દ્વારકાનાં જગતમંદિરના દ્વાર ભક્તો માટે ખૂલ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
દ્વારકા: જગતમંદિરના દ્વાર ફરી દર્શકો માટે ખુલી ગયા છે. કોરોનાના સંક્રમણને કારણે ૧૭થી ૨૩મી જાન્યુઆરી સુધી દ્વારકા જગતમંદિર બંધ કરવામા આવ્યું હતું. જો કે દ્વારકાધીશના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામા આવશે.
દ્વારકા જગતમંદિરના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દ્વારકા કલેકટર દ્વારા તા.૧૭મી થી લઇને તા.૨૩મી સુધી જગતમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.
દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેકટર દ્વારા તા.૨૪થી શરતોને આધિન દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય કરાયો હતો. દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ઓછામાં ઓછું ૬ ફૂટનુ અંતર રાખી ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.