શું કરવું જ્યારે તમારામાં અને પાર્ટનરમાં કોઈ સમાનતા ન હોય?

સંબંધોનાં સમીકરણ - દીપાલી સૈયા
વિજ્ઞાન અને ફિલોસોફીનું માનીએ તો ‘ઓપોઝિટ એટ્રેક્સ’. આ વાત આપણને સદીઓથી જણાવવામાં આવી રહી છે, પરંતુ જરા વિચારો કે આપ જે વ્યક્તિ સાથે રહો છો તેની એકપણ વાત સાથે તમારી પસંદનો મેળ બેસતો જ નથી તો આવા સંજોગોમાં જીવન કેટલું મુશ્કેલ બની જતું હોય છે. હાલના સંજોગોમાં અનેકના જીવનમાં આ પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે તેનો સચોટ જવાબ શોધવાનો એક પ્રયાસ અહીં કર્યો છે, જે તમારા જીવનને આસાન બનાવી દેશે.
જો તમે બંને અલગ અલગ પ્રકારના સ્વભાવની વ્યક્તિ છો તો જાહેર છે કે તમારી નબળાઈ કે તમારી સારી બાજુ પણ અલગ અલગ જ હશે. તમારે તેનો ફાયદો લેવો જોઈએ. આમ કરવાથી તમારી જીવન નૈયા સારી ચાલવા લાગશે.
વાતચીત કરવી એ કોઈ પણ સંબંધની મજબૂતાઈનું મૂળ છે. જો તમે ઈચ્છતા હોવ કે અલગ અલગ વિચાર કે પસંદ-નાપસંદ છતાં તમારો સંબંધ ટકે તો વાતચીતનો દરવાજો સદાય ખુલ્લો રાખો. એકબીજાની વાતથી તમે સહમત હોવ કે સહમત ન હોવ તેમ છતાં એકબીજાની વાત કે વિચારોને સાંભળી લો.
એવું પણ કહેવાય છે કે એકબીજાની સાથેના સંબંધ સુમધુર બનાવવા હોય તો એકબીજાને સ્પેસ આપવી જોઈએ. બંનેનાં વિચાર તથા રુચિ અલગ હોવાને કારણે એકબીજાને પૂરતો સમય સ્વ માટે જીવવાને આપવો જોઈએ. એકબીજાની ઉપર પોતાના વિચારો થોપવાની કોશિશ ક્યારેય ન કરવી. આઝાદીનો અનુભવ કરવો.
કોઈ પણ સંબંધમાં થોડા સમય બાદ યુગલ સ્વ માટે સમયની ખોજ જ કરતું હોય છે, જેમાં તે કોઈની પણ દખલ વગર મનગમતું કામ કરી શકે. તમારા સંબંધમાં એકબીજાની આઝાદી ઉપર કોઈ એકનો અંકુશ નહીં હોય તો તમારો સંબંધ તગડો હશે.
લગભગ પ્રત્યેક વ્યક્તિ કેટલાંક વર્ષો બાદ એક પ્રકારનું સુવિધાપૂર્ણ જીવન જીવવાની ટેવ પાડી દેતી હોય છે. તેને તેમાંથી બહાર નીકળીને જીવવું પસંદ નથી. નવી વ્યક્તિ કે નવા શોખને કેળવવો તેમને પસંદ નથી. મનોમન ખચકાટનો અનુભવ થવા લાગે છે. તમારા વિચારોથી વિરોધી વિચાર ધરાવતો પાર્ટનર હોય તો તમે નવું નવું શીખીને, નવા લોકોને મળવાનું વધુ પસંદ કરવા લાગો છો. આમ આપોઆપ જીવનમાં નાવીન્ય આવે છે, જે બંનેએ રચેલા એક સંસારને આગળ વધારવામાં મદદ કરે છે.
સંબંધોમાં કડવાહટ લાવતી એક ચીજ છે પ્રતિસ્પર્ધા. મોટા ભાગનાં યુગલો પોતાને બીજાથી વધુ હોશિયાર કે સફળ સાબિત કરવાની દોડમાં સંબંધોમાં ધીમે ધીમે કડવાશ ભરી દેતાં હોય છે. બંનેએ એકબીજાના વિચારોનું સન્માન કરવું જોઈએ. હું તારાથી વધુ ચોક્કસ કે હોશિયાર છું તેવું સાબિત કરવાને બદલે તમારા નાનકડા સંસારને વધુ પ્રેમરૂપી ઈંધણથી પ્રગટાવીને ચોક્કસ અજવાળું મેળવી શકાશે તેવા સકારાત્મક વિચારો જીવનમાં વાવો. જીવનરૂપી ગાડી વેગે ચાલવા લાગશે. અનેક વખત યુગલને એવું કહેતાં સાંભળીએ છીએ કે હું તને છોડીને, બધું જ બરબાદ કરીને ચાલી જઈશ. આવી વાતો કોઈની ચઢવણીને કારણે જ થતી જોવા મળે છે જે તેમના જીવનમાં મીઠું ઝેર ફેલાવવા માગતી હોય છે. બંનેનો સારો ચાલતો સંસાર તો તેઓ પળભરમાં બરબાદ કરી દેશે, પરંતુ સમાજમાં પોતાનાં વહાલસોયાં માતા-પિતાનું પાછલું જીવન કેવું બરબાદ થઈ જશે તેનો વિચાર તેમણે કર્યો હોતો નથી.
માન્યું કે સંસારનો કોઈ પણ સંબંધ એવો નહીં હોય કે જેમાં થોડી મશ્કરી, થોડો પ્રેમ, થોડો ઝઘડો કે થોડી ઈર્ષા ન હોય. પ્રત્યેક સામાન્ય માનવી માટે ઉપરોક્ત વાતો સહજ જીવનમાં વણાઈ જતી હોય છે. કહેવાય છે કે સારા સંબંધોની ઓળખ એકબીજાની સાથે હળવી નોંક-ઝોંક ચાલતી રહે તે ગણાય છે. કલ્પના કરો કે તમને એક એવી વ્યક્તિ સાથે છોડી દેવામાં આવે જેનાં વિચારો, આદતો, બોલવાની ટેવ વગેરે એકસમાન જ હોય તો જીવન કેટલું નીરસ બની જશે, આથી જ અલગ વિચારો ધરાવતી વ્યક્તિ તમારા જીવનમાં આવી હોય તો ચોક્કસ એવું માનજો કે તમે ખૂબ ભાગ્યશાળી છો. એકબીજાની વાતોને ખોટી સાબિત કરવાની કે હટકે વિચારવાની તમારી પાસે આઝાદી છે. તમારા વિચારો મજબૂત બનશે. વાતચીત પણ રસપ્રદ રહેશે. હવે આ વાતનો એવો તો મતલબ ન કરવો જોઈએ કે નાની નાની વાતમાં તમારા પાર્ટનરની આલોચના કરવી. અન્ય સામે તેમને ઉતારી પાડવા. પાર્ટનરની સાચી વાત સાથે સહમત થતાં પણ શીખવું જોઈએ. ક્યારેક પસંદ ન પણ હોય તેમ છતાં તેની વાતમાં હા કહેવી પણ પડે તો કહી દેવી. બંને વચ્ચે સંબંધોમાં મધુરતા આવશે. વળી કોરોના મહામારીએ આપણને શીખવી દીધું છે કે એકબીજાથી યોગ્ય અંતર રાખવું સ્વ માટે સારું છે, જે સંબંધોમાં પણ ઉપયોગી છે. સંબંધોને મીઠાશથી ભરવા હોય તો એક મર્યાદાની રેખા પ્રત્યેક વ્યક્તિ સાથે રાખવી ડહાપણભર્યું છે. દૂરી રાખતી વ્યક્તિ કોરોનાના કેરથી બચી ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો આપણે જોયાં છે તો બીજી તરફ અંતરની મર્યાદા ભૂલનારી વ્યક્તિ મહામારીમાં સપડાઈ છે.
અનેક ઉપાયો છતાં એવું લાગે કે તમારા સંબંધોમાં પહેલાં જેવી મધુરતા હવે રહી નથી તો એક ક્ષણ થોભીને વિચારી લેજો કે સાથે રહેવાનો વાયદો લગ્ન વખતે કર્યો ત્યારે બંનેએ એકબીજામાં શું જોયું હતું? પ્રેમની ભાષા જ શ્રેષ્ઠ છે. તમારી વચ્ચેની પ્રેમભરી વાતોને યાદ કરીને સંબંધોમાં પાછી મધુરતા લાવવાનો એક પ્રયત્ન જરૂર કરજો, બસ થોડું જતું કરવાની ભાવના સાથે. તમારા સંબંધોમાં નવા વર્ષથી વસંતના ટહુકારા સંભળાવા લાગશે તેવી આશા રાખીએ છીએ.