એક મુસલમાનની સાચી ઓળખ સૌ સાથે પ્રેમભાવ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
સામાન્ય વાતચીતમાં આપણે મોમિન કહીએ છીએ. તે મૂળ અરબી શબ્દ પરથી આવ્યો છે. જેનો સરળ અર્થ થાય છે ચુસ્ત, પાકો મુસલમાન. આવો ઉચ્ચ હોદ્દો ધરાવતા મુસલમાન મોમિનની વર્તણૂક, વ્યવહાર દીન અને દુન્યવી જીવનમાં કેવી હોવી જોઇએ તે વિશે ઇસ્લામની હિદાયત (ધર્મની સાચી સમજ) જાણવી, ખાસ કરીને વર્તમાન સમયમાં તો ઘણી જ અનિવાર્ય બની રહેવા પામે છે. કુરાન મજીદ, હદીસ દ્વારા માણસના જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપતી હિદાયતમાં એક છે સલામ કરવાનો-બોલવાનો શિષ્ટાચાર.
વહેવારની વાતનો નિયમ એ છે કે જયારે બે વ્યક્તિ એકબીજાને મળે છે ત્યારે વાત કરતા પૂર્વે કાંંઇક શબ્દોનું ઉચ્ચારણ જરૂર કરે છે. તેમાંથી કેટલાક તો ધાર્મિક શબ્દો હોય છે. જોકે માનવજીવનના એકેએક ક્ષેત્રમાં ઇસ્લામ તો ઉમ્મત (પ્રજા)ને માર્ગદર્શન આપતો આવ્યો છે જ, તેથી જાહેરજીવનમાં રીતભાતનું ક્ષેત્ર પણ તેમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી.
દીને ઇસ્લામનો આ હુકમ તાકીદભર્યો છે, કે જ્યારે કોઇ મુસલમાન એક-બીજાને મળે ત્યારે ‘અસ્સલામો અલયકુમ’ જરૂર કહે. મુસલમાન જ્યારે એક-બીજાને મળે ત્યારે ઇસ્લામના રિવાજ મુજબ વર્તાવ કરે. કેમ કે ઇસ્લામમાં સલામનો જે રિવાજ છે તે ખૂબ જ માનભર્યો છે. તે માટેના શબ્દો એવા છે, જેનો આપણે વિચાર કરીએ તો તેમાં કેટલી બધી ખૂબીઓ અને ભલાઇઓ છે. તેમાં ખાસ કરીને સામાવાળી વ્યક્તિ (જેને સલામ કરવામાં આવ્યા છે) માટે પ્રેમભાવના વ્યક્ત થાય છે. એવી ભાવનાનો દરેક શખસ ઇચ્છુક હોય છે. સલામ કરવાથી બન્ને વચ્ચેની મિત્રતા પણ સ્પષ્ટ થાય છે. પરસ્પર સલામના વ્યવહારથી બન્ને વચ્ચે દોસ્તીનું અનુમાન કરી શકાય છે. કેમકે સલામ કરવાથી ‘અસ્સલામો અલયકુમ’કહીને તે સલામતીનો ઝીક્ર કરે છે. તે જ રીતે સામાવાળી વ્યક્તિ તેને માન્ય રાખી ‘વઅલયકુમ સલામ’ કહે છે. તેનો અર્થ તમારા ઉપર દરેક રીતે સલામતી છે એવો થાય છે. તેથી બન્ને પક્ષો વચ્ચે સલામતીનો વાયદો થઇ ગયો. જો એક દુશ્મન પણ આટલું વિચારીને સલામ કરે, તો તેઓની દુશ્મની દૂર થઇ જાય છે. તે દુશ્મની સલામના કારણે મિત્રતામાં પરિવર્તન પામે છે.
* સલામ ફકત હાથ કે માથાના ઇશારાથી કરવા નહીં, બલકે ‘અસ્સલામો અલયકુમ’ના શબ્દોનું ઉચ્ચારણ જીભ વડે કરવું.
* સલામ કરવી સુન્નત (હુઝૂર અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમનો તરીકો, પદ્ધતિ સુકૃત્ય) છે. તે ઇસ્લામી નિયમ છે, પણ તેનો જવાબ આપવો વાજીબ છે, એટલો જ જરૂરી છે.
* જો કોઇ વ્યક્તિ બહારથી આવે અને મહેફિલમાં-સમૂહમાં બેસેલા લોકોને સલામ કરે અને જો તે મહેફિલમાંથી કોઇએ પણ સલામનો જવાબ આપ્યો નહીં, તો બધાજ ગુનેહગાર થશે. જો એક વ્યક્તિ પણ જવાબ આપી દે, તો કોઇને પણ ગુનોહ લાગુ પડશે નહીં.
* ‘આધુનિક’ કહેવાતા સમયમાં લોકો સલામ કરવાથી એકદમ અળગા રહી ગયા છે. તેથી સલામ કરવાની નેકીઓથી તેઓ વંચિત છે.
* અફસોસ! કે આજે મુસલમાન સલામના મહત્ત્વને સમજી શક્યો નથી. તેથી તેનો ખરો અમલ થતો નથી.
* નસીબજોગે કદાચ એકબીજાને સલામ કરશે તો પણ, બન્ને વચ્ચેની દુશ્મનાવટ દૂર થતી નથી, કેમ કે દિલમાં તેને સાચી લાગણી નથી. બલકે એમ કહીએ તો ખોટું નથી કે દિલમાં નફરત સમાયેલી છે, તેથી તેનો ગુનોહ તેમની ઉપર છે. એ માટે ઇસ્લામનો કાનૂન જવાબદાર નથી. ઇસ્લામમાં સલામ, સુલેહ-શાંતિની જવાબદારી છે.
હઝરત ઇબ્ને અબ્બાસ રદ્યિલ્લાહો અન્હોથી રિવાયત છે, તેમણે કહ્યું કે એક લડાઇથી પાછા ફરતાં રસ્તામાં એક માણસ બકરીઓ ચરાવતો અમને મળ્યો. તેણે ઇસ્લામી સૈનિકોને જોઇ સલામ કર્યા. છતાં તે સૈનિકોએ બકરીઓ ચરાવતા શખસને મારી નાખ્યો. તેની બકરીઓ લૂંટી લીધી. ત્યારે આ આયત નાઝીલ (ઉતરી) થઇ: ‘વલા-તકુલુ-લેમન-અલકા એલયકોમુસ્સલામ -લસ્ત-મોએનન’ (પારા-૫, ‘સુરાનિસા’ આયત-૯૪). અર્થ: ‘જે કોઇ તમને મળતી વખતે ‘અસ્સલામો અલયકુમ’ કહે, તો તેને એવું કહો નહીં કે તુ મોમિન (ઇમાનદાર મુસ્લિમ) નથી.’
હુઝૂર સરવરે આલમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને જયારે આ ઘટનાની જાણ થઇ ત્યારે ફરમાવ્યું, કે-‘કયામતના દિવસે તે (બકરીઓ ચરાવનાર)ના સલામનો શો જવાબ આપશો? આપ હુઝૂરે અનવર (સલ.)ની આ હદીસનો અર્થ એ થયો કે, સલામ કરવો તે ઇસ્લામી શિષ્ટાચારની નિશાની છે. છતાંય તેને તમે શા માટે મારી નાખ્યો?
સુજ્ઞ વાચક મિત્રો! હદીસ શરીફમાં છે, કે તમે સાચા-ઇમાનદાર મુસલમાન કદી થઇ શકતા નથી, જ્યાં સુધી તમો આપસમાં પ્રેમભાવના રાખો નહીં અને પ્રેમભાવના કેળવવા પરસ્પર મળતી વખતે એકબીજાને અસ્સલામો અલયકુમ અને અન્ય શિષ્ટાચાર પાળો નહીં. હજુ સમય છે કે ખોવાયેલી પ્રતિષ્ઠાને પુન: પ્રાપ્ત કરવા ઇસ્લામના ઇન્સાનિયતના પાળવાનો.
- જાફરઅલી ઇ. વિરાણી
અલ્ હદીસ
ખુદાની નજીક સૌથી વધુ તેની ઇજજત છે, જે (બીજાથી) પહેલો, ‘અસ્સલામો અલયકુમ’ કહે છે-નબીએ અકરમ. સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
* * *
અલ્ કુર’આન
* અલ્લાહ ઝાલીમોને દોસ્ત રાખતો નથી
* સખત વાતનો જવાબ ઘણી જ સારી વાતથી આપો.
* નેકી અને બદી સરખા હોતો નથી. ખરાબ વાતનો જવાબ સારી વાતથી આપનાર અલ્લાહથી નજીક હોય છે.