મુંદરા બંદર પર ૧૦ ક્ધટેનરમાંથી પાકિસ્તાનના સૈન્યનો શસ્ત્ર-સરંજામ મળી આવ્યો: એજન્સીઓની તપાસ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દેશના ૭૩મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ કચ્છના અદાણી મુન્દ્રા બંદર પર અગાઉ મળેલી પૂર્વ બાતમીના આધારે અટકમાં લેવામાં આવેલા લોખંડનો ૨૦૦ ટન ભંગાર ભરેલા ક્ધટેનરોની હાથ ધરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાનના સૈન્ય દ્વારા વાપરવામાં આવતાં શસ્ત્ર-સરંજામનાં અવશેષો મળી આવતાં એનસીબી સાથે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સઘન તપાસમાં જોતરાઈ છે.આ પાકિસ્તાની ક્ધસાઇન્મેન્ટ સીધા ગંતવ્ય સ્થળ પર પહોંચવાને બદલે વાયા અખાતી દેશોમાંથી સરહદી કચ્છના મુંદરા બંદર પર ડ્રગ્સની જેમ ઘુસાડાતાં હોવાની એકસમાન મોડસ ઓપરેન્ડી સામે આવતાં એ દિશામાં પણ તપાસનો દોર
આરંભાયો છે.
જમ્મુના પુલવામા નજીક ભારતના સૈનિકો પર વિસ્ફોટકો ભરેલું વાહન અથડાવી કરવામાં આવેલા આતંકી હુમલા બાદ ભારતે નીતિવિષયક ફેરફારો કરી પાકિસ્તાનથી આવતા કાર્ગો પર ૨૦૦ ટકા જેટલી ડ્યૂટી લાદી દેતાં આયાતકારોએ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવી લેતાં પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવતાં હાલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઇ થઇ કાર્ગો મુંદરામાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. કસ્ટમનાં આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પાકિસ્તાની સૈન્યના શસ્ત્ર-સરંજામનાં અવશેષો ભંગારની સાથે વાયા દુબઇ થઇ મુંદરામાં ઘુસાડવાના નાપાક કારસાને નિષ્ફ્ળ બનાવ્યો હતો.
અમદાવાદની પેઢી દ્વારા મુંદરાસ્થિત હિન્દ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે દસ ક્ધટેનર ઘુસાડવામાં આવ્યાં હતાં, જેમાં વિવાદાસ્પદ કાર્ગો સાથે દોઢ કરોડની ડ્યૂટીચોરી સામે આવી છે. ક્ધટેનરોમાંથી મળી આવેલાં અવશેષો પર ‘પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેકટરી’ (પીઓએફ) અથવા પાકિસ્તાન લશ્કરની માલિકી દર્શાવતા નિશાન પણ મળી આવ્યાં છે.