વેદાંત ફેશનના આઈપીઓની પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. ૮૨૪થી ૮૬૬
નવી દિલ્હી: માન્યવર બ્રાન્ડ ધરાવતી વેદાંત ફેશન લિ.એ તેના રૂ. ૩૧૪૯ કરોડના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઑફર) માટે પ્રાઈસ બૅન્ડ શૅરદીઠ રૂ. ૮૨૪થી ૮૬૬ નિર્ધારિત કરી છે. કંપનીનો આઈપીઓ આગામી ૪ ફેબ્રુઆરીના રોજ ખૂલશે અને આઠમી ફેબ્રુઆરીના રોજ બંધ થશે, જ્યારે એન્કર ઈન્વેસ્ટરો માટે આઈપીઓ ત્રીજી ફેબ્રુઆરીના રોજ ખૂલશે, એમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે.
કંપનીના જણાવ્યાનુસાર કંપનીના પ્રમોટરો અને હાલના શૅરધારકો દ્વારા આ ઑફર ફોર સેલ ૩,૬૩,૬૪,૮૩૮ ઈક્વિટી શૅરનું છે. આ ઓફર ફોર સેલમાં ૧.૭૪ કરોડ સુધીના રિહને હોલ્ડિંગ્સ લિ.ના, ૭.૨૩ લાખ સુધીના શૅર કેદારા કેપિટલ ઑલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ-કેદારા કેપિટલ એઆઈએફ૧ અને ૧.૮૧ કરોડ સુધીના રવિ મોદી ફેમિલી ટ્રસ્ટના શૅરનો સમાવેશ થાય છે. કંપનીના પ્રમોટરોમાં રવિ મોદી, શિલ્પી મોદી અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.