‘વિસ્ટાડોમ કોચ’ની બોલબાલા: રેલવેએ કરી ૨.૩૮ કરોડની કમાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંકણ પ્રાંત સહિત નાશિક-પુણેના કુદરતી સૌંદર્યને ટ્રેનના કોચમાંથી જ જોવા-માણવા માટે વિસ્ટાડોમ કોચ લગાવ્યા પછી આ કોચમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો હતો. મધ્ય રેલવેમાં મુંબઈ અને ગોવા-પુણે વચ્ચેની જાણીતી જનશતાબ્દી તથા ડેક્કન એક્સપ્રેસ અને ડેક્કન ક્વીનના વિસ્ટાડોમ કોચમાં નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીએ પ્રવાસ કર્યો હતો. ઑક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૨૧ના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મુંબઈ-ગોવા વચ્ચેની સીએસએમટી-ગોવા જનશતાબ્દી, મુંબઈ-પુણે વચ્ચેની ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વીનના વિસ્ટાડોમ કોચમાં ૨૦,૪૦૦થી વધારે પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો. આ ત્રણ મહિના દરમિયાન કુલ ૨૦,૪૦૭ જેટલા પ્રવાસીના ટ્રાવેલ મારફત મધ્ય રેલવેએ કુલ ૨.૩૮ કરોડ રૂપિયાની આવક કરી હતી.
સીએસએમટી-મડગાંવ-સીએસએમટી જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી, જેમાં કુલ ૭,૭૫૪ જેટલા પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો. જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં ૧.૪૦ કરોડની આવક થઈ હતી, જ્યારે સીએસએમટી-પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસમાં ૯૦.૪૩ ટકા (૭,૧૮૫ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે ૫૦.૯૬ લાખની આવક) ઓક્યુપન્સી નોંધાઈ હતી. ડેક્કન ક્વીન એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં ૫,૪૬૮ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે ૪૬.૩૦ લાખની આવક થઈ હતી. ડેક્કન ક્વીનના વિસ્ટાડોમ કોચમાં પણ બંને દિશામાં ૯૪ ટકાથી વધારે ઓક્યપુન્સી રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. રેલવે ટ્રેકની આજુબાજુના કુદરતી સૌંદર્યને પ્રવાસીઓ જોઈ શકે તે ઉદ્દેશને લઈ વિદેશના માફક ભારતીય રેલવેએ ટ્રાન્સપરન્ટ કોચ બેસાડવાનું ચાલુ કર્યું હતું, જેમાં સૌથી પહેલી વખત ૨૦૧૮માં મુંબઈ-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ ચાલુ કરવામાં આવ્યો હતો.