કેરળમાં છે એક અનોખી બેંક, જેના વિશે તમે સાંભળ્યું નહીં હોય

કવર સ્ટોરી-દર્શના વિસરીયા
જ્યાં આપણા વિચારો પૂરા થાય છે ત્યાંથી કેરળના નાસર તુથાના વિચારો શરૂ થાય છે અને તેનું ઉદાહરણ છે તેમણે શરૂ કરેલી અનોખી ડ્રેસ બેંક... ગરીબ અને જરૂરિયાતમંદો લગ્નમાં પહેરી શકે એ માટે તેમણે શરૂ કરી આ અનોખી બેંક
લગ્ન એટલે આમ તો દરેક જણ પછી એ દીકરી હોય કે દીકરાના પરિવારજનો... દરેક જણ માટે મહત્ત્વનો, આનંદનો અને યાદગાર દિવસ, પણ એવા લોકો માટે કે જેઓ પૈસેટકે સુખી છે કે પછી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે એમના માટે. પરંતુ એવા લોકોનું શું કે જેઓ ગરીબ પરિવારમાંથી આવે છે કે પછી જેમને લગ્ન તો કરવાં છે, પણ એની પાછળ થનારા ખર્ચના નામે જ જેમને પરસેવો છૂટી જાય છે. પોતાનાં લગ્નના દિવસે ભારેમાં ભારે અને સારામાં સારાં કપડાં પહેરવાં જોઈએ એવી ઈચ્છા તો વર-વધૂને ખાસ હોય છે, પણ આખરે સબ દર્દ કી એક દવા પૈસા... પૈસા આગળ માણસ સાવ લાચાર થઈ જાય છે અને બજેટમાં આવે એ કપડાં પહેરીને તેઓ પોતાના આ યાદગાર દિવસ સાથે એક પ્રકારનું સમાધાન કરી લે છે, બરાબરને? અત્યાર સુધી તમે અનેક અલગ અલગ બેંક વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે, જેમ કે બ્લડ બેંક, બુક બેંક, સીડ બેંક પણ તમે ક્યારેય ડ્રેસ બેંક વિશે વાંચ્યું કે સાંભળ્યું છે ખરું? આ સવાલનો જવાબ નામાં જ હશે અને એટલે જ આજે અમે અહીં એક એવી પર્સનાલિટીને લઈને આવ્યા છીએ કે જેણે આ અનોખી બેંકની શરૂઆત કરી છે, જેથી નાનામાં નાનો માણસ પણ પોતાના મોટા દિવસે સારાં કપડાં પહેરી શકે... ચાલો, વાતમાં વધારે મોણ નાખ્યા વિના આપણે મળીએ કેરળના નાસર તુથાને કે જેઓ આપણી કવર સ્ટોરીના હીરો પણ છે.
નાસરને જ આ અનોખો વિચાર આવ્યો અને તેમણે એને અમલમાં મૂકીને જ રાહતનો શ્ર્વાસ લીધો. વિદેશથી પાછા ફરેલા નાસર તુથા કેરળની મલપ્પુરમ પલક્કડ બોર્ડર પરના ગામમાં રહે છે અને તેમણે આ જ ગામમાં આ અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. આ ડ્રેસ બેંકમાં જે લોકોનાં લગ્ન થઈ ગયાં હોય તેઓ પોતાનાં કપડાં ડોનેટ કરી જાય છે અને જે જરૂરિયાતમંદના ઘરે લગ્ન પ્રસંગ હોય એ લોકો અહીં આવીને પોતાની જરૂરિયાત પ્રમાણે કપડાં લઈ જાય છે. આ અનોખી બેંકની બીજી ખાસિયત વિશે વાત કરવાની થાય તો અહીં તમને કોઈ પણ વ્યક્તિ કપડાં પાછાં આપવા કે તેને બદલે પૈસા આપવા માટે જણાવતી નથી.
આ વિશે વાત કરતાં નાસર જણાવે છે કે ‘આ ડ્રેસ બેંક આખા કેરળ રાજ્ય માટે ખુલ્લી છે અને કોઈ પણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે તેમ જ એની સાથે સાથે બાજુના કર્ણાટક રાજ્યના અનેક લોકો પણ આ અનોખી બેંકનો લાભ લઈ ચૂક્યા છે. લગ્ન પ્રસંગે લેવામાં આવતાં કપડાં આપણે એકાદ-બે વખત જ પહેરીએ છીએ અને પછી તો એ વૉર્ડરોબ કે પછી માળિયા પર પડ્યાં રહે છે. પણ એની જગ્યાએ જો આ કપડાં બીજા કોઈને કામમાં આવે તો? આ ડ્રેસ બેંકને કારણે ગરીબ ઘરનાં યુવક-યુવતીઓને ડિઝાઈનર વેડિંગ આઉટફિટ્સ પહેરવાની તક મળી છે.’
વાતનો દોર આગળ વધારતાં તેઓ જણાવે છે કે ‘દોઢ વર્ષ પહેલાં હું સાઉદી અરેબિયાથી પાછો આવ્યો ત્યારે મને મારા ગામ અને ગામવાસીઓ માટે કંઈક કરી દેખાડવાની લગન હતી અને તેમાંથી જ આ આઈડિયાનો જન્મ થયો. સૌથી પહેલાં તો મેં મારા ગામમાં જેમની પાસે ઘર નથી એવા લોકોના માથા પર છત કઈ રીતે આપી શકું એના વિશે વિચાર કર્યો. આ જ સમયગાળામાં હું ઘણા લોકોને મળ્યો અને એ જ વખતે મને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ ગરીબ ઘરમાં લગ્ન જેવો પ્રસંગ આવે છે ત્યારે એ લોકો પાસે સૌથી મોટો સવાલ હોય છે લગ્નનાં કપડાં, કારણ કે લગ્નનાં કપડાં ખૂબ જ મોંઘાં હોય છે.’
એપ્રિલ, ૨૦૨૦માં નાસરે તેમના મિત્રની મદદથી એક પ્રયોગ તરીકે આ અનોખી ડ્રેસ બેંકની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ફેસબુક, વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમની મદદ લઈને પોસ્ટ કર્યા. જોતજોતામાં રાજ્યભરમાંથી અનેક લોકો આગળ આવ્યા અને તેમણે પોતાનાં ભારે અને લગ્ન પ્રસંગે પહેરી શકાય એવાં આઉટફિટ્સ ડોનેશનમાં નાસરને આપ્યાં. કપડાં તો આવી ગયાં પણ હવે આગળ શું? આ સવાલનો જવાબ આપતાં નાસર જણાવે છે કે ‘મેં મારા મિત્રની મદદથી ભેગાં થયેલાં કપડાં અમુક એનજીઓની મદદથી ડ્રાયક્લીનિંગ માટે મોકલાવ્યાં અને તેને સરસ રીતે ઈસ્ત્રી કરાવીને ફરી પહેરવાલાયક બનાવ્યાં અને જેને ત્યાં લગ્ન હોય એવા લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું. મારી ડ્રેસ બેંકમાં રૂ. ૩,૦૦૦થી લઈને રૂ. ૬૦,૦૦૦ સુધીની રેન્જનાં લગ્નમાં પહેરવાલાયક કપડાંઓનું કલેક્શન છે. આજે મારી બેંકમાં ૬૦૦થી વધુ ડ્રેસ છે, જે છોકરીઓ કે તેમના સંબંધીઓ આવીને મારી પાસેથી લઈ જાય છે. એટલું જ નહીં, એક વખત લઈ ગયેલાં કપડાં પાછાં આપવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી કે ન તો તેમની પાસેથી તેના બદલામાં કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવે છે.’
નાસર જેવા થોડાક વધુ લોકોની આપણને જરૂર છે કે જેઓ આ રીતે સમાજ અને દુનિયાદારીથી કંઈક અલગ વિચારીને લોકોની મદદ કરવા માટે આગળ આવે. આપણે ગમે એટલી સમાજસેવા કે સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા રાખીએ તેમ છતાં નાસર જેવા વિચારો ક્યારેય આપણા મગજમાં આવ્યા જ નથી. કદાચ આ જ કારણ છે કે જ્યાં આપણા વિચારો પૂરા થાય છે ત્યાં નાસરના વિચારો શરૂ થાય છે. નાસરની આ અનોખી ડ્રેસ બેંકને કારણે અનેક ગરીબ કુટુંબોને મદદ મળી છે. નાસરે જેવી ડ્રેસ બેંક તેમના કેરળમાં શરૂ કરી છે એવી જ કોઈ બેંક આપણે ત્યાં પણ શરૂ કરવાની જરૂર છે, જેથી જરૂરિયાતમંદોના પ્રસંગ પણ દીપી ઊઠે...