સામ્યવાદીઓએ કરેલી દલિતોની કત્લેઆમનો લોહિયાળ ઇતિહાસ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
"પશ્ર્ચિમ બંગાળની સામ્યવાદી સરકારે અમારો આર્થિક બહિષ્કાર ચાલુ કર્યો હતો. ૧૯૭૯ની ૨૬મી જાન્યુઆરીએ પોલીસની ૩૦ જેટલી લોન્ચ બોટ અને ત્રણ જેટલી બીએસએફની સ્ટીમરે મોરીછાપી ટાપુને ઘેરી લીધો હતો. ઘણા દિવસોથી અમે અનાજ, પાણી કે દવા લેવા માટે ટાપુની બહાર જઇ શક્યા નહોતા. જ્યારે પણ અમારી હોડીઓ ટાપુથી દૂર જવાનો પ્રયત્ન કરે કે પોલીસની લોન્ચ ટક્કર મારીને અમારી હોડીને ડુબાડી દેતી હતી અને હોડીમાં સવાર લોકો ડૂબી જતા હતા. અમારા નેતા સતીષ મોન્ડાલ અને રંગલાલ ગોલ્ડારે નક્કી કર્યું કે એક હોડીમાં ફક્ત સ્ત્રીઓને બેસાડીને જ પાણી અને અનાજ લેવા મોકલીએ. પોલીસ કદાચ મહિલાઓને જોઇને હોડીને જવા દેશે. પરંતુ અમે ખોટા પડ્યા. ખાખી વર્દીધારીઓએ મહિલાઓની હોડીને પણ ટક્કર મારીને ડુબાડી દીધી. મહિલાઓ ડૂબી રહી હતી ત્યારે હું અને બીજા ૪૦૦ જેટલા પુરુષો હિંમત કરીને એમને બચાવવા દોડ્યા. અમે નદીમાં ડૂબકી મારીને તરતાં તરતાં પહોંચ્યા ત્યારે ડૂબી રહેલી મહિલાઓ પર પોલીસે ફાઇરિંગ શરૂ કર્યું. જોકે અમે હિંમત કરીને કેટલીક મહિલાઓને બચાવી લીધી....
બંગલાદેશથી શરણાર્થી તરીકે આવીને પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલા સંતોષ સરકાર ઉપરનો પ્રસંગ યાદ કરતા લગભગ રડી પડ્યા હતા. મોરીછાપી શું છે અને ત્યાં શું શું થયું હતું એની આપવીતી કહેવા માટે સંતોષ સરકાર જેવા બીજા કેટલાક બંગાળી હિન્દુઓ હજી હયાત છે.
પશ્ર્ચિમ બંગાળમાં કોલકાતાથી આશરે ૭૦ કિલોમીટર દૂર આવેલા સુંદરવનના જંગલોની વચ્ચે મોરીછાપી નામનો નાનકડો ટાપુ આવ્યો છે. ૧૯૪૭ના ભાગલા વખતે એ વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા હિન્દુઓમાંથી, ઉપલા વર્ગના હિન્દુઓ કોલકાતા સ્થાયી થવા માટે નસીબદાર રહ્યા હતા. મોટા ભાગના ગરીબ અને દલિત હિન્દુઓને પશ્ર્ચિમ બંગાળમાં આવકાર મળ્યો નહીં હોવાથી તેઓ ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સ્થાયી થયા હતા. આ હિન્દુઓની હાલત ખૂબ જ કપરી હતી. જંગલમાં તેઓ આદિવાસીઓની સાથે રહીને ભૂખમરામાં દિવસો પસાર કરતા હતા. હિટલરના કોન્સનટ્રેશન કેમ્પમાં જે હાલત યહુદીઓની હતી એવી જ હાલત હિન્દુ શરણાર્થીઓની હતી. ૬૦ના દાયકામાં પણ પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો દ્વારા થતા અત્યાચારથી કંટાળીને હિન્દુઓ મહામહેનતે ભારત શરણાર્થી તરીકે આવ્યા હતા. એ વખતે પશ્ર્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સીપીઆઇ (એમ) વિરોધ પક્ષ તરીકે હતો. મધ્ય પ્રદેશના જંગલોમાં સ્થાયી થયેલા આ શરણાર્થીઓને બંગાળમાં સ્થાયી થવાનું આમંત્રણ અને લાલચ સામ્યવાદીઓએ આપી હતી.
સામ્યવાદી કહો, ડાબેરી કહો, માઓવાદી કહો કે અર્બન નક્સલ કહો. પ્રજાતિ એક જ છે. આ પ્રજાતિ હંમેશા એવો દેખાડો કરે છે કે તેઓ ગરીબોના મસિહા છે. લિબરલ છે. સેક્યુલર છે. પોતાના વિરોધીઓ માટે તેઓ હંમેશા ફાસિસ્ટ, કોમવાદી, માસ મર્ડરર... જેવા શબ્દપ્રયોગનો ઉપયોગ છુટથી કરે છે. સામ્યવાદીઓનો અસલી ચહેરો જોવો હોય તો ઘણા બધા દાખલા આપી શકાય. એક પુસ્તકે આ સામ્યવાદીઓનો એક એવો બિહામણો અને બર્બર ચહેરો એક્સપોઝ કર્યો છે કે કદાચ હિટલર અને મુસોલિની જેવા ક્રૂર શાસકોને પણ સારા કહેવડાવે.
સામ્યવાદીઓ જે ઇતિહાસને વિશ્ર્વથી છુપાવવા માંગતા હતા, જેના ઉલ્લેખ માત્રથી છળી ઊઠતા હતા એ વિશ્ર્વસમક્ષ બેનકાબ થઈ ગયો છે.
સિત્તેરના દાયકાના અંતભાગમાં પશ્ચિમ બંગાળની સત્તા પર પહેલી વખત સામ્યવાદીઓએ કબજો જમાવ્યો. મુખ્યપ્રધાન તરીકે જ્યોતિ બસુ હતા. સામ્યવાદીઓની વાતમાં વિશ્વાસ રાખીને કેટલાક હજાર શરણાર્થીઓ મોરીછાપી ટાપુ પર સ્થાયી થયા. જાત મહેનતે એમણે જંગલમાં મંગલ જેવું વાતાવરણ ઊભુ કર્યું. તેઓ માંડ બે પાંદડે થયા તે સામ્યવાદીઓની આંખમાં ખૂંચવા માંડ્યા. આ શરણાર્થીઓમાંથી મોટા ભાગના નવશુદ્ર તરીકે ઓળખાતા દલિત હતા. સામ્યવાદી સરકારે મોરીછાપીના શરણાર્થીઓને ધમકી આપવાની ચાલુ કરી કે તેઓ ટાપુ ખાલી કરી નાખે. ધમકીઓથી ડરીને કેટલાક શરણાર્થીઓ સુંદરવન જંગલની અંદર ભાગી ગયા. આ ભાગેલા શરણાર્થીઓમાંથી કેટલાકને રેલવે સ્ટેશન પરથી જ પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. દિવસો સુધી એમને ખોરાક અને પાણી આપવામાં આવ્યા નહીં. કેટલાકને તડીપાર કરવામાં આવ્યા. ત્યાર પછી મોરીછાપીમાં રહી ગયેલા ૪૦ હજાર જેટલા દલિત શરણાર્થીઓ પર જે અત્યાચાર થયા તેનો જોટો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જડે તેમ નથી.
સરકારે પોલીસ મોકલીને શરણાર્થીઓનાં ઝૂંપડાઓ સળગાવી દીધાં. ટાપુને ચારે તરફથી ઘેરી લઈને અનાજ અને પાણીનો પૂરવઠો અટકાવી દેવામાં આવ્યો. અનાજ, પાણી અને દવા વગર હજારો શરણાર્થીઓ મૃત્યુ પામ્યાં. પોલીસ અત્યાચારમાં બાકીના બીજા જે મૃત્યુ પામ્યા એ બધાનો આંકડો ગણતા એમ કહેવાય છે કે ૧૦ હજાર હિન્દુ શરણાર્થીઓની કત્લેઆમ કરવામાં આવી હતી. ૧૯૭૧ના યુદ્ધ પછી જ્યારે પૂર્વ પાકિસ્તાન બંગલાદેશ બન્યું ત્યાર પછી ત્યાંના હિન્દુઓ પર થતા અત્યાચારમાં ઘટાડો થયો નહીં એટલે અહીંના હિન્દુઓ માટે સૌથી મોટી દ્વિધા એ હતી કે એમણે કરવું શું?
શરૂઆતમાં જે શરણાર્થીઓ આવ્યા હતા તેમને દંડકારણ્યમાં કામચલાઉ તંબુઓ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. આવા હિન્દુ શરણાર્થીઓ માટે મોરીછાપીનો ટાપુ એ કાયમના વસવાટનું સ્થળ બની શકે એમ હતું. શરણાર્થીઓ આવ્યા એ પહેલાં મોરીછાપી ટાપુ પર કોઈ વસવાટ કરતું નહોતું એટલે સામ્યવાદી સરકાર પાસે દલિતોની કત્લેઆમ કરવા માટે કોઈ કારણ પણ નહોતું.
દિપ હલદર નામના તેજસ્વી પત્રકારે મોરીછાપી હત્યાકાંડમાંથી બચી ગયેલા અને જેમણે હત્યાકાંડ વિશે ફર્સ્ટહેન્ડ માહિતી મેળવી હતી તેવાઓને મળીને ‘બ્લડ આઇલેન્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પહેલાં મોરીછાપીના હત્યાકાંડને પૃષ્ઠભૂમિમાં રાખીને અમિતાવ ઘોષ નામના જાણીતા લેખકે એક નવલકથા પણ લખી હતી.
---------
થાઇલેન્ડમાં ૨૦,૯૯૯ ઈંડાંની ઓમલેટ બની!
વિદેશોમાં આજકાલ કોઈ વાનગીને પ્રિય બનાવવી હોય તો એ વાનગીને આદમકદમાં બનાવીને પ્રચાર કરવાની ફેશન ચાલી છે. ઇટાલિયન વાનગીનું રેસ્ટોરાં ખૂલે તો તેમાં મોટા રૂમ જેટલા વિશાળ પિત્ઝા બનાવીને લોકોને આકર્ષવામાં આવે છે. થાઇલેન્ડમાં ઇંડાનો વપરાશ વધારવાની ઝુંબેશ ચાલી છે. બેંગકોકથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા ચાચેંગસાઓ પ્રદેશમાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૦૦ જેટલી થાઈ ગૃહિણીઓએ મળીને ૨૦,૯૯૯ ઇંડાંની એક મહાઆદમકદ ઓમલેટ બનાવીને રજૂ કરી હતી. આ ઓમલેટ બનાવવા માટે આ ૧૧૦૦ ગૃહિણીઓની મદદે બીજા ૪૯૯ જેટલા આસિસ્ટન્ટ્સ પણ હતા. આ બધાને આશા છે કે તેમની આ મહેનત બદલ તેમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડઝમાં જરૂર સ્થાન મળશે. ચાચેંગસાઓના ગવર્નર થેરાવત કુલાનીત કહે છે કે, "ઇંડા એ સૌથી સસ્તી અને પૌષ્ટિક વસ્તુ છે. આ વિશાળ ઓમલેટની જાહેરાતથી ઇંડાંનું વેચાણ વધશે અને દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે. આ જંગી ઓમલેટ બનાવવા માટે ચાચોંગસાઓની ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થીઓએ એક ખાસ તવો બનાવ્યો હતો. ૬ બાય ૯ મીટરના એ તવાનો સરફેસ એરિયા ૫,૪૦,૦૦૦ ચોરસ સેન્ટિમીટરનો હતો અને તવાનું વજન હતું ૪,૯૯૯ કિલોગ્રામ. એક થાઈ સૈનિકે ઓમલેટ બનાવવા બળતણ માટે ૧૨૨.૫ કિલો ચારકોલ સળગાવ્યો હતો. કુલ મળીને લગભગ ૧૬૦૦ લોકોની મહેનતથી તૈયાર થયેલી આ ઓમલેટની રેસિપી જરા પણ ખાનગી રહી શકી નહોતી. ૧૫૦૦ કિલો ઈંડાંની આ ઓમલેટ બનાવવા માટે ૧,૦૦૦ લિટર ખાદ્યતેલ, ૩૧.૫ લિટર ફિશ સોસ અને ૮ લિટર લેમન જ્યુસ વાપરવામાં આવ્યો હતો. પણ લાખ રૂપિયાનો સવાલ છે એ કે એ લોકો ૨૦,૯૯૯ ઇંડાંની ઓમલેટ શા માટે બનાવી ? એક ઈંડું વધારે ફોડ્યું હોત તો ૨૧,૦૦૦નો રાઉન્ડ ફિગર થઈ ગયો હોત. શું એ લોકોએ બાટા શૂઝના ભાવમાંથી પ્રેરણા લીધેલી ?