સુપ્રીમ કોર્ટ મેરિટલ રેપના કાયદાને તર્કસંગત બનાવે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અંગ્રેજોએ બનાવેલા રાજદ્રોહના કાયદાને રદ કરવા મુદ્દે ભારતમાં લાંબા સમયથી ચાલતા કાનૂની જંગમાં અંતે સુપ્રીમ કોર્ટે કડક વલણ લઈને હાલ પૂરતો આ કાયદાના અમલ મોકૂફ કરાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, અત્યારે જેમની સામે રાજદ્રોહના કેસ નોંધાયેલા છે એ કેસોની સુનાવણી નહીં થાય કે રાજદ્રોહની કલમ હેઠળ નવી એફઆઈઆર પણ નહીં નોંધાય. રાજદ્રોહના કેસ હેઠળ જેલવાસ ભોગવનારાંને પણ જામીન મળી જશે. સુપ્રીમ કોર્ટનું વલણ યોગ્ય છે અને હવે આ કલમ રહેશે કે નહીં તેનો બધો આધાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કાયદાની સમીક્ષા કરીને શું નક્કી કરે છે તેના પર છે.
રાજદ્રોહના કાયદાનો ભયંકરરીતે દુરૂપયોગ થતો હતો તેથી સુપ્રીમ કોર્ટનું વલણ પ્રજાના હિતમાં છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટ પાસે બીજો મહત્ત્વનો મુદ્દો પહોંચે એવી શક્યતા છે. મેરિટલ રેપ એટલે કે લગ્નના નામે સ્ત્રી પર થતા બળાત્કારનો મુદ્દો લાંબા સમયથી ગાજ્યા કરે છે. મેરિટલ રેપને અપરાધ ગણવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજીઓ થઈ છે. મેરિટલ રેપ એટલે કે પત્નીની સહમતી વગર તેની સાથે શરીર સંબંધ બનાવવાના કેસમાં એનજીઓ આરટીઆઈ ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ ઍસોસિયેશન અને બે વ્યક્તિઓ દ્વારા ૨૦૧૫માં અરજીઓ કરાઈ હતી.
કેન્દ્ર સરકારે મેરિટલ રેપને ગુનો નહીં માનવાની તરફેણ કરી છે. ૨૦૧૭માં કેન્દ્રે કરેલી એફિડેવિટમાં ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપીને મેરિટલ રેપને ગુનો નહીં ગણવાની તરફેણ કરી હતી. કેન્દ્રે કહ્યું હતું કે, ભારત આંખો મીંચીને પશ્ર્ચિમનું અનુસરણ ના કરી શકે તેથી મેરિટલ રેપને ગુનો ના કહી શકીએ. જાન્યુઆરી ૨૦૨૨માં ફરી સુનાવણી શરૂ થઈ ત્યારે પણ કેન્દ્રે કોર્ટને કહેલું કે, મેરિટલ રેપને અપરાધ ના ગણી શકાય.
લગભગ સાત વર્ષની સુનાવણી પછી ૨૧ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખેલો. એ પહેલાં સુનાવણી પૂરી થઈ પછી ૭ ફેબ્રુઆરીએ કોર્ટે જવાબ આપવા કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો હતો. કેન્દ્ર પાસેથી ૨૧ ફેબ્રુઆરી સુધી કોઈ જવાબ ના મળતાં છેવટે કોર્ટે તેના જૂના વલણને જ હાલનું વલણ માનીને ચુકાદો લખી દીધો હતો પણ જાહેર કરાયો નહોતો.
બુધવારે આ ચુકાદો જાહેર કરાયો તેમાં આ મુદ્દે બે જજ વચ્ચે મતભેદ થયા હોવાનું કહેવા છેવટે મુદ્દો સુપ્રીમ કોર્ટ પાસે જાય એવી શક્યતા છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ શકધરે કહ્યું કે, લગ્નના નામે સ્ત્રી પર થતા બળાત્કાર થાય એ ઈન્ડિયન પિનલ કોડ (ઈંઙઈ)ની કલમ ૩૭૫ અને બંધારણની કલમ ૧૪નો ભંગ છે તેથી અપરાધ ગણાય. આઈપીસીની કલમ ૩૭૫ હેઠળ સ્ત્રીની મરજી વિના શરીર સંબંધ બાંધવો બળાત્કાર ગણાય છે જ્યારે બંધારણની કલમ ૧૪ કાયદા સામે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાનતાનો અધિકાર આપે છે.
મેરિટલ રેપમાં સ્ત્રી પરણેલી છે કે અપરણિત છે એવો ભેદભાવ કરાય છે તેથી સમાનતાના અધિકારનો ભંગ થાય છે એવું જસ્ટિસ શકધરનું વલણ છે. બીજા જજ જસ્ટિસ સી હરિશંકરનું કહેવું છે કે, મેરિટલ રેપને કોઈ કાયદાનું ઉલ્લંઘન ના માની શકાય. આઈપીસીની કલમ ૩૭૫માં પુરુષ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધે તો એ મેરિટલ રેપ ન ગણાય એવો અપવાદ રખાયો જ છે. પત્નીની વય ૧૫ વર્ષથી ઓછી ના હોય તો પુરુષ તેની સાથે શરીર સંબંધ બાંધી શકે છે એવો અપવાદ રખાયેલો જ છે તેથી પતિનો પત્ની સાથે મરજી વિના પણ શરીર સંબંધ બાંધવો રેપ નથી.
બંને જજની બેંચે અરજી કરનારને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા કહ્યું છે. છેલ્લાં સાત વર્ષથી કાનૂની લડત લડનારા પક્ષકારો સ્વાભાવિકરીતે જ સુપ્રીમ કોર્ટમાં જશે જ તેથી આ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે જ નિર્ણય લેવો પડશે. જસ્ટિસ હરિશંકરે કાયદાનું અર્થઘટન કર્યું છે કેમ કે આઈપીસીની કલમ ૩૭૫માં પુરુષ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધે તો એ મેરિટલ રેપ ન ગણાય એવો અપવાદ રખાયો જ છે. સામે જસ્ટિસ શકધરે પણ આઈપીસીની કલમ ૩૭૫ અને બંધારણની કલમ ૧૪ના ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે. આ બંનેમાંથી કોનું વલણ સુપ્રીમ કોર્ટમાં સાચું ઠરે છે એ જોવાનું રહે છે.
સુપ્રીમ કોર્ટ દેશના કાયદા અને બંધારણનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ સંસ્થા છે તેથી એ જે પણ ચુકાદો આપે એ શિરોમાન્ય જ ગણાય. સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે એ ખબર નથી પણ પહેલાં મેરિટલ રેપને લગતા અપવાદમાં પહેલાં લીધેલા વલણ પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ કંઈક તો કરશે જ.
આઈપીસીની કલમ ૩૭૫ પ્રમાણે પુરુષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે પણ શારીરિક સંબધો બાંધે તો બળાત્કાર ન કહેવાય. સુપ્રીમ કોર્ટે આ વાહિયાત જોગવાઈ રદ કરી નાંખીને ચુકાદો આપેલો કે, પુરુષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે શારીરિક સંબધો બાંધે તો એ બળાત્કાર ગણાય, આ બળાત્કાર બદલ પુરુષને બળાત્કારના કાયદા પ્રમાણે સજા થવી જ જોઈએ.
સુપ્રીમનો ચુકાદો ઐતિહાસિક હતો કેમ કે આ વિચિત્ર જોગવાઈ આપણા કાયદાઓને હાસ્યાસ્પદ બનાવી દેતી હતી. બાળલગ્નના કાયદા પ્રમાણે ૧૮ વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન ના કરી શકાય.
આપણા કાયદામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પરસ્પર સંમતિથી સેક્સ માણવાની વય પણ ૧૮ વર્ષ નક્કી કરાઈ છે. ૧૮ વર્ષથી નાની છોકરી સાથે કોઈ પુરુષ શરીર સંબંધ બાંધે તો એ બળાત્કાર ગણાય કેમ કે ૧૮ વર્ષથી નાની છોકરી સગીર ગણાય.
પુરુષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કરીને શારીરિક સંબધો બાંધે તો તેનો અર્થ એ કે તેણે બાળલગ્નના કાયદા અને શારીરિક સંમતિ માટેની વયને લગતા કાયદાનો પણ ભંગ કર્યો છે. બે કાયદાનો ભંગ કર્યો હોવા છતાં તેણે લગ્ન કરી લીધાં હોવાથી કશું ના થાય એવી જોગવાઈ આપણા કાયદાની મજાક સમાન હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા એ મજાકને દૂર કરીને કાનૂની જોગવાઈને તર્કસંગત બનાવી હતી.
આશા રાખીએ કે મેરિટલ રેપના કાયદાને પણ સુપ્રીમ કોર્ટ તર્કસંગત બનાવે.