અદ્વિતીય આંદામાન: દરિયાના તળિયે ધરબાયેલી સુંદર જીવસૃષ્ટિ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
સ્પેસ વિષે કદાચ આપણે એટલું જરૂર જાણતા હોઈશુ જેટલું આપણે સમુદ્ર વિષે નથી જાણતા. આપણી ધરણી પર ૭૦% જેટલો ભાગ રોકનાર અફાટ મહાસાગર જેટલો બહાર સુંદર દેખાય છે એનાથી ક્યાંય વિશેષ સુંદર દુનિયા પોતાની ભીતર સમાવીને બેઠો છે. કેટ કેટલાંયે રહસ્યો દરિયાનાં તળિયે ધરબાયેલા હશે જેનાથી આપણે અજાણ જ હોઈશું. કુદરતનાં સાનિધ્યમાં જંગલો, નદીઓ-કોતરો, ઘાસનાં મેદાનો, પહાડો વગેરે ફર્યા પછી કુદરતની પાણી નીચે સમાયેલી સૃષ્ટિને જોવા - જાણવાની જિજ્ઞાસા પ્રવર્તે જ એમાં કોઈ શંકા નથી. કુદરતનાં વૈવિધ્યનાં કેફમાં રહેવાની જિજ્ઞાસા કહો કે સમુદ્રી વિશ્ર્વનું ખેંચાણ. મને ભારતનાં ખૂબસૂરત દ્વીપ સમૂહ આંદામાન સુધી ખેંચી લાવ્યું અને અહીંના વિશ્ર્વમાં ડૂબકી લગાવીને પણ હું એટલું ન સમજી શક્યો કે એવું કયું તત્ત્વ સમુદ્ર ધરાવે છે જે દરેક ઉંમરનાં જનો અને સચરાચરનાં દરેક જીવોનાં મન પર સતત રાજ કરવાનું સામર્થ્ય ધરાવે છે!
સરસ મજાનાં હિંચકા પર બેસીને અનિમેષ નજરે સમુદ્રનાં ધવલ મોજાંને મહાકાય શિલાઓ સાથે અથડાઈને પ્રકૃતિનું મધુર ગાન ગાતા જોઈ શકીએ તો સમય ભાન ભૂલીને તમારી સાથે સમય વિતાવવા બેસી જશે એવું ખરેખર અનુભવી શકાય. શુક્લ પક્ષનાં પખવાડિયામાં ધીમી ચાલે સૂરજ ઢળતા ઢળતા સમુદ્રનાં પટને સોનેરી ઓપ આપીને વિદાય લે, ડોલ્ફિન્સ મસ્તીનાં મૂડમાં આવીને સૂરજને દિવસની આખરી વિદાય આપવા ઊછળીને જાણે આકાશ આંબવા પ્રયત્ન કરે કે સૂરજ નજર સામેથી પાણીમાં ઓઝલ થઇ જાય. આકાશ આખું કેસરી ઝાંય રંગોથી રંગાઈ જાય ને સહેજ ઉગમણે નજર ફેરવો કે આછેરાં અંધારામાં ઓઝલ થયેલ પાણી પર કેસરી દીવાની જ્યોત સમો ચંદ્ર ક્ષિતિજ પર ધીરેકથી દૃષ્ટિગોચર થાય કે બધી જ કવિ કલ્પનાઓ વામણી લાગે. કિનારે સહેજ ગરમ અને મુલાયમ રેટીમમાં ઉઘાડા ડીલે ધરતીભેર પાડીને દરિયાને નિહાળવાની, એની સાથે ગોષ્ઠી માંડવાની આ જ સાચી રીત છે એવું હું મારા અનુભવ પરથી સ્પષ્ટપણે કહી શકું. આથમતા સૂરજે સતત સંઘર્ષમય જીવનમાં આવતા ઘડીભરનાં અંધારપટ તો એ કે તરફ ઊગતા ચંદ્રએ કોઈ પણ સમય કાયમી નથી, અંધારપટનો અંત છેલ્લે તો કોઈ ચમકતી રોશનીથી જ છે એવું એક જ સમયે સમજાવી જાય છે છે ને પ્રકૃતિ એક રસપ્રદ પાઠશાળા? ૧૭મી સદી પહેલા અહીં રહેતા જનો કદાચ પ્રકૃતિ સાથે તાલમેળ સાધીને આ રીતે જ રહેતા હશે એટલે કદાચ એમને આપણી કે આપણા આધુનિક વિશ્ર્વની જરૂરિયાત નહિ પડી હોય જે આજે પણ અહીંથી નજીક આવેલા નોર્થ સેન્ટિનલ ટાપુનાં આદિવાસી જનો જીવી જાણે છે અને ક્યારેય માનવ વિશ્ર્વને પોતાનાં વિશ્ર્વમાં ડોકિયું નથી કરવા દેતા.
બંગાળની ખાડીમાં આવેલા આંદામાનનાં દ્વીપ સમૂહોમાંના દરેક દ્વીપ સમગ્ર વિશ્વભરમાં એક આગવી ઓળખ ધરાવે છે અને અહીંની નૈસર્ગિક સુંદરતા કોઈ પણને અહીંના જ બનાવવા માટે સમર્થ છે. અહીં આવેલ એક શહીદ દ્વીપ અફાટ સુંદરતાની સાથે વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવે છે. એ વિશ્ર્વને જાણવાં માછલીઓ, પરવાળાઓ, કાચબાઓ, કરચલાઓ અને અન્ય જીવો સાથે મિત્રતા કેળવવી પડશે. દરિયાને ખરા અર્થમાં માણવો હોય તો એની ભીતર ઊતરવું પડે એ સિદ્ધાંતને લક્ષ્યમાં લઈને જ્યાં ઓછાં લોકો હોય એવા સ્થળ પર પહેલી પસંદગી ઉતારી. અહીં વિમાનમાર્ગે પોર્ટ બ્લેર આવી શકાય છે. પોર્ટ બ્લેર અહીંનું મુખ્ય મથક છે. અહીંથી અલગ અલગ ટાપુઓ પર ફેરી મારફતે જઈ શકાય છે તો વળી આંદામાનનાં જમીની વિસ્તાર સાથે જોડાયેલાં વિશ્ર્વમાં આંટો મારવા બસ કે ટૅક્સી મારફતે પણ જઈ શકાય.
પોર્ટ બ્લેરથી સીધો જ હું શહીદ દ્વીપ જવા નીકળ્યો. જેટી પર જ આવેલા ટિકિટ કાઉન્ટર પરથી શહીદ દ્વીપ જે અંગ્રેજોનાં શાસન સમયે નીલ આઇલેન્ડ તરીકે ઓળખાતો, પણ આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં માન સન્માન અર્થે ભારત સરકારે આ દ્વીપ સમૂહનું નામકરણ કર્યું. શહીદ દ્વીપ માત્ર સાત થી આઠ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો નાનકડો પણ કુદરતનાં આશિર્વાદથી ઉત્તમ નૈસર્ગિક સંપત્તિથી લદાયેલો દ્વીપ છે જ્યાં તમે ઈચ્છા પડે એટલો સમય વિતાવી શકો અને આ નૈસર્ગિક આનંદને પોતાનાં બદનની ચાળમાં ભરી શકો. અહીં વિવિધ રંગો અને આકારનાં સમુદ્રી જીવો, વૃક્ષો, ફળફળાદિનાં બગીચાઓ, સોપારીનાં ગગનચુંબી વૃક્ષો, દિવસે તમરાં ગુંજીને સતત તેમની હાજરી નોંધાવે એવા મહાકાય વૃક્ષો ધરાવતાં જંગલો, જંગલોમાં માનવ કેડીઓ અને કેડીઓ સીધી જ
મુલાયમ રેતીવાળા દરિયા કિનારે દોરી જાય જ્યાં ખુલ્લા પગે તમે કલાકો સુધી મહાલી શકો. કિનારે જ ચાર પાંચ મીટર સુધીની ઊંડાઈ હોવા છતાં તળિયું સ્પષ્ટ રીતે જોઈ શકો એટલું શુદ્ધ પાણી, પોતાનાં બાળકો સાથે ફરી એક વાર બાળક બનીને તમે અહીં રેતીનું ઘર બનાવી જુઓ, બાળકો સાથે દરિયાનાં આવન- જાવન કરતા મોજા સાથે પકડદાવ રમી જૂઓ, નર્યો આનંદ જ આનંદ માણી શકશો.
શહીદ દ્વીપની ખાસ વાત એ છે કે અહીં ઓછા લોકો અને ખૂબ જ શાંતિનો માહોલ મળી રહે છે. નાનકડાં ગામડાસમુ શહીદ દ્વીપ રામાયણનાં પાત્રો સાથે જોડાયેલું હશે એવું અહીંના સ્થળનાં નામોને જોતા કહી શકાય. પોર્ટ બ્લેરથી ફેરી મારફતે શહીદ દ્વીપ પહોંચી શકાય છે. અહીં પહોંચતા જ ભરતપુર બીચ દૃશ્યમાન થશે. આંખોને ગમે તેવા વાદળી રંગનું સ્વચ્છ પાણી રેતીને ભીંજવતું નજરે ચઢે અને લીલોતરી ધરાવતું મેનગ્રુવ્સ તથા આંદામાનના ગગનચુંબી વૃક્ષોનું જંગલ આંખોને શાતા આપે. અહીંના દરિયા કિનારાની ખાસ વાત એ જ છે કે અહીંના દરેક બીચ પર ખૂબ જ ગાઢ અને બારેમાસ લીલું રહેતું જંગલ હોય છે જે અહીંની નૈસર્ગિક સુંદરતામાં વધારો કરે છે. ભરતપુર બીચની આસપાસ નાના બાળકથી લઈને મોટેરા સુધી દરેક વ્યક્તિઓ પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરી શકે છે. અહીં અલગ અલગ પ્રકારના વોટર સ્પોર્ટ્સ, અલગ અલગ કૅફે અને રેસ્ટૉરેન્ટ્સ, ગ્લાસબોટ જેવી પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. દરિયાને ભીતરથી જાણવો હોય તો એના ઊંડાણ સુધી જવું પડે. અહીં વિવિધ ડાઇવ રિસોર્ટ્સ આવેલા છે જ્યાં વિવિધ સ્કૂબા ડાઇવિંગની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. છેક ૧૫ મીટર સુધીની ઊંડાઇએ આવેલ રીફ સુધી મરીનલાઈફને જોવા માટે સ્કૂબા થકી જઈ શકાય. અહીં સ્કૂબા એક્સપર્ટ્સ નાનકડી ટ્રેનિંગ પછી સહેલાઈથી તમને છેક દરિયાનાં તળિયે આવેલી રીફ સુધી લઇ જાય છે જ્યાં વિવિધ પ્રકારની કોરલ, મરીન ટર્ટલ્સ, રંગબેરંગી માછલીઓનો સમૂહ, સી સ્નેક તો વળી દરિયાઈ જીવસૃષ્ટિની અજાયબ દુનિયામાં જાણે તમે ટહેલવા નીકળ્યા હોય એ રીતે લટાર મારી શકો.
અહીં સામાન્ય રીતે ટાઈમઝોન થાઈલેન્ડના સમય આસપાસ ચાલે છે એટલે સવારે પાંચ વાગતા જ સૂર્યોદય થઇ જાય અને ધરણી સંપૂર્ણ રીતે સોનેરી રંગથી રંગાઈ જાય છે. સૂર્યોદય માટે અહીં નજીકમાં જ કાળા પથ્થર બીચ આવેલો છે, જ્યાં સમુદ્રમાંથી ક્ષિતિજ પર આવતા સૂરજને નિહાળી શકાય. એ જ રીતે સૂર્યાસ્ત પણ સાંજનાં ૫ વાગતા જ થઇ જાય છે એટલે લક્ષ્મણપુર ૧ બીચ પર સૂરજને અસ્ત થતો જોવો એક લહાવો છે. સફેદ રેતી ધરાવતા દરિયા કિનારે અસંખ્ય શંખલાઓ ધીમી ચાલે ચાલતા નજરે ચઢશે. અહીં એક તરફ સુરજ અસ્ત થતો હોય તો બીજી તરફ ચંદ્રોદય માણી શકાય. સૂર્યાસ્ત પહેલા લક્ષ્મણપુર -૨ બીચ પર ટહેલવા માટે જઈ શકાય જ્યાં વિવિધ પરવાળાઓ, રંગબેરંગી માછલીઓ, કરચલાંઓ વગેરે કિનારા પર જ રહી ગયેલા પાણીમાં જોવા મળશે. અહીં વિશાળ શિલા છે અને એના પર કુદરતી રીતે વૃક્ષો અને વનરાજી છવાઈને નેચરલ બ્રીજનું નિર્માણ થયેલું છે. આ શિલાને મહાસાગરના મોજાઓ અથડાય ત્યારે અનેરું સંગીત સર્જાય છે જે મહાસાગરની ભીષણતમ પ્રકૃતિનો પરિચય કરાવે છે. અહીં મશરૂમ કોરલ, બ્રેઈન કોરલ, હર્મન ક્રેબ વેગેરે સરળતાથી જોવા મળી જાય છે.
લક્ષ્મણપુર સિવાય મને જે બીચ સહુથી વધારે ગમ્યો એ સીતાપુર બીચ છે. લાઈફ ઑફ પાઈ ફિલ્મમાં એક આઇલેન્ડ દર્શાવવામાં આવે છે અદ્દલ એ જ પ્રકારનો બીચ એટલે સીતાનગર જ્યાં પહોંચતા જ તમને તમે ખરેખર કોઈ ટાપુ પર આવી ગયા છો એવો સ્પષ્ટ અનુભવ થયા વિના ન રહે. વિશાળ ગગનચુંબી વૃક્ષોથી ઘેરાયેલું ગાઢ જંગલ અને એમાં એક માનવકેડી જેના પર સૂકા પાંદડાઓને પોતાનું આધિપત્ય જમાવેલું હોય એના પાર ચાલીને અંતે એક નાનકડાં બે વૃક્ષો વચ્ચેના કુદરતી દરવાજાને ઓળંગો કે વિશાળ મહાસાગર દસ્તક દેતો જણાય, જરાક આગળ વધો કે પોસ્ટ કાર્ડ સમો એકદમ વાદળી અને આછેરા લીલા રંગનો મહાસાગર તમારા પગ સુધી આવીને સ્પર્શીને જાય અને ફરી આવે. અહીં કોઈ પણ શિલા પર બેસો કે મહાસાગરને તમે તમારી અંદર ઘૂઘવતો અનુભવી જ શકો!
સીતાપુરમાં વિતાવેલો સમય જો હું કાયમ માટે સાચવી શકુ તો હું એ સમય હંમેશા સાચવીને ફરી ને ફરી માણવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ જ. (ક્રમશ:)
--