કાશ્મીરી પંડિતની હત્યા કરનારા બે આતંકવાદી ઠાર

શ્રીનગર: તાજેતરમાં જ ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં પ્રવેશેલા લશ્કરે તૈયબાના બે આતંકવાદી શુક્રવારે સુરક્ષા દળ દ્વારા એક અથડામણમાં ઠાર મારવામાં આવ્યા હતા. કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા માટે આ બે ત્રાસવાદી જવાબદાર હોવાનું સુરક્ષા દળોએ કહ્યું હતું.
આતંકવાદીઓની હાજરી અંગે મળેલી બાતમીને પગલે સુરક્ષા દળે ઉત્તર કાશ્મીરના બાંદીપોરાસ્થિત અરાગામ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.
સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળના જવાનો પર કરેલા ગોળીબારના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં બે આતંકવાદી ઠાર મરાયા હોવાનું તેમણે કહ્યું હતું.
ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી હોવાનું જણાવતાં આઈજીપી (કાશ્મીર) વિજયકુમારે કહ્યું હતું કે બંને પાકિસ્તાની હોવા ઉપરાંત આતંકવાદી જૂથ લશ્કરે તૈયબાના સભ્ય હતા.
તાજેતરમાં જ તેઓ ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. બુધવારે સાલિન્દર જંગલ વિસ્તારમાં થયેલા ઍન્કાઉન્ટર દરમિયાન આ બંને ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યા હતા.
શુક્રવારે આ બંને આતંકવાદીને બાંદીપોરાના બ્રાર વિસ્તારમાં ઘેરી લઈ ઠાર મારવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)