અર્થતંત્રના સુધારા અને વિકાસ માટે બજેટમાં આ પગલાં અનિવાર્ય બનશે
નાણાપ્રધાન આ વખતના બજેટમાં કેવાં પગલાં લેશે તેની આશા-અપેક્ષા, ધારણાનો અંત નજીક આવી ગયો છે ત્યારે અત્યાર સુધી બહાર આવતા રહેલા સંકેતોને આધારે બજેટમાં કેવી જાહેરાતો, રાહતો, પ્રોત્સાહનોની જોગવાઈઓ આવી શકે તેની ઝલક જોઈએ

કવરસ્ટોરી - જયેશ ચિતલિયા
સરકારે બહાર પાડેલા આંકડાઓ પરથી જણાય છે કે દેશનું અર્થતંત્ર પુન: મહામારી પૂર્વેના સ્તરે આવી ગયું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા પૂર્વ અંદાજો અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨માં જીડીપી ૯.૨ ટકાના દરે વધવાનો છે. આનો અર્થ એ થાય કે નાણાકીય વર્ષ ૨૦૨૨ના અંતે જીડીપીનો સ્તર નાણાકીય વર્ષ ૨૦૨૦ અંતે જે હતો તેટલો રહેશે. કોરોના વાઈરસનાં નવાં રૂપોના પ્રસાર, સ્થાનિક વપરાશમાં વૃદ્ધિનો અભાવ અને માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) ક્ષેત્રે પ્રવર્તતી તાણ અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણમાં વૃદ્ધિનો અભાવ, વગેરે સમસ્યાઓ વિકરાળ બની છે, આથી નાણાપ્રધાને કેન્દ્રના ૨૦૨૨-૨૩ના બજેટમાં ઘણે મોરચે જોગવાઈ કરવી પડશે. મૂડીખર્ચમાં વધારો, નીચી આવકવાળા વર્ગને રાહતો, જેથી માગ સંબંધિત પડકારોને પહોંચી વળી શકાય અને એમએસએમઈ અને બિનસંગઠિત ક્ષેત્રને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરી ટેકો પૂરો પાડવો પડશે.
આ સમીક્ષા પરથી એટલું ફલિત થાય છે કે આગામી બજેટમાં નીચે પ્રમાણેનાં પગલાં લેવામાં આવી શકે છે. આપણે આવાં કેટલાંક મહત્ત્વનાં સંભવિત પગલાંની ઝલક જોઈએ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર-આરોગ્ય સેક્ટરને બૂસ્ટ
સરકારે રોડ બાંધકામ, રેલવે, પાવર, આવાસ નિર્માણ, શહેરી પરિવહન અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ સમાવિષ્ટ માળખાકીય ક્ષેત્રોમાં મૂડીખર્ચ વધારવો પડશે, જેથી રોજગારી સર્જન થાય અને ભવિષ્યમાં ઉત્પાદનની વૃદ્ધિ માટેનો પાયો તૈયાર થાય. માર્ગ બાંધકામ ક્ષેત્રે કરેલું મૂડીરોકાણ ત્વરિત ફળે છે, એટલે એમાં મોટી ફાળવણી કરવામાં આવશે. મહામારીને કારણે આરોગ્યના ખર્ચમાં વધારો થયો છે, જેની ગંભીર અસર નીચી આવકવાળા લોકોને થઈ છે. બીજી બાજુ આવક ઘટી ગઈ છે. આ વર્ગના લોકોને ટેકો પૂરો પાડવામાં આવે તે અતિ આવશ્યક છે. સરકાર મનરેગા માટે અધિક ફાળવણી કરી લોકોને મદદ કરી શકે છે. એમએસએમઈને વધુ એક વર્ષ માટે ગેરન્ટી સહિતનું ધિરાણ પૂરું પાડવા માટે જોગવાઈ કરવાનું ચાલુ રાખવું જોઈશે.
ગરીબોને સહાય-રાહત
આ ઉપરાંત ગરીબી રેખાની નીચેના વર્ગ માટે રોકડ સહાય અને અન્નસલામતી પૂરી
પાડવાની જોગવાઈ આ બજેટમાં હોવી જોઈશે. જનધન, આધાર અને મોબાઈલ (જેએએમ) દ્વારા સરકાર આવા પરિવારોને સીધી સહાય કરી શકે છે. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) હેઠળ મહામારીના અસરગ્રસ્તોને નિ:શુલ્ક રેશન પૂરું પાડવાનું હજી એક વર્ષ ચાલુ રાખવુ જોઈએ.
રોજગાર સર્જન પર ભાર
સરકાર વધુ રોજગારી સર્જતાં ક્ષેત્રો અને મોટા પાયે જેનો વપરાશ થાય છે એવાં ક્ષેત્રો પરના જીએસટીને ઘટાડીને માગને વધારી શકે છે. ચીજવસ્તુઓની વધતી કિંમતો અને પુરવઠાની તંગી ફુગાવાનું દબાણ વધારી રહી છે. બાંધકામ માટેની સામગ્રી જેવી કે સિમેન્ટ, આરસ અને ગ્રેનાઈટ પરનો જીએસટીનો દર ઘટાડવો જોઈએ. એનાથી વપરાશ અને માગ વધશે. જીએસટીના દરોમાં ફેરફાર કરવાનો વિષય બજેટનો નથી તેમ છતાં આવાં પગલાં માટે ફાળવણી કરવા અંગે જીએસટી કાઉન્સિલમાં સર્વસંમતિ સાધી શકાય. હોમ લોનના વ્યાજમાં રાહત, એફોર્ડેબલ હાઉસિંગના બાંધકામના નફા પરના ટેક્સ હોલિડેને લંબાવી, ભાડાની આવકમાં વધુ રાહતો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ ભંડોળ ફાળવીને આ ક્ષેત્રને વેગવાન બનાવી રોજગાર વધારી શકાશે. આમ કરવાથી બાંધકામની સામગ્રીની માગ પણ વધશે.
વર્ક ફ્રોમ હોમને રાહત આપો
કોવિડ-૧૯ની મહામારીને પગલે કંપનીઓએ સફળતાપૂર્વક વર્ક ફ્રોમ હોમ (ડબ્લ્યુએફએચ) મોડેલનો તેમના કર્મચારીઓને ઉત્તેજન આપીને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. કર્મચારીઓના કામના ભાવિ પર વિચારણા કરીએ તો એવું ચિત્ર ઊભરે છે કે કંપનીઓ હાઈબ્રીડ મોડેલ તરફ ગતિ કરી રહી છે. કંપનીઓ એવાં કામોને અલગ પાડી રહી છે જે ગમે તે સ્થળેથી કરી શકાય. ઘરેથી કે ક્લાયન્ટના સ્થળેથી કર્મચારીઓ પાસેથી કામ કરવાનું ચલણ વધી રહ્યું છે. આમાં કર્મચારીઓને કામ કરવા માટે સ્થળની પસંદગી કરવાનો લાભ મળે છે અને કામના સ્થળે પહોંચવાના સમય અને ખર્ચમાં બચત થાય છે. જોકે આ લાભ સાથે કર્મચારીએ ખર્ચની દૃષ્ટિએ જોઈએ તો તેની ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપરાંત મોબાઈલ કે ટેલિફોનનો અધિક ખર્ચ કરવો પડે છે. ઘરના એકથી અધિક સભ્યોને ઘરેથી કામ કરવાનું હોય, બાળકોને ઓનલાઈન ક્લાસીસ ભરવાના હોય છે. એટલે ઘરમાં ઓફિસ જેવું વાતાવરણ નિર્માણ કરવા માટે ફર્નિચર તેમ જ કોમ્પ્યુટર અને તેને સંબંધિત પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું પડે છે. આ બધું ધ્યાનમાં રાખીને સરકારે બજેટમાં આવા ચોક્કસ ખર્ચને કરપાત્ર રકમમાંથી બાદ આપવો જોઈએ. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરીને પણ આ લાભ પગારદારોને આપી શકાય.
એસઈઝેડ્સને રાહત-સુવિધા આપો
અંદાજપત્રમાં સરકાર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ) સંબંધિત નવો ધારો લાવે એવી સંભાવના છે, જેમાં એસઈઝેડ સ્થાનિક બજારમાં નીચી જકાતે પોતાના માલનું વેચાણ કરી શકશે, જેનાથી ખોટ કરતા એસઈઝેડ એકમોને રાહત થશે. દેશના અનેક એસઈઝેડમાં કરોડોના મૂલ્યની વિશાળ જગ્યાઓ ખાલી પડી છે. તેને છૂટી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરકાર એસઈઝેડ યુનિટ્સ માટે વિદેશી હૂંડિયામણ સંબંધિત જોગવાઈ રદ કરશે અને તેને સ્થાને સંશોધન અને વિકાસ સંબંધિત મૂડીરોકાણ, નાવીન્ય અને રોજગારી સર્જન અંગેની ભૂમિકા દાખલ કરે એવું બની શકે. વિવાદોના ઝડપી ઉકેલ માટે આર્બિટ્રેશન, ટેક્સ હોલિડેની જોગવાઈનો વિસ્તાર, પ્રક્રિયાઓનું સરળીકરણ, સર્વિસીસ સેક્ટરને વેરારાહતો આપવી જોઈએ.
મહામારીથી અસરગ્રસ્ત સેક્ટર્સને રાહત
મહામારીના મારની સૌથી અધિક અસર થઈ છે એ વેપાર, હોટેલ્સ, પરિવહન અને સંદેશવ્યવહાર ક્ષેત્ર માટે બજેટમાં ખાસ રાહતો હશે એમ લાગે છે. જો ઉપર જણાવ્યા પ્રમાણેની અપેક્ષા મુજબ ફાળવણીઓ બજેટમાં કરવામાં આવશે તો કૃષિ સંબંધિત ક્ષેત્રો, ઈન્ફ્રા અને કંસ્ટ્રક્શન, કેપિટલ ગુડ્સ, હાઉસિંગ ફાઈનાન્સ, રિટેલ, હોસ્પિટાલિટી, ટેક્સટાઈલ્સ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બહુ સારી કામગીરી કરશે.
પગારદાર વર્ગને વિશેષ રાહતની અપેક્ષા
બજેટમાં નાણાપ્રધાન દેશમાં મૂડીખર્ચના ચક્રને ફરતું કરવાની સાથે નાણાકીય ખાધ અને ઋણ ઘટાડવા માટેનાં પગલાંની રૂપરેખા રજૂ કરશે એવી અપેક્ષા છે ત્યારે અર્થશાસ્ત્રીઓને એવી આશા છે કે મૂડીખર્ચ અને આરોગ્ય યોજનાઓ માટે વધુ જોગવાઈ કરાશે. વેરાના કાનૂની વિવાદોમાં ઘટાડો થાય અને નિયમપાલન વધે એવાં પગલાંની સંભાવના પણ વધુ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની શક્યતા છે. હોમ લોન પરના વ્યાજ અને મૂળ રકમની ચુકવણીની વર્તમાન મર્યાદા અનુક્રમે બે લાખ અને અને દોઢ લાખ રૂપિયા છે, તેમાં રૂ. ૫૦,૦૦૦ સુધીનો વધારો કરવો જોઈએ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડની વર્તમાન રૂ. ૧,૫૦,૦૦૦ની મર્યાદામાં વધારો કરવામાં આવશે, ગયા વર્ષે આ મર્યાદાને યથાવત્ રાખવામાં આવી હતી. ખાસ તો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહતની આશા છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારાની શક્યતા
સરકાર તેના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટને સારી રીતે ટેકો પૂરો પાડી શકશે. સરકારે તેને લોન્ચ કર્યો છે. તેમાં રૂ. ૧૧૧ લાખ કરોડના ૭,૩૦૦ પ્રોજેક્ટ્સ ૨૦૨૦-૨૫ દરમિયાન પૂરા કરવાનો લક્ષ્યાંક છે. આ માટે વર્ષે ૨૦ લાખ કરોડથી અધિકનો ખર્ચ કરવાની આવશ્યકતા રહેશે, આથી એ જોવાનું રહે છે કે સરકાર અતિરિક્ત નાણાં કઈ રીતે એકત્ર કરે છે. કર સહિતની આવક આગલાં વર્ષોની તુલનામાં ક્યાંય વધુ છે, જ્યારે ખર્ચ ઓછો છે એટલે ખાધ અંદાજ કરતાં ક્યાંય નીચી રહી છે. આના કારણે સરકાર વિકાસ માટે જરૂરી પગલાં ખાધ ઘટાડવા સાથે લઈ શકશે. તેમ છતાં આર્થિક શિસ્તમાં રહેવાનું છે અને ભંડોળ ઊભું કરવા નવા માર્ગ પણ ઊભા કરવા પડી શકે છે.
ગ્રામીણ, કૃષિ અને શ્રમલક્ષી સુધારા
ભારતીય ઉત્પાદનો વિશ્ર્વ બજારમાં સ્પર્ધાત્મક બની રહે એ માટે શ્રમલક્ષી ક્ષેત્રોને સમાન ભૂમિકા પૂરી પાડવાનાં અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સની નિકાસને ઉત્તેજન આપવા માટેનાં પગલાં બજેટમાં સામેલ હશે, જાહેર અને ખાનગી આરોગ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એ સિવાય મહામારીને કારણે અસર પામેલા લોકો, ગ્રામીણ અને કૃષિ વર્ગ તેમ જ ગરીબો માટેનાં પગલાં લેવામાં આવશે. અત્યારે નબળી ગ્રામીણ માગ અને કૃષિ ક્ષેત્રની નબળી કામગીરીને પગલે ઘટેલી આવકની સમસ્યાને હાથ ધરવાની આવશ્યકતા છે. કૃષિસુધારામાં જે મહત્ત્વના હતા એ ત્રણ કાનૂનો પાછા ખેંચી લેવાયા હોવાથી કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ માગને ઉત્તેજન આપવા નવા અભિગમની આવશ્યકતા રહેશે.
---------------
બજેટમાં આશા-નિરાશાના સંકેત અને સવાલ
નવા સ્ટિમ્યુલસ પેકેજ આવશે કે જે છે તેને વિસ્તારાશે?
બેંકોના મર્જર આગળ વધશે કે નવી મૂડી મળશે?
શેરબજારમાં એસટીટી (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ) વધશે કે ઘટશે?
લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આવશે કે આફત?
વેલ્થ ટેક્સ આવશે કે સુપર રિચ ટેક્સ?
રોજગાર સર્જન ખરેખર કેટલું અને કેવું થશે?
સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અપાશે તો તેનાં પરિણામ કેવાં મળશે?
ક્રિપ્ટો કરન્સી અંગેના નિયમન આવશે કે લંબાઈ જશે?
જીએસટીમાં રાહત આવશે?
વાસ્તવિક બોજ વધશે કે ઘટશે?
મધ્યમ વર્ગને એક હાથે આપી, બીજા હાથે લઈ લેવામાં આવશે કે શું?
ચૂંટણીલક્ષી હશે કે આર્થિક સુધારાનું બોલ્ડ બજેટ હશે?
ઈઝ ઓફ ડુઈંગની વાતો થશે કે ખરેખર રાહત થશે?
ફોરેન ઈન્વેસ્ટર્સને આકર્ષવા કેવા પ્રયાસ થશે?
લઘુ-મધ્યમ એકમોને કેવી રાહતો અપાશે?
સિનિયર સિટિઝન્સ માટે કંઈક વિશેષ રાહત આવશે?
બાય ધ વે, આ બધામાં સકારાત્મક પગલાં આવે એ વર્તમાન સમયની જરૂરિયાત છે.