ચિંતન શિબિર વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો: વરિષ્ઠ નેતા સુનીલ જાખડે આપ્યું રાજીનામુ, કહ્યું- ગુડ લક એન્ડ ગુડ બાય

રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિર વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે પાર્ટીથી અલગ થવાનો નિર્યણ લીધો છે. એમણે કહ્યું હતું કે પાર્ટી પથારીવશ નજરે ચડી રહી છે. ગુડ લક એન્ડ ગુડ બાય ટૂ કોંગ્રેસ.
પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર લાઇવ આવીને કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીની પણ ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે કોંગ્રેસની હાલત કથળી ગઇ છે. ચિંતન શિબિરથી કોઇ ફાયદો થવાનો નથી. પાર્ટીએ તેની અંદર સુધાર લાવવો પડશે. ચિંતન નહીં, ચિંતા કરવાની જરૂર છે.
એમણે કહ્યું હતું કે જો ખરેખર ચિંતા હોત તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં થયેલી હાર બદલ કમિટી બનાવી હોત. આનું કારણ શાધ્યું હોત કે કેવી રીતે 403માંથી 300 સીટ પર કોંગ્રેસ ઉમેદવારને બે હજાર વોટ પણ ન મળ્યા. આનાથી વધુ વોટ તો પંચાયતના ઉમેદવારને મળી જાય છે. એમણે કહ્યું હતું કે આ માટે જવાબદાર ઉમેદવાર નથી, પણ પાર્ટી નેતૃત્વ છે, જેણે કોંગ્રેસની દુર્દશા કરી છે.