શ્ર્વાનનો એક જ દોષ છે, તેઓ ટૂંકું જીવે છે
છવ્વીસ વર્ષના એક યુવાનને શ્ર્વાનપ્રેમ એવો ફળ્યો કે ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકૂનનો પર્સનલ સેક્રેટરી બની ગયો!

આનન-ફાનન - પાર્થ દવે
ઉદ્યોગપતિ રતન ટાટા ૨૮મી ડિસેમ્બરે ૮૪ વર્ષના થયા. તેમનું કામ, તેમનું નામ અઢળક કારણોસર જાણીતું છે. તેમના જન્મદિવસે કોઈ ચકાચોંધ નહોતી. તેઓ હતા. નાનકડી ‘કપ કેક’ હતી અને મીણબત્તી હતી. એક યુવાન આ સેલિબ્રેશનમાં ભાગીદાર હતો. રતન ટાટાએ ખુરશી પર બેઠાં બેઠાં મીણબત્તીને ફૂંક મારી અને તે કેક કાપી. તેમની પાસે ઉભડક બેઠેલો એક યુવાન ઊભો થાય છે અને તાળી પાડે છે. ટાટાના ખભા પર હાથ પસવારે છે અને હસે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાઇરલ થયો. રતન ટાટા સાથે જે હોય તેને લાઇમલાઇટ મળે જ. લોકો પૂછવા લાગ્યા ‘કોણ છે આ એકવડિયા બાંધાવાળો જુવાન?’ ૨૮ વર્ષીય તે યુવાનનું નામ શાંતનુ નાયડુ છે અને તે રતન ટાટાનો પર્સનલ સેક્રેટરી છે!
શાંતનુ નાયડુએ પુણેથી ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ કર્યું છે. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. તેના પિતા સહિત કુટુંબના અન્ય સભ્યો પણ ટાટા ગ્રુપની જુદી જુદી કંપનીમાં નોકરી કરી ચૂક્યા છે. ૨૦૧૮માં શાંતનુ પણ ટાટા ગ્રુપમાં જોડાયો.
તો હવે તે રતન ટાટા સાથે કેમ જોવા મળે છે?
જવાબ છે: શ્ર્વાનપ્રેમ!
વાત એમ છે કે શાંતનુ જ્યારે પુણેમાં હતો ત્યારે રસ્તા પર ફરતા કૂતરાઓને બસ-કાર-ટ્રકની અડફેટે આવતાં જોતો. તેને મજા ન આવતી. તેણે આ ડોગ્સની મદદ માટે કંઈક કરવાનું વિચાર્યું. તેણે પોતાના મિત્રો સાથે મળીને ડોગ્સ માટેનો સ્પેશિયલ કોલર બનાવ્યો. ચમકતા કપડાથી બનેલો આ કોલર લાઇટ વિના પણ દૂરથી ડ્રાઇવરને દેખાઈ શકે છે. શાંતનુ ઍન્ડ મંડળીએ આ કોલર સ્ટ્રીટ ડોગ્સને પહેરાવવાનું શરૂ કર્યું. સમય જતાં આ અભિયાને મોટું સ્વરૂપ ધારણ કર્યું. અત્યારે શાંતનું એક એનજીઓ ચલાવે છે જે સડક પર રહેતાં પ્રાણીઓની રક્ષા કરવાનું કામ કરે છે. આજે આ સંસ્થા દ્વારા બનેલા કોલર્સનો ૨૦ રાજ્ય અને ૪ દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે.
ટાટા ગ્રુપ કંપનીના ન્યુઝલેટરમાં શાંતનુ નાયડુના આ કામ વિશે ઉલ્લેખ થયો હતો. રતન ટાટાને પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, અનુકંપા છે. તેમણે આ કોલર બનાવનાર વિશે પૂછ્યું. નામ મળ્યું: શાંતનુ નાયડુ! રતન ટાટાએ પોતે પત્ર લખીને આ કામનાં વખાણ કર્યાં. થોડા દિવસો પછી શાંતનુએ તેના પિતાના કહેવાથી રતન ટાટાને લેટર લખ્યો. બંને મળ્યા ને રતન ટાટાએ શાંતનુને પોતાના સેક્રેટરી બનવાની ઑફર કરી!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતનુ નવા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે રતન ટાટાને સલાહ આપે છે. તેમણે રતન ટાટાને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં પણ શીખવ્યું છે. હવે આ બંને સાથે મળીને શાંતનુએ ચાલુ કરેલા સ્ટાર્ટઅપ દ્વારા સ્ટ્રીટ એનિમલના કલ્યાણ માટે કામ કરે છે.
***
આમ જોવા જઈએ તો સાવ નાના સમાચાર છે. પચ્ચીસ-સત્યાવીસ વર્ષના યુવાનને રસ્તા પર રખડતા કૂતરા પ્રત્યે, અન્ય જીવ પ્રત્યે સહાનુભૂતિ જાગી. તે ત્યાંથી અટક્યો નહીં ને તેણે તેમના માટે કંઈક કરી છૂટવાનું વિચાર્યું. દેશના બિઝનેસમેનની નજરમાં આ વાત આવી. તેઓ તે ઘટના વિશે સાંભળીને ભૂલી ન ગયા, તેમણે તે યુવાનનો સંપર્ક કર્યો. બે પેઢી અલગ, ક્લાસ અલગ, પણ વિચાર એક! રતન ટાટાને પોતાની વેવલેન્થ શાંતનુ નાયડુ સાથે મેચ થતી દેખાઈ હશે! આ મનુષ્યત્વની, કરુણાની, અનુકંપાની વાત છે.
અબોલા જીવની લાગણી દર્શાવવાની રીત નિરાળી હોય છે. તમે તેને ઓળખવા માંડો પછી તેની આદત પડી જાય! વફાદાર પ્રાણી તરીકે પંકાયેલા કૂતરાઓ, એ ચાહે પાળેલા હોય કે શેરીમાં રખડતા, તેમની આંખોમાં તમારા પ્રત્યેનો પ્રેમ, વહાલ, આદર સાંગોપાંગ દેખાય. તેઓ કુદરતની સૌથી નજીક હોય. એટલે આપણી અંદર પણ પોઝિટિવિટી ભળે. તેઓ ન દિલચોરી કરે કે ન કેવું લાગશે કે દેખાશેની પરવા. તે શું કહેવા માગે છે તે આપણે ન સમજીએ તો પણ કોઈ ચિંતા નહીં. જરા એવું લાગે કે આમને (આપણને) નથી ગમતું તો મંડે હાલવા. સંપૂર્ણ વર્તમાનમાં જીવે. અમેરિકન લેખિકા ઍગ્નસ સ્લાઇ ટર્નબલનું એક ક્વોટ છે, ‘કૂતરાઓનો એક જ દોષ છે. તેઓ ટૂંકું જીવે છે!’ અત્યારે હિમાંશી શેલતનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ યાદ આવે છે. તેમાં તેમણે પ્રાણીઓ સાથેના સંબંધની, તેમના વિશ્ર્વની સુંદર રજૂઆત કરી છે. શેરીનાં કૂતરા, બિલાડી, સાપ વિશે લખ્યું છે. પ્રાણીઓ વિશે અભ્યાસુ ન હોઈએ તો પણ તેમને દરરોજ જોવાથી, મળવાથી તેમને ઓળખી શકાય છે. હિમાંશી શેલત એક જગ્યાએ શ્ર્વાનશિશુનું વર્ણન કરતાં લખે છે, ‘ભોળીભટાક એ આંખો કૌતુક ભાળતી હોય એમ મને તાકી રહેલી. કાચા સોનામાં જરીક રૂપું ભેળવ્યું હતું કે પછી મધમાં દૂધ? આકર્ષક રંગછટા, અને ઠાઠ કેવો! બંને પગ લાંબા કરીને નિર્ભય બેઠું હતું એ શ્ર્વાનશિશુ, ખાટલાની નીચે. એને હેઠેથી ખેંચ્યું બહાર, અને એ રેશમ-દડો, સળવળતો અને ચંચળ, મારા હાથસંપુટમાં ગોઠવાયો. ઝીણકા મુલાયમ કાન, અને સાવ ટચૂકડી પૂંછડી, તોય આ પ્રથમ ઓળખના હરખમાં જરા જરા ફરફરે. પોતાના ભરાવદાર પગ મારા હાથ પર બરાબર ટેકવીને એણે ઊંચું જોયું, અને મારા ગાલને એની જીભ સ્પર્શી. એક ઉત્કટ, દૃઢ અને આનંદસભર સંબંધના પ્રારંભની આ મંગલ ઘડી હતી.’
આવજો
હમ કુત્તોં સે બાત નહીં કરતે - રાજ કુમારની ‘મરતે દમ તક’ ફિલ્મનો ડાયલોગ!