૨માં અમુક મહિનાઓ માટે ઊભો કરવામાં આવ્યો. કેમ? કારણ કે તાજમહેલને ખતરો હતો. જાપાનીઝ એર ફોર્સના ફાઈટરો ગમે ત્યારે તાજમહેલ પર બોમ્બ ફોડીને ભરતાની ધરોહર સમાન એ સ્થાપત્યને જમીનદોસ્ત કરી શકે તેમ હતા. હાવડા બ્રિજને પણ ઉડાડી નાખવાની ધમકી જાપાને આપી હતી. તાજમહેલ પર આવો ખતરો જાપાન પછી બીજી બે વખત પણ આવી ચડ્યો હતો. ૧૯૬૫ અને ૧૯૭૧નાં પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બોમ્બર પ્લેનના પાયલટને ગુમરાહ કરવા માટે તાજમહેલ ફરતે માંચડો બાંધવામાં આવ્યો હતો, જેથી આકાશમાંથી તાજમહેલ શોધીને તેને નિશાન બનાવવું અઘરું પડે.
તાજમહેલ પરનો ખતરો હજુ ટળ્યો નથી. એક સમયે દુશ્મન દેશોના ઘુરિયલ શાસકો તેને મિટાવી દેવાની પેરવીમાં હતા. હવે આપણા જ ઘરના એટલે કે ભારતના જુદા જુદા માણસો છે જે તાજમહેલ પર વખતોવખત દાવો કર્યા કરે છે.
તાજમહેલ વિશ્ર્વની અજાયબી ખરી, પણ વિવાદનું સ્થળ પણ ખરું. ઘણા સમયથી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા એવા દાવાઓ કરવામાં આવે છે કે તાજમહેલ મુસ્લિમોએ નથી બંધાવ્યો, તાજમહેલના ચણતરમાં શાહજહાં જેવા ક્રૂર શાસકનો કોઈ હાથ નહોતો, તાજમહેલ હકીકતમાં તો એક મંદિર હતું, તાજમહેલની જમીન નીચે બિનઇસ્લામી ધર્મની અનેક સાબિતીઓ કે અવશેષો મળી આવશે - આવી વાતો ઘણા દશકથી ભારતમાં ફેલાયેલી છે. તાજમહેલને સાંકળતી અનેકાનેક વાયકાઓ મોટા ભાગે ખોટી અને પાયાવિહોણી હોય છે, પરંતુ તાજમહેલનું ઈતિહાસમાં કદ અને મહત્ત્વ એટલું ઊંચું છે કે આવી વાયકાઓ તરતી રહે છે, જેમ કે શાહજહાંએ તાજમહેલ બની ગયા પછી બધા મજૂરોના હાથ કાપી નાખ્યા હતા. હજુ ઘણા લોકો આ અફવાને સાચી માની લે છે. અફવા બનાવનારા હોશિયાર કે આવું માની જનારા મૂર્ખ તે નક્કી કરવું મુશ્કેલ છે.
‘બંટી ઔર બબલી’. આ ફિલ્મની રિમેક હમણાં બની. ફિલ્મનો આ નવો પાર્ટ ક્યારે આવ્યો અને ક્યારે ચાલ્યો ગયો એ જ કોઈને ખબર ન પડી, પરંતુ પ્રથમ ‘બંટી ઔર બબલી’માં તાજમહેલ વેચવાની વાત આવે છે. એક મૂરખ ફોરેનર તાજમહેલ ખરીદવા માટે તૈયાર થઇ જાય છે. છેલ્લે તેને પાંચેક વર્ષની લીઝ પર તાજમહેલ મળે છે. પોતાની જાન લઈને તાજમહેલના દરવાજે પહોંચ્યા પછી તેને ખબર પડે છે કે તે છેતરાઈ ગયો. હવે તાજમહેલને હિંદુ મંદિર કે હિંદુ સ્થાન ગણાવતા અમુક લોકોએ લેટેસ્ટ તાજમહેલના બંધ રહેલા બાવીસેક ઓરડા ખોલવા માટે કોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટે ફટાફટ તે પિટિશનને સખત શબ્દોમાં વખોડી. જજે તો ત્યાં સુધી કહ્યું કે આવી ફાલતુની ચર્ચા તમારા ઘરના ડ્રોઈંગ રૂમ સુધી રાખો, કોર્ટનો સમય ન બગાડો.
તાજમહેલ હિંદુઓનો છે કે મુસલમાનોનો અને તેના બાવીસ રૂમમાં દેવી-દેવતાઓની મૂર્તિ છે કે નહિ તે તપાસ કરવા માટે અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરનાર ભાજપ યુથ મીડિયાના ઇન-ચાર્જ રજનીશ સિંહ હતા. લખનઉની બેચ સામે તેમણે કોર્ટમાં રજૂઆત કરી કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની મદદથી તાજમહેલના વર્ષોથી બંધ રહેલા ઓરડાઓ ખોલવામાં આવે અને બંધ દરવાજા પાછળ શું રહેલું છે તે પ્રજાને બતાવવામાં આવે. પિટિશન કરનારે વધુમાં એવું પણ કહ્યું જે વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ. તાજમહેલ હકીકતમાં ‘તેજો મહાલય હતું.’ તે માણસે સરકારને વિનંતી કરી કે એક ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટીનું ગઠન કરવામાં આવે અને તે તાજમહેલનો સાચો ઈતિહાસ દેશ સમક્ષ મૂકે.
વાત આટલેથી અટકી નહિ. જયપુર-રાજસ્થાનનાં ભાજપનાં જ નેતા દિવ્યાકુમારીએ બુધવારે કહ્યું કે જે જમીન પર તાજમહેલનું બાંધકામ થયું છે તે જમીન મૂળે તો જયપુરના રજવાડી ખાનદાનની હતી. તેમણે તો જરૂર પડ્યે કોર્ટમાં દસ્તાવેજો બતાવવાની પણ તૈયારી બતાવી. કોર્ટે ઝાટકણી કાઢીને બધું ખારીજ કર્યું. પિટિશન કરનારે અમુક પુસ્તકો અને ભૂતકાળના અમુક બનાવોની સાથે બહુ દલીલો કરી, પણ તાજમહેલના રૂમ ન ખૂલ્યા. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહી દીધું કે તાજમહેલના બાવીસ રૂમ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. સવાલ એ થાય છે કે તાજમહેલ હિંદુ સ્થાન છે તે અફવા ઊઠી ક્યારે?
પી. એન. ઓક નામના એક ઇતિહાસકાર અને લેખકે વર્ષો પહેલાં તાજમહેલ પર એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિરાઈટિંગ ઇન્ડિયન હિસ્ટરી નામની સંસ્થાની સ્થાપના પણ કરી છે. ઈ. સ. ૧૯૮૯માં તાજમહેલ પર તેમણે બહાર પાડેલી બુકનું શીર્ષક છે - ‘તાજ મહાલ: ધ ટ્રુ સ્ટોરી’. પી. એન. ઓકે તેના પુસ્તકમાં દલીલ કરી છે તાજમહેલ ચોથી સદી જેટલો જૂનો છે અને ત્યારથી તે શિવ મંદિર હતું. આખા તાજમહેલનાં મૂળિયાં હિંદુ ધર્મનાં છે એવું તેમનું કહેવાનું છે. આ પુસ્તકના જોર પર જ ૨૦૧૭માં ભાજપના રાજ્યસભાના સભ્ય વિનય કટિયારે તાજમહેલને તેજો મહાલય નામનું શિવ મંદિર કહ્યું હતું. પી. એન. ઓક ફક્ત પુસ્તક લખીને બેસી ગયા નહોતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ યાચિકાને દર્જ કરાવી હતી. કોર્ટે તે સમયે પણ ઓકસાહેબનું અપમાન કરીને પિટિશનને નામંજૂર કરી દીધી હતી.
પી. એન. ઓકની ઈચ્છા છે કે સાચો ઈતિહાસ લોકો સમક્ષ આવે. ૧૯૭૬માં તેમણે લખનઉના મકબરાઓ વિષે લખ્યું હતું. ૧૯૯૬માં દિલ્હીનો લાલ કિલ્લો હિંદુ સ્થાપત્ય છે એવું પણ તેમણે કહ્યું અને લખ્યું. આ બધા દાવાઓ માટે તે યોગ્ય દલીલો પણ આપે જ છે. તે જ વર્ષે ‘ઇસ્લામિક હેવોક ઇન ઇન્ડિયન હિસ્ટરી’ એવું પુસ્તક પણ બહાર પાડ્યું. મોહમ્મદ ઘોરીએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેજો મહાલયનો ધ્વંસ થઇ ગયો હતો. પછી ધીમે ધીમે તાજમહેલ બનતો ગયો અને તેનું સમારકામ થતું ગયું. પી. એન. ઓકે પણ તાજમહેલના બંધ દરવાજાઓ ખોલવાની માગણી કરી હતી. ૨૦૧૫ના આગ્રામાં પણ આ જ પ્રકરણની પિટિશન ફાઈલ થઇ હતી અને તાજમહેલ હિંદુ મંદિર છે એવું ઘોષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અત્યારે તો કોર્ટના અનુભવી ન્યાયાધીશોએ બધાને ખખડાવ્યા છે. આવી બાલીશ ચર્ચાઓ કરવાની ના પાડી છે. આપણે ત્યાં છેલ્લા થોડા સમયથી ભાષા અને રાષ્ટ્રભાષાનો વિવાદ ચાલે છે. તેના પછી તાજમહેલ હિંદુ છે કે ઇસ્લામિક તેના વિવાદો શરૂ થયા. ચિત્રવિચિત્ર જ નહિ, પણ ઊટપટાંગ હરકતોથી અમુક લોકો બાઝ નથી આવતા. તાજમહેલને આટલાં વર્ષો થયાં. તેની સુંદરતા આજે પણ અભિભૂત કરી દે છે અને ભવિષ્યમાં પણ પેઢી દર પેઢી તાજમહેલ બધાને અચંબિત કરતો રહેશે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસમાં સ્થાન આપ્યું છે. દુનિયાની સાતમી અજાયબીઓમાં એક એવી તાજમહેલની ગણતરી થાય છે. કેટલાય વિદેશીઓ ફક્ત તાજમહેલ જોવા માટે ભારત પધારે છે.
હવે આપણે તટસ્થતાથી વિચારીએ. દુનિયાના માનવ ઈતિહાસમાં જ્યારે જ્યારે જે ધર્મના લોકોએ જે તે પ્રદેશ આંચકી લીધો હોય તે ધર્મની અસર કળા, સંસ્કૃતિ, ભાષા અને સ્થાપત્યમાં જોવા મળે. મોગલો અને મુસ્લિમો આવ્યા એ પહેલાં ભારતમાં બહુધા લોકો હિંદુઓ હતા, બાકી જૈનો અને બૌદ્ધો હતા. મુસ્લિમો અહીંના વતની નથી. અશોકના સમયની આજુબાજુ ત્રણ હજાર વર્ષનો
પટ્ટો એવો છે જેમાં ફક્ત હિંદુઓએ જ ભારતવર્ષમાં વસવાટ કર્યો અને કોઈ મુસ્લિમો અહીં હતા નહિ. હવે બની શકે કે તાજમહેલની જમીન કોઈ હિંદુ રાજાની હોય. બની શકે કે ઇન્ડો-ઇસ્લામિક શૈલી ધરાવતા તાજમહેલનું બાંધકામ કોઈ રાજાએ કરાવ્યું હોય અને શહેનશાહે નહિ. ભારતનું ન્યાયતંત્ર શ્રદ્ધા પર નથી ચાલતું, પરંતુ પુરાવાઓ પર ચાલે છે. તો જો આટલાં વર્ષોથી તાજમહેલને લઈને કોઈ ને કોઈ શંકા ચાલતી હોય તો તેનો કાયમી નિવેડો લાવવા માટે ન્યાયપાલિકાએ પ્રયાસ કરવો જોઈએ. અમુક મંદિરના દરવાજાઓ પણ કોર્ટના ન્યાયહુકમ પછી ખોલવામાં આવ્યા છે તો પર્યટન સ્થળ એવા તાજમહેલના દરવાજા ખોલીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં ખોટું શું છે? વાત અહીં હિંદુ-મુસ્લિમની નથી, વાત અહીં સત્ય અને ન્યાયની છે.
દેશમાં ઓલરેડી ઘણી તકલીફો ચાલી રહી છે. ગરમી અને મોંઘવારી વધી રહી છે. કાશ્મીરનું ટૂરિઝમ બગડી રહ્યું છે. એવા સાયે તાજમહેલ માટે થઇને આ પ્રકારની બયાનબાજી હાસ્યાસ્પદ તો ઠરે જ છે, પણ સાથે સાથે દુ:ખ પણ થાય છે કે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાનું વચન આપનારા નેતાઓ સંસદમાં બેઠાં બેઠાં નવરા નખ્ખોદ વાળે એવું કેમ કરી રહ્યા છે? હજુ કોઈને પણ દાવો કે હક્ક જતાવવો હોય તો જતાવી દો. આ તાજમહેલ માણસમાત્રનો છે, ભારતીયનો છે, દેશવિદેશના સહેલાણીઓનો છે. મોન્યુમેન્ટને મોન્યુમેન્ટ રહેવા દઈએ, તેને હિંદુ કે મુસ્લિમ ન બનાવીએ.