ઉત્તર પ્રદેશ ચૂંટણી: ૨૦૧૪ પછી પહેલી વાર એનડીએનો મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડશે
નવી દિલ્હી: ભાજપ સાથે ગઠબંધન ધરાવતી અપના દળ (સોનેલાલ) દ્વારા જાહેર કરાયેલી પહેલી ટિકિટ મુસ્લિમ ઉમેદવારને ફાળવવામાં આવી હતી. આ પક્ષે રામપુર જિલ્લાની સ્વાર બેઠકથી હૈદર અલી ખાનને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.
આ જાહેરાત ત્યારે આવી પડી છે, જ્યારે અનુપ્રિયા પટેલના અપના દળ અને સંજય નિષાદના પક્ષ સાથે ભાજપની બેઠકોની વહેંચણીની કોઇ જાહેરાત થઇ નથી.
હૈદર અલી ખાન રામપુરના શાહી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે અને તેમના દાદા ઝુલ્ફીકાર અલી ખાન રામપુરથી પાંચ વાર કૉંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. હૈદરના પિતા નવાબ કાઝિમ અલી ખાન ચાર વાર વિધાનસભ્ય રહી ચૂક્યા છે.
--------
યુપીમાં કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સોનિયા, રાહુલ ઉપરાંત મનમોહનસિંહ પણ હશે
નવી દિલ્હી: કૉંગ્રેસે તેના ચૂંટણીના પ્રથમ ચરણના પ્રચાર માટે સોમવારે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી,
જેમાં પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી,
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પક્ષમાં નવા
પ્રવેશેલા કનૈયા કુમાર ઉપરાંત કેટલાક
જી-૨૩ બ્રિગેડના નેતાઓ પણ છે
જેમણે પક્ષની કાર્યશૈલી અંગે પ્રશ્ર્નો
ઉઠાવ્યા હતા.
રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી સચીન પાઇલટ કે જેમણે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે ભૂતકાળમાં બળવો કર્યો હતો તેમનું નામ પણ આ
યાદીમાં છે.
આ ઉપરાંત, પ્રિયંકા ગાંધી વડેરા, અશોક ગેહલોત, ભૂપેન્દ્ર બઘેલનાં નામો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.