સી-લિંક પ્રોજેક્ટની સ્ટીલની પ્લૅટ્સ ચોરનારો પકડાયો
મુંબઈ: વર્સોવા-બાન્દ્રા સી-લિંક પ્રોજેક્ટ માટે લાવવામાં આવેલી અંદાજે ૨૨ લાખ રૂપિયાની કિંમતની સ્ટીલની પ્લૅટ્સ ચોરવા પ્રકરણે સાંતાક્રુઝ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ લાલજી સીતારામ પાંડે તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરીની સ્ટીલની ૧૧ પ્લૅટ્સ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ ચાર જણની ધરપકડ કરી હતી. સી-લિંકના કામ માટે કંપની દ્વારા ૧૧૦૯ પ્લૅટ્સ મગાવવામાં આવી હતી. હાલમાં કામ બંધ હોવાથી પ્લૅટ્સ સાંતાક્રુઝમાં એક પુલ નજીક રાખવામાં આવી હતી. તે સ્થળે એક સિક્યોરિટી ગાર્ડની પણ નિયુક્તિ કરાઈ હતી. જોકે તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. બાદમાં સ્ટીલની ૭૪ પ્લૅટ્સ ચોરીની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હફીઝઉલ્લા ખાન, મોહમ્મદ જલઉદ્દીન અન્સારી, પ્રેમજી વેકરિયા અને રવિ ગોડની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં પ્લૅટ્સ ખરીદનારા પાંડેની માહિતી મળી હતી. પોલીસે અંધેરી વિસ્તારમાંથી તેને તાબામાં લીધો હતો. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.