જિઓપોલિટિકલ તનાવની અસરોમાં ઈકોનોમી ઘાયલ, માર્કેટ ડામાડોળ અને ઈન્વેસ્ટર્સ ક્ધફ્યુઝ, કિંતુ સમય ખરીદીનો
એલઆઈસીનો શેર ડિસ્કાઉન્ટમાં ખૂલશે તો સેન્ટિમેન્ટ બગડશે, અન્ય આઈપીઓની ચિંતા વધશે

સ્પેશિયલ -જયેશ ચિતલિયા
એલઆઈસીનો આઈપીઓ તો છલકાઈ ગયો, લિસ્ટિંગનો સમય સાવ નજીક આવી ગયો છે. એ પહેલાં પ્રીમિયમ માર્કેટમાં તેના ભાવ ડાઉન તો ઠીક ડિસ્કાઉન્ટમાં બોલાવા લાગ્યા છે. લિસ્ટિંગ બાદ શું થશે? કારણ કે બજાર હાલ દિશાહીન છે. આ સાથે અન્ય આઈપીઓના હાલ પણ શું થશે એ ઈશ્ર્વર જાણે. સતત વર્તમાન સમય પેનિકમાં આવી જવાય એવો છે, કિંતુ આવવું નહીં, બલકે આપણા અર્થતંત્રની મજબૂતાઈને ધ્યાનમાં રાખી સારા સ્ટોક્સ જમા કરવાની તકનો ઉપયોગ કરવો જોઈએ
------
આ સમયમાં સ્માર્ટ ઈન્વેસ્ટરો કહે છે કે, આજથી છ થી બાર મહિના બાદનું વિચારો, છ મહિના પછી તમને લાગશે કે રશિયા-યુક્રેન વિવાદ અને ગ્લોબલ ડાઉનટ્રેન્ડ એ તો બજારમાં ખરીદીની તક હતી. જો કે ઘટતા બજારમાં બહુ ઓછાં રોકાણકારો આવું વિચારી શકે છે અને વિચારે તો પણ ખરીદીની હિંમત બહુ ઓછા કરી શકે છે. આવા સમયમાં બજાર હજી ઘટશે ત્યારે લેશું એ વિચાર ચાલ્યા કરે છે અને મોટેભાગે ખરીદીની તક ચુકી જવાય છે.
ઈન્ડેકસ અને સ્ટોકસના ભાવોમાં લાલ નિશાની જ વધુ દેખાતી હોય ત્યારે આવો ભાવ થવો સહજ છે. યુદ્ધના પરિણામ સ્વરૂપે જે-જે સ્થિતિ સર્જાઈ છે, તેમાં ઈન્ફલેશન અને વ્યાજદર ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. દરેક અર્થતંત્ર પર ગંભીર અસર છે, તેમછતાં ભારતીય ઈકોનોમી માટે લાંબા ગાળાના વિકાસનો ફંડામેન્ટલ્સ આધારિત વિશ્ર્વાસ હોવાથી ઘટાડો છતાં ખરીદીનો આ ઉત્તમ સમય ગણાય છે. એ ખરું કે ભારતીય શેરબજાર હાલ ગ્લોબલ અસરો હેઠળ ડામાડોળ અને વોલેટાઈલ બન્યું છે. સરકાર તરફથી આર્થિક સુધારા અને નવા નીતિ વિષયક વિકાસલક્ષી પગલાં જાહેર થતાં જાય છે. જેની લાંબા ગાળાની અસર સારી રહેવાની આશા અવશ્ય રાખી શકાય, બાકી હાલની વોલેટિલિટીમાં રોકાણ કે ટ્રેડિંગ સંબંધી વિવેકબુદ્ધિ વધુ જરૂરી છે. હાલ સેકટર સાથે સ્ટોક સ્પેસિફિક ધ્યાન આપવામાં શાણપણ. બજારને અસર કરતા કેટલાંય પરિબળો આપણા નિયંત્રણમાં હોતા નથી. આપણે કેટલા પણ બુલિશ હોઈએ, બજારનું કોઈ પરિબળ માર્કેટને બેરિસ કરી શકે અને આપણે બેરિસ હોઈએ ત્યારે બુલિશ કરી શકે છે.
વિવિધ સેક્ટરને નવી
પોલિસીથી પ્રોત્સાહન
સરકાર એકતરફ ગ્રીન પોલિસી લાવી રહી છે, ગુજરાતે હજી થોડા દિવસો પહેલાં જ અઢળક રાહતો સાથેની ખાસ આઈટી પોલિસી જાહેર કરી છે, જેને લીધે ગુજરાતમાં આઈટી સેકટરને જબ્બર વેગ મળવાની અને રોજગાર સર્જનની તક વધવાની આશા છે, જયારે કે ગુજરાત કેન્દ્રના સહયોગ સાથે બાયોટેકનોલોજી પોલિસી પણ લાવ્યું છે. જેની માટે પણ ઢગલાબંધ રાહતો અને પ્રોત્સાહન અપાયા છે. આ સાથે સરકાર હાઈડ્રોજન ઉત્પાદનને વેગ મળે એવી પોલિસી લાવી રહી છે, જે આ સેકટરને પ્રોત્સાહિત કરશે. આને કારણે રિલાયન્સ ઈન્ડ. અદાણી એન્ટરપ્રાઈસીસ, અદાણી ગ્રીન, ગેઈલ ઈન્ડિયા, એનટીપીસી, ઈન્ડિયન ઓઈલ, લાર્સન-ટુબ્રો અને કયુમિન્સ ઈન્ડિયા જેવા સ્ટોકસને બુસ્ટ મળશે એવી ધારણા છે. આ ઉપરાંત સરકાર સેમિક્ધડકટર ચીપ સ્કિમ લાવવાની સક્રિય તૈયારીમાં છે, જેની વિશ્ર્વમાં ઊંચી માગ છે, ભારત તેનું ઉત્પાદન હાથ ધરવા ઉત્સુક છે. આ માટે સરકારે ૧૦ અબજ ડોલરનું ઈન્સેન્ટિવ પેકેજ નકકી કર્યું છે. આ વિષયમાં સરકાર ટોચની ચીપ કંપનીઓ ઈન્ટેલ, સેમસંગ, ગ્લોબલ ફાઉન્ડ્રીઝ વગેરે સમાન કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. આ દૃષ્ટિએ રોકાણકારોએ વિચારીને આ સેકટર્સના સ્ટોકસ પર ધ્યાન આપવામાં સલાહભર્યું ગણાશે.
ઈન્વેસ્ટરોને કોમન સવાલ
એક કોમન સવાલ. કોઈપણ ચીજ-વસ્તુ તમે કયારે ખરીદો? જવાબ એ જ હશે કે એ વસ્તુ સસ્તમાં મળતી હોય ત્યારે, પરંતુ સારી ગુણવત્તાવાળી વસ્તુ સસ્તામાં ન પણ મળે, તેમછતાં આપણે વાજબી ભાવે ખરીદવાની અપેક્ષા અને તૈયારી તો રાખીએ જ. કોરોનાના કપરાં કાળમાં બજાર ડબલ કરતા વધી ગયું હતું, વાસ્તવમાં ૧૦૦ ટકાથી ઉપર વધ્યું કહી શકાય. અમુક સ્ટોકસ તો ૨૦૦ થી ૩૦૦ ટકા વધ્યા. તો પછી હાલ યુદ્ધ જેવા કારણમાં બજાર ૧૨ થી ૧૫ ટકા ઘટે એ સહજ નથી? આ યુદ્ધ ભલે વિશ્ર્વ યુદ્ધ નથી, કિંતુ તેની અસર ગ્લોબલ છે. અને હા, આવા અણધાર્યા સંજોગો માટે શેરબજારમાં તૈયાર રહેવું જ પડે. આવા વોલેટાઈલ સમયમાં ટ્રેડર્સ વર્ગ મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ રોકાણકાર વર્ગ તો આને બજારની સાઈકલનો એક ભાગ ગણે છે અને ઘટાડાને વધુ ખરીદીનો અવસર બનાવે છે.
ભવિષ્યમાં રંજ ન કરવો પડે
હાલ ખરીદીથી સાવ જ દૂર રહેનારા લોકો ભવિષ્યમાં પોતાની ભૂલ પ્રત્યે રંજ કરશે. બજારમાં ખરીદીનો ઉત્તમ સમય મંદી અને ઘટાડા-કડાકાનું વાતાવરણ જ ગણાય. જોકે આ સમયમાં જ લોકો આ સત્ય ભૂલી જાય છે અને ખરીદીની વાત તો બાજુએ રહી, લોકો વેચવા દોડી જાય છે. ઘણાં સીધા-સાદા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી બંધ કરાવવા તૈયાર થઈ જાય છે, જયારે કે મંદીના માહોલને લીધે આ પ્લાનથી જ તેમને ભવિષ્યમાં વધુ લાભ થવાનો હોય છે. એટલે જ કહે છે કે માર્કેટમાં ખોટા સમયે એન્ટ્રી અને ખોટા સમયે એકિઝટ રોકાણકારોને ખોટનો ધંધો કરાવે છે. જો આ સમયમાં તમને કોઈ સ્ટોકસ ખરીદવાનું ન સૂઝે તો એક ઉપાય તરીકે તમે ઈન્ડેકસ આધારિત ફંડ (ઈટીએફ) ના યુનિટસ ખરીદી શકો. યાદ રહે, છેલ્લા ગણતરીના દિવસોમાં જ મૂડીધોવાણ રૂ.૨૦ લાખ કરોડ જેટલું થઈ ગયું છે, શુક્રવારે બજારે ઘટાડાની ગાડીને બ્રેક મારી હતી. જો કે વર્તમાન સંજોગો હાલ તો મંદીના જ વધુ હોવાથી સાવચેતી જરૂરી છે.
વિકાસનો આશાવાદ શા માટે છે?
ભારતીય ઈકોનોમી અને માર્કેટ માટે સારા મુદા કહેવા હોય તો કંપનીઓ માટે બિઝનેસ તકો વધી રહી છે. દેવામાંથી ઘણી કંપનીઓ રાહત મેળવી રહી છે. પ્રમોટર્સમાં બિઝનેસના ભાવિ માટે આશા વધી રહી હોવાથી તેઓ પોતાનું હોલ્ડિંગ વધારી રહયા છે. નવી મૂડી આવી રહી છે. છેલ્લા અમુક સમયમાં સતત વેચવાલ રહેનાર ફોરેન ઈન્વેર્સ્ટ ખરીદી શરૂ કરશે ત્યારે વેગથી કરશે એવી આશા વહેલી-મોડી આકાર પામશે, ત્યાં સુધી ધીરજ જોઈશે. ખાનગી મૂડીરોકાણ વધી રહ્યું છે, જાહેર રોકાણ પણ વધશે. નિકાસ માટે અવકાશ વધશે. ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા સરકારની પ્રોત્સાહન સ્કિમ સારું પરિણામ આપશે. ગ્રીન એનર્જી સેકટર નવી રોકાણ તકો ઊભી કરશે. ભારત વિવિધ દેશો સાથે વેપાર સંબંધો વધારતું જવા ઉપરાંત મજબૂત બનાવતું જાય છે. ભારતીય માર્કેટની આજે જગતના વિવિધ દેશોને પણ જરૂર છે.
રોકાણકારો યાદ રાખે
હાલના બજારના ઘટાડાને ખરીદીની તક જરૂર માનવી, કિંતુ કોઈ ખરીદી એક ઝાટકે કરવી નહીં. આવા સમયમાં હાઈ વેલ્યૂ સ્ટોકસ અને લો ફલોટિંગ સ્ટોકસથી દૂર રહેવામાં શાણપણ રહેશે. બજારમાં હજી ઘટાડાને અવશ્ય અવકાશ દેખાતો હોવાથી મોટાભાગના રોકાણકારો એવરેજ કરતા પણ ડરે છે અને વધુ કરેકશનની રાહમાં છે, જોકે આમ કરવા કરતા દરેક મોટા કડાકામાં થોડી-થોડી ખરીદી કરતા જવી જોઈએ. હાલના સંજોગોમાં માર્કેટને કળ વળતા સમય લાગી શકે છે.
બોકસ
ભારતની ગ્રોથ સ્ટોરી મજબૂત છે?
ભારત માત્ર એશિયામાં જ નહી, બલકે વિશ્ર્વમાં બેસ્ટ ગ્રોથ સ્ટોરી ધરાવે છે. એવું વિધાન તાજેતરમાં જેફરીઝના ક્રિશ વુડે એક મિડિયા મુલાકાતમાં કહ્યું હતું. ક્રિશ વુડ ભારતના આર્થિક વિકાસ માટે આશાવાદી હોવા ઉપરાંત ઊંચો વિશ્ર્વાસ ધરાવે છે, ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ખેલાડી તરીકે તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ભારતીય કંપનીઓના સ્ટોકસને વધુ મહત્ત્વ આપે છે, જેનું વેઈટેજ ૧૪ ટકા જેટલું છે. છેલ્લાં દસ વરસથી ભારત માટે બુલિશ રહેલા ક્રિશ વુડ માને છે કે હાલ જે રીતે ફોરેન ઈન્વેસ્ટર્સની સતત આક્રમક વેચવાલી વચ્ચે ભારતના સ્થાનિક ઈન્વેસ્ટર્સ ખરીદીનો પ્રવાહ ચાલુ રાખીને સામનો કરી રહ્યાં છે તે નોંધનીય છે. જો કે તેમનું કહેવું છે કે તેઓ નિફટી ૧૪૦૦૦ પર આવશે ત્યારે તેઓ ભરપુર ખરીદી કરશે. અલબત્ત, આમાં એક છુપી કરેકશનની ધારણા વ્યકત થાય છે. વુડના મતે ભારત માટે આ વરસ કોન્સોલિડેશનનું રહેશે, જો કે તેમાં કોઈ કડાકા-ભડાકા થવાની શકયતા નથી. બીજીબાજુ મોર્ગન સ્ટેનલીએ ભારતના વિકાસદરની ધારણા વરસ ૨૦૨૩ અને ૨૦૨૪ માટે ઘટાડી છે, તે ભારતમાં મોંઘવારીના ઊંચા દરને અને માગની અછતને મોટો પડકાર માને છે. ક્રૂડના ઊંચા ભાવ પણ ભારત માટે બોજરૂપ છે. આમ ભારત સામે આર્થિક પડકાર વધ્યા છે, તેમછતાં આ પડકાર વચ્ચે ભારતનું અર્થતંત્ર ઝડપી રિકવરીની આશા આપવા સમર્થ બને એવા સંકેત પણ છે. સારું ચોમાસું તેમાનું એક મહત્ત્વનું પરિબળ બની શકે.