પોરબંદરમાં યાયાવર પક્ષીઓનો કલરવ ગૂંજ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતનું પોરબંદરગાંધી જન્મભૂમિ તરીકે દુનિયાભરમાં જાણીતું પોરબંદર હાલ પક્ષી નગરી તરીકે પણ એટલું જ જાણીતું બન્યું છે. દર વર્ષે શિયાળો શરૂ થતાંની સાથે જ લાખોની સંખ્યામાં દેશી-વિદેશી પક્ષીઓ પોરબંદરના મહેમાન બનીને અહીં કલરવ કરતા જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
પોરબંદર જિલ્લાના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીની સિઝન એ ફ્લેમિંગોની સિઝન છે, આ સિવાય કુંજ, ડક્સ અને પેલિકન સહિતના અંદાજે ૨૦૦ થી વધુ વિવિધ પક્ષીઓ જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ વિદેશથી પક્ષીઓ અહીંની મહેમાનગતિ માણતા હોય છે. આ વિસ્તારમાં જે વોટર બોડીઝની મોટી સંખ્યામાં આવેલા છે તે અને જે રીતે અહીં શિકારના બનાવ બનતા ન હોવાથી પક્ષીઓ અહી સલામતી અનુભવે છે તેના કારણ પક્ષીઓ અહીં વધુ આવે છે. અમુક પક્ષીઓને તો પોરબંદરનું આતિથ્ય એવું પસંદ આવી ગયુું છે કે તે કાયમી માટે અહીંના જ રહેવાસી બની ગયા છે. પક્ષીઓ જે રીતે કુદરતની અનેરી દેન છે તેમ તેઓના ખોરાકમાં પણ ઘણી જ વિવિધતા રહેલી છે, જેમ કે,ફ્લેમિંગો છે તેનો ખોરાક આલ્ગી છે જે બહારથી પુરી પાડી નથી શકાતી તે કુદરતી ઊગે છે અને પોરબંદરમાં આ ખોરાક મળી રહેતો હોવાથી ફ્લેમિંગો વધુ પ્રમાણમાં અહીં વસવાટ કરતા જોવા મળે છે. અમુક કુંજ સહિતના પક્ષીઓ જે છે તેઓના મુખ્ય ખોરાક એવા ચણા અને મગફળી તેઓને ખેતરોમાંથી મળી રહેતી હોવાથી તેઓ વધુ પ્રમાણમાં અહીં વિહરતી જોવા મળે છે. જિલ્લાના પક્ષીવિદો અને પક્ષીપ્રેમીઓ હાલ આવા જ હજારો પક્ષીઓના કલરવ અને આકાશને ઢાંકીને ઊંચી ઉડાન ભરતા પક્ષીઓને નિહાળીને કુદરતની આ કરામતને લ્હાવો લેતા જોવા મળી રહ્યા છે.