ઘઉંની નિકાસ પર પ્રતિબંધ: ભાવ ઘટશે
મુંબઇ: ઘઉંના વૈશ્ર્વિક અગ્રણી નિકાસકાર દેશ રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધથી ઘઉંના વૈશ્ર્વિક ભાવમાં અંદાજે ૪૦ ટકાનો ઉછાળો આવતા ભારતમાંથી ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને નિકાસ વધતા સ્થાનિકમાં ઘઉંના ભાવ વધી આવતા બલ્ક વપરાશકારો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને ઘઉંની નિકાસ પર તાત્કાલિક ધોરણે અમલી બને તેમ પ્રતિબંધ મૂક્યો છે અને તેને લીધે ઘઉંના ભાવમાં એકાદ અઠવાડિયામાં ઘટાડો થવાની આશા છે.
જોકે અન્ય દેશોની અરજીને ધ્યાનમાં લઈ પાછી ન ખેંચી શકાય તેવી એલસી અર્થાત્ લેટર ઓફ ક્રેડિટ સાથે સરકાર ઘઉંની નિકાસ મંજૂર કરશે એમ નોટિફિકેશનમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અત્યાર સુધીમાં ઘઉંના વૈશ્ર્વિક ભાવ ૪૦ ટકા જેટલા વધી આવતા દેશની ઘઉંની નિકાસ પણ વધી હતી અને સ્થાનિક બજારોમાં પણ ભાવ વધી આવતા ફ્લોર મિલો સહિત બલ્ક વપરાશકારોની ચિંતામાં વધારો થતાં તેઓ તરફથી નિકાસ પ્રતિબંધ અંગે સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર આ વર્ષે પંજાબ અને હરિયાણામાં ઘઉંની ઉપજ ઓછી રહેતા દેશમાં ઘઉંનું ઉત્પાદન પણ ગત સાલ કરતા ઓછું રહે તેમ હોવાથી ભાવવધારો તીવ્ર બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારતે તાત્કાલિક ધોરણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ નોટિફિકેશન જાહેર કર્યાની તારીખ પૂર્વે જે લેટર ઑફ ક્રેડિટ (એલસી) જારી કરવામાં આવી છે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. વધુમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આી છે કે જે દેશોને ફૂડ સિક્યોરિટી માટે ઘઉંની આવશ્યકતા હશે અને જો તે દેશની સરકાર અરજી કરશે તો સરકાર તે દેશમાં નિકાસ માટે મંજૂરી આપશે.
વર્ષ ૨૦૨૧-૨૨માં વૈશ્ર્વિક સ્તરે માગમાં થયેલા વધારાને પગલે ભારતની ઘઉંની નિકાસ વધીને ૭૦ લાખ ટન થઈ ગઈ છે, જેનું કુલ મૂલ્ય ૨૦૫ કરોડ ડૉલર જેટલું છે.
ડીજીએફટીએ આપેલી માહિતી મુજબ ઘઉંની કુલ નિકાસમાંથી પચાસ ટકા બંગલાદેશને કરવામાં આવી હતી.
ભારતે ગયા વરસે ૧,૩૦,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરી હોવાની સરખામણીએ આ વરસના એ જ સમયગાળામાં ૯,૬૩,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરી હતી.
દરમિયાન, ઘઉંની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને મામલે કૉંગ્રેસે શનિવારે એમ કહીને સરકાર પર પ્રહાર કર્યા હતા કે આ ખેડૂતવિરોધી પગલું છે કેમ કે આ બાબત ખેડૂતોને ઘઉંનાં ઊંચા દામ મેળવવાના લાભથી વંચિત રાખે છે.
સત્તાવાર બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ સ્થાનિક સ્તરે ઘઉંના વધી રહેલા ભાવને અંકુશમાં લેવાનાં પગલાંનાં ભાગરૂપ ભારતે ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
