કાર ખરીદવા ગયો ખેડૂત તો સેલ્સમેને ઉડાવી મજાક, પછી જે થયુ એ જોઇને બધા રહી ગયા દંગ

ઈંગ્લિશમાં એક કહેવત છે ને Don't judge book by it's cover એટલે કે વ્યક્તિના પહેરવેશ જોઈને નિર્ણાયક થવું યોગ્ય નથી. કર્ણાટકમાં બનેલી એક ઘટના પર આ કહેવત તદ્દન બંધ બેસે છે. વાત જાણે એમ છે કે કર્ણાટકમાં તુમકુરમાં એક ખેડૂત તેના મિત્ર સાથે કાર ખરીદવા શોરૂમમાં ગયો હતો. એ પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે ગયો હતો, પણ તેના કપડા જોઇને સેલ્સમેને તેની મજાક ઉડાવીને અપમાન કર્યું હતું. બસ પછી ખેડૂતે જે કરીને દેખાડ્યુ તેનાથી સેલ્સમેનની આંખ ફાટીને ફાટી રહી ગઇ.
રિપોર્ટ અનુસાર આ ઘટના ખેડૂત આર એલ કેમ્પેગૌડા સાથે બની હતી, જયારે તે તેના મિત્ર સાથે કાર ખરીદવા માટે શોરૂમમાં ગયો હતો. કેમ્પેગૌડાએ જયારે કારની પ્રાઇઝ અંગે પૂછપરછ કરી ત્યારે સેલ્સમેને તેના કપડા જોઇને મજાક ઉડાવી હતી. સેલ્સમેને ત્યા સુધી કહી નાખ્યુ કે દસ લાખની વાત જવા દે તારી પાસે દસ રૂપિયા પણ નહીં હોય. જો તું 30 મિનિટની અંદર દસ લાખ રૂપિયા લઇને આવીશ તો હું આજેને આજે કારની ડિલિવરી કરાવી દઇશ. એ પછી કેમ્પેગૌડા ઘરે ગયો અને અડધો કલાકની અંદર દસ લાખ રૂપિયા લાવીને સેલ્સમેનને ધરી દીધા. આ જોઇને સેલ્સમેન સહિત શોરૂમમાં ઉપસ્થિત તમામ સ્ટાફ દંગ રહી ગયો.
કેમ્પેગૌડા તો પૈસા લઇ આવ્યો પણ કારની ડિલિવરી એક દિવસમાં કરવાનુ શક્ય ન બન્યુ. એટલે કેમ્પેગૌડા અને તેના મિત્રો નારાજ થઇ ગયા. એમણે પોલીસને શોરૂમમાં બોલાવી અને કાર ન મળે ત્યાં સુધી બહાર જવાનો ઇનકાર કર્યો હતો. વિવાદ વધતા પોલીસે સેલ્સમેનને માફી માગવાનુ કહીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.