ગુજરાતીઓની ઓળખ ત્રિરંગી ઢોકળાં

સ્વાસ્થ્ય સુધા - શ્રીલેખા યાજ્ઞિક
૭૩મા પ્રજાસત્તાક દિવસની આપ સર્વેને શુભકામના. ભારતીય સંસ્કૃતિની વિશેષતા તેનાં ૨૮ રાજ્યમાં તથા ૮ કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાયેલી છે. પહેરવેશ, ભાષા, બોલીની સાથે વ્યંજનોમાં પણ વિવિધતા જોવા મળે છે. આજના દિવસે તો દેશના પ્રત્યેક નાગરિકના દિલમાં ભારતીય હોવનું ગૌરવ છલકાતું હોય છે. વહેલી સવારથી નાના-મોટા બધા જ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મશગૂલ બની જતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સોસાયટી કે મહોલ્લામાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો તથા મોટેરાં માટે ખાસ વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.
સાંજના સમયે ફેન્સી ડ્રેસ તથા નૃત્ય સ્પર્ધાનું આયોજન પણ થતું હોય છે. પ્રત્યેક ભારતીય દેશ પ્રત્યેના ગૌરવના રંગે રંગાઈ જતો હોય છે. વિવિધ પ્રવૃત્તિના આયોજનની સાથે ખાસ ખાણીપીણીની પણ ગોઠવણ કરવામાં આવતી હોય છે. લોકો રસઝરતાં વ્યંજનોની મોજ માણીને આનંદ મેળવતા હોય છે. કોરોનાકાળમાં જાહેરમાં લોકોને મળવું મુશ્કેલ બન્યું છે તેવા સમયે ઘરમાં બનાવીને પરિવારજનો સાથે દેશભક્તિનો સ્વાદ વ્યંજન દ્વારા માણવો યોગ્ય લેખાશે.
ભારતીયોને સ્વાદરસિયા કહેવામાં આવે છે. પ્રત્યેક રાજ્યની ખાસ ઓળખ તેમના રાજ્યમાં બનતી ખાસ વાનગી થકી પણ બની ગઈ છે. ચાલો, આજે આપણે પણ ગુજરાતીઓની ઓળખ બની ગયેલી ખાસ વાનગી ‘ત્રિરંગી ઢોકળાં’ની સ્વાસ્થ્યવર્ધક વાતો જાણીને દેશભક્તિના રંગે રંગાઈ જઈએ.
ઢોકળાંની શોધ ક્યાં થઈ?
ઢોકળાંનું નામ પડે તેની સાથે ભારતના પ્રત્યેક રાજ્યમાં વસતા લોકોનાં મોંમાં પાણી આવવા લાગે. જે પ્રમાણે ગુજરાતીનાં થેપલાંએ આગવી ઓળખ દેશ-વિદેશમાં બનાવી છે. બસ, કાંઈક તે જ પ્રમાણે ઢોકળાંએ પણ ભારતીયોના તથા વિદેશીઓના ભાણામાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે.
ઢોકળાં વિશે એવું કહેવાય છે કે ૧૧મી સદીમાં તેેને સૌપ્રથમ વખત બનાવવામાં આવ્યાં હતાં. તે સમયે તેનું નામ હતું ‘ડુકિયા’. આ પ્રકારની નોંધ જૈન ગ્રંથમાં જોવા મળે છે. તો ૧૬મી સદીમાં ‘ઢોકળાં’ શબ્દનો ઉપયોગ જોવા મળ્યો હતો. ઢોકળાં એક હલકું -ફૂલકું વ્યંજન ગણાય છે. ફુદીના-કોથમીરની ચટણી સાથે તેનો આસ્વાદ માણવામાં આવે છે. સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ઢોકળાં ખાવાનો રિવાજ છે. વજન ઉતારવાની ઈચ્છા રાખતી વ્યક્તિ પણ તેનો આહારમાં સમાવેશ કરી શકે છે.
ઢોકળાં તથા ખમણ ઢોકળાં બંને અલગ વાનગી ગણાય છે. ઢોકળાં મોટે ભાગે સફેદ રંગનાં બને છે, જ્યારે ખમણ ઢોકળાંનો રંગ પીળો હોય છે. ઢોકળાં બનાવવા માટે ચોખાની માત્રા વધુ તથા ચણાની દાળ અને અડદની દાળની માત્રા અડધી જોવા મળે છે. ખમણ ઢોકળાંમાં ફક્ત ચણાની દાળનો કે ચણાના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઢોકળાં બનાવતાં પહેલાં ખીરું તૈયાર કરીને તેને આથો આપવો પડે છે. જ્યારે ખમણ ઢોકળાંને આથો આપ્યા વગર પણ ઈન્સ્ટન્ટ બનાવી શકાય છે.
ઢોકળાંનો આહારમાં ઉપયોગ કરવાના ફાયદા
સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાની વાત આપણે સતત નિષ્ણાત આહારતજ્જ્ઞો પાસેથી સાંભળતા હોઈએ છીએ. સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો એટલે તેનો અર્થ એવો તો જરા પણ નથી થતો કે સ્વાદ સાથે સમાધાન કરવું. ભારત તો વિવિધ વ્યંજનોનો દેશ ગણાય છે. પોષક તત્ત્વોથી ભરપૂર અનેક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ છે તેમાંનાં એક છે ઢોકળાં. આજે અનેક લોકો એવા છે કે સતત કોર્નફ્લેક્સ કે ઓટ્સ ખાવાનું પસંદ કરતા નથી. તેમને માટે ગુજરાતની ખાસ વાનગી ઢોકળાં એક સારો પર્યાય પણ બની શકે છે.
ઢોકળાંને વરાળથી બાફીને બનાવવામાં આવે છે. વળી તેમાં ચોખા તથા દાળનું મિશ્રણ હોવાને કારણે ફાઈબર તથા પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં મળે છે.
ઢોકળાંમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ સમાયેલું છે જેથી તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે.
ઓછા તેલમાં બનાવવામાં આવતા હોવાથી તે વધુ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. પચવામાં હલકાં હોવાને કારણે બાળકો તથા વયસ્ક વ્યક્તિ માટે તે ઉત્તમ નાસ્તો ગણાય છે. ૧૦૦ ગ્રામ ઢોકળાંમાં કૅલરીની માત્રા ફક્ત ૧૬૦ હોય છે.
ઢોકળાંમાં ચોખાનું પ્રમાણ વધુ હોય છે, જેની ગણના એક ઉત્તમ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. ચોખામાં વિટામિન બી, ફોસ્ફરસ, ફાઈબર, આયર્નની માત્રા સમાયેલી હોય છે, જે શરીરને ઊર્જા બક્ષે છે.
લોહીમાં શર્કરાની માત્રા જાળવી રાખવાનું કામ પણ ચોખા કરે છે. વય વધવાની સાથે વ્યક્તિની ત્વચા ઉપર ધીમે ધીમે કરચલી પડવા લાગે છે. ચોખાનો ઉપયોગ આહારમાં પ્રમાણભાન રાખીને કરવાથી બુઢાપાને પાછળ ધકેલી શકાય છે.
એવું કહેવાય છે કે ચોખાની સાથે છાસ ભેળવીને ખાવાથી શરીરને ઠંડક મળે છે. પચવામાં સુપાચ્ય બને છે. ઢોકળાંમાં ચોખાનું પ્રમાણ વધુ હોવાની સાથે તેને આથો આપીને બનાવવામાં આવે છે, જેથી તે પચવામાં હલકાં બની જાય છે. ઢોકળાં ખાધા બાદ પાણીની તરસ પણ વધુ લાગે છે. આમ જે વ્યક્તિને પાણી પીવાની તરસ વારંવાર ન લાગતી હોય તેમણે આહારમાં ઢોકળાંનો સમાવેશ કરવો જોઈએ. અનેક લોકોને રાંધેલા ભાત ભાણામાં બે સમય જોઈએ જ તેવો આગ્રહ હોય છે. સામાન્ય રીતે ભાત ખાવાથી શરીર વધવાની સાથે ડાયાબિટીસના દર્દીને પણ પ્રમાણભાન રાખીને ભાત ખાવાની સલાહ આપવામાં આવે છે. ચોખાનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે. પ્રમાણભાન રાખીને સેવન કરવાથી મોટાપો દૂર કરવામાં મદદ કરે છે. ચોખાની કુલ ૪૦૦થી વધુ વિવિધતા જોવા મળે છે, આથી જેમને સફેદ ચોખા માફક ન આવતા હોય તેમણે અન્ય ચોખાનો ઉપયોગ દાળ સાથે કરીને ઢોકળાં બનાવીને ખાવાં જોઈએ.
ત્રિરંગી ઢોકળાંમાં આપણે ભારતીય ધ્વજમાં જોવા મળતા ત્રણે રંગનો સમાવેશ કરીને ઢોકળાંને બનાવવાની રીત દર્શાવીશું, જેમાં લીલા રંગનાં ઢોકળાં બનાવવા માટે પાલકની પેસ્ટનો ઉપયોગ કરીશું, તો કેસરી રંગ બનાવવા માટે ગાજર-ટમેટાં તથા પાણીમાં પલાળેલાં લાલ મરચાંનો ઉપયોગ કરીશું. દેશવાસીઓના દિલમાં પ્રજાસત્તાક દિવસે દેશભક્તિની ભાવના પ્રબળ જોવા
મળે છે. ભોજન દ્વારા પણ દેશભક્તિના રંગે રંગાવાનો શ્રેષ્ઠ વિકલ્પ ‘ત્રિરંગી ઢોકળાં’ બની શકે છે.
---------
ત્રિરંગી ઢોકળાં
સામગ્રી: સફેદ ઢોકળાંનો લોટ ૫૦૦ ગ્રામ અથવા ૨ કપ ચોખા, અડધો કપ ચણાની તથા અડદની દાળનું મિશ્રણ. ૧ નંગ ગાજર-ટમેટા-લાલ મરચાંની પેસ્ટ, ૧ વાટકી પાલક, ૨ નંગ લીલાં મરચાંની પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ મોટી ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ નાની ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી ઈનો, સ્વાદાનુસાર હિંગ, સજાવટ માટે કોથમીર, લીલું કોપરું, તળેલાં મરચાંના ટુકડા, દાડમના દાણા, ૨-૩ ચમચી તેલ, જરૂર પ્રમાણે તલ, વઘાર માટે - ૨ ચમચી તેલ, ૧ ચમચી રાઈ, લાલ મરચાં ૨ નંગ, લીલાં કાપેલાં મરચાં ૨ નંગ, મીઠા લીમડાનાં પાન ૮-૧૦ નંગ, તલ ૧ ચમચી, લીલા કોપરાનું છીણ ૧ ચમચી, દાડમના દાણા ૨ ચમચી.
બનાવવાની રીત: બહારથી લોટ તૈયાર લાવ્યા હોવ તો તેને છાસમાં પલાળી લેવો. છાસ વધુ પડતી ખાટી ન હોય તેનું ધ્યાન રાખવું. હૂંફાળા પાણીથી લોટમાં છાસ ભેળવીને ખીરું તૈયાર કરવું. આથો લાવવા માટે ૫-૬ કલાક ઢાંકીને રાખવું. ચોખા-દાળ પલાળીને વાટવાના હોવ તો પણ મિશ્રણને વાટીને ૫-૬ કલાક આથો આવે ત્યાં સુધી ગરમ જગ્યાએ ઢાંકીને રાખવું. તેમાં આદું-મરચાંની પેસ્ટ ભેળવી લેવી. મિશ્રણના એકસરખા ત્રણ ભાગ કરવા. એક ભાગમાં પાલકને બાફીને તૈયાર કરેલી પ્યુરી ભેળવવી. બીજા ભાગમાં ગાજર-ટમેટા-પલાળેલાં લાલ મરચાંની પેસ્ટ બનાવીને ભેળવવું.
સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવું. તેમાં મૂકવા માટે તેલ લગાવેલી થાળી તૈયાર કરીને રાખવી. સૌપ્રથમ પાલકની પ્યુરી તૈયાર કરેલું ખીરું લેવું. તેમાં અડધી ચમચી ઈનો નાખીને ૧ ચમચી હૂંફાળું પાણી ભેળવીને બરાબર હલાવી લેવું. સૌપ્રથમ લીલા રંગનું ખીરું પાથરવું. તેને સ્ટીમરમાં ગોઠવેલી થાળીમાં પાથરી દેવું. બે-પાંચ મિનિટ માટે વરાળથી બાફવું. ત્યાર બાદ તેમાં બીજું ખીરું પાથરવું, જેમાં ફક્ત સફેદ રંગનું ખીરું લેવું. તેમાં પણ અડધી ચમચી ઈનો ભેળવીને એક ચમચી ગરમ પાણી નાખીને બરાબર ભેળવી લેવું. ત્યાર બાદ તેને પાથરવું. તેને પ મિનિટ વરાળમાં બફાવા દેવું. છેલ્લે જેમાં ગાજર-ટમેટા-પલાળેલાં લાલ મરચાની પેસ્ટ બનાવી હોય તે ભેળવીને તૈયાર કરેલું ખીરું પાથરવું. લગભગ ૧૦ મિનિટ ઢાંકણ ઢાંકીને વરાળથી બફાવા દેવું. ૧૦ મિનિટ બાદ તેને બહાર કાઢી લેવાં. ઉપરથી એક ચમચી તેલ લગાવી લેવું. ઢોકળાંને એક બીજી પ્લેટમાં ઊંધાં કરી બહાર કાઢી લેવાં. તેના એકસરખા ત્રિકોણ કાપા પાડીને ઢોકળાંની ઉપર તૈયાર કરેલો વઘાર પાથરવો. સજાવટમાં લીલા કોપરાનું છીણ, દાડમના દાણનો ઉપયોગ કરવો. વઘારમાં રાઈ તતડે એટલે હિંગ, સૂકાં લીલાં મરચાં, લીમડાનાં ૮-૧૦ પાન, ૧ ચમચી તલ ભેળવવાં. ગરમા-ગરમ ઢોકળાં કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસવાં.
પાલક તથા ગાજર-ટમેટા-લાલ મરચાંની પેસ્ટનો ઉપયોગ પણ ત્રિરંગી ઢોકળાં બનાવવામાં કર્યો હોવાથી આ ઢોકળાં આરોગ્યપ્રદ હોવાની સાથે દેશભક્તિની ભાવના સ્વાદ દ્વારા પણ તમારામાં જાગૃત કરશે.