અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
ઉંમર ૧૦૦, ઉત્સાહ સોળનો
ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ પડી શકે, ચાલ ધીમી થઈ જાય, ખોરાક ઘટી જાય, નીંદર ઓછી આવે વગેરે વગેરે શારીરિક ઘસારા પહોંચી શકે. પણ ઉમંગ અને ઉત્સાહને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી હોતી. યુએસએના ફ્લોરિડા રાજ્યના ફોર્ટ પિયર્સ શહેરમાં રહેતાં દાદીમાએ ૧૦૦મા વર્ષની ઉજવણી આકાશમાંથી છલાંગ લગાવી - સ્કાય ડાઇવિંગ - કરી હતી. હેરત પમાડે એવી વાત તો એ છે કે રેમોન્ડ સુલિવાન નામના દાદીમાએ જીવનમાં પહેલી વાર સ્કાય ડાઇવિંગ કર્યું હતું. જે ઉંમરે મોટાભાગના લોકો કાં તો વૃદ્ધાશ્રમના સંગાથીઓ સાથે કે પછી મંદિરના ઓટલે પ્રભુ ભક્તિ કરી વરસગાંઠ પસાર કરે એ ઉંમરે ઊંચાઈએ ઉડતા વિમાનમાંથી છલાંગ લગાવી જીવનના અનોખા અવસરની ઉજવણી કરી હતી. પ્રથમ વિશ્ર્વ યુદ્ધમાં રણમોરચે ઘાયલ સૈનિકો માટે નર્સની સેવા આપનાર શ્રીમતી સુલિવાને સ્કાય ડાઇવ કર્યા પછી સ્થાનિક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘૧૦૦ વર્ષના આયુષ્યમાં મેં જાત જાતના અખતરા કરી અનેક શોખ પૂરા કર્યા છે, પણ સ્કાય ડાઇવિંગ ક્યારેય નહોતું કર્યું. હજી શરીર સાથ આપે છે તો આ શોખ પણ પૂરો કરી લઉં એ ઈરાદા સાથે કોશિશ કરી. સાચું કહું તો ઉત્સાહમાં વિમાનમાંથી છલાંગ તો લગાવી, પણ થોડો ડર પણ લાગ્યો. આ મારું પહેલું અને છેલ્લું સ્કાય ડાઈવિંગ છે.’ જમીન પર ઉતરાણ કર્યા પછી મિત્રો અને પરિવાર સાથે દાદીમાએ બર્થ - ડેની ઉજવણી કરી હતી.
-------
વેચવાનો છે પતિ, ઘર સાથે
અજબ દુનિયાના ગજબ કિસ્સામાં આજે વાત માંડી છે એક અમેરિકન મહિલાની જેણે અજીબોગરીબ વેચાણ ઓફર મૂકી છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો ડાયલોગ ‘બડે બડે દેશોં મેં છોટી છોટી બાતેં હોતી રેહતી હૈ’નો હવાલો આપી આ ઓફરની વાત કરવી જોઈએ. આ સન્નારીએ પોતાનું ઘર વેચવા માટે એક જાહેરખબર આપી છે. તો એમાં અજબ શું અને ગજબ શું એમ તમે કહી શકો, પણ વેચાણ સાથે સન્નારીએ એક અજબગજબની ઓફર મૂકી છે જેનું અચરજ અનેક લોકોને થઈ રહ્યું છે. ઓફરમાં જણાવ્યા અનુસાર ઘર ખરીદવા ઇચ્છતી વ્યક્તિ જો ઘરની સાથે સાથે છૂટાછેડા આપ્યા છે એ પતિને પણ રાખવા તૈયાર હોય તો એને ભાવમાં ખાસ્સું ક્ધસેશન આપવામાં આવશે. વાત આટલેથી નથી અટકતી. આ મહિલાએ પોતાના ભૂતપૂર્વ પતિની અનેક ખાસિયતોનું પણ વર્ણન કર્યું છે. નયનરમ્ય પનામા સિટી પર સ્થિત આ પ્રોપર્ટીની વિગતોમાં જણાવ્યા પ્રમાણે ત્રણ બેડરૂમ, બે બાથરૂમ, એક સ્વિમિંગ પુલ, હોટ ટબ જેવી આરામદાયક સગવડોનો સમાવેશ છે. આ સગવડો સાથે પતિનું નામ જોડવામાં આવ્યું હોવાથી લોકોને ખૂબ આશ્ર્ચર્ય થયું છે. આ મહિલા એટલી સ્માર્ટ છે કે આ જાહેરખબર સાથે તેણે પૂર્વ પતિ રિચર્ડના તમામ ફોટોગ્રાફ્સ પણ મૂક્યા છે. સાથે એમ પણ જણાવ્યું છે કે આ પતિ બોજ નહીં બને પણ સફાઈ કામમાં મદદ કરી કામનો બોજો હલકો કરી શકે છે. આ સિવાય રસોઈ કરશે અને કામ આવતી કેટલીક વસ્તુઓ બગડી જાય તો એનું રિપેરિંગ કરતા પણ તેને આવડે છે. આ ઓફર પતિને કારણે ‘લોભામણી’ બની હોવાનું કેટલાક લોકોનું માનવું છે.
---------
મન ચંગા તો કામ હો ઢંગ કા
આપણી સંસ્કૃતિમાં વામકુક્ષિનું મહત્ત્વ છે. વામ એટલે ડાબું અને કુક્ષિ એટલે પડખું. બપોરના ભોજન પછી અડધો કલાક માટે નીંદર લેવી એને વામકુક્ષિ કહેવાય છે. આનાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે અને આરામ થવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને ઉત્સાહથી કામ થાય છે. આજના જનરેશનને આની જાણ નહીં હોય, પણ વામકુક્ષિ ઉપકારક છે એ વાત કર્ણાટકની એક કંપનીએ સ્વીકારી અમલમાં મૂકી દીધી છે. કામ કરતા થાકી જતા કર્મચારીઓની પરેશાની ધ્યાનમાં રાખી દરરોજ અડધો કલાક સૂવાની પરવાનગી આપી દીધી છે. કર્મચારીઓને ઇમેઇલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક કર્મચારી ઓફિસમાં જ બપોરે બેઠી અઢી દરમિયાન અડધો કલાક ઊંઘ ખેંચી શકશે. આ નિર્ણય વિશે સ્પષ્ટતા કરતા કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી છૂટ આપવાથી કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તાજગી રહેવાથી તેમનું કામ અને યોગદાન પણ બહેતર બનશે. રસપ્રદ વાત તો એ છે કે આ કંપની નિરાંતના સમયમાં લોકોને રાહત મળે એવી મેટ્રેસ વગેરે પ્રોડક્ટ્સ બનાવે છે. મતલબ કે કંપનીનો ઈરાદો અને એનો અભિગમ બ્રાન્ડ સાથે મેચ કરે છે. આ નિર્ણયને આવકાર અને પછી સફળતા મળશે તો ભવિષ્યમાં અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરવા પ્રેરાઈ શકે છે.
--------
‘રાક્ષસ’ પરણી’ગ્યો
ઘેલછા એક એવું વળગણ છે જેની કોઈ માત્રા કે સીમા નથી હોતી. યુકેના એક અખબારમાં છપાયેલી માહિતી અનુસાર સોરેન લોરેન્સન નામના ૨૮ વર્ષના યુવાનને શરીર પર ટેટૂ (આપણી ગામઠી ભાષામાં કહીએ તો છૂંદણાં) ચીતરાવવાનો એવો તો ગાંડો શોખ છે કે એ પોતાને ‘રાક્ષસ’ તરીકે ઓળખાવે છે. એક પિત્ઝા રેસ્ટોરાંમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરી કરતા સોરેને ૩૮,૪૦૦ પાઉન્ડ (આશરે ૩૮ લાખ રૂપિયા) ખર્ચી ઘેલા નંબર વન કહી શકાય એવા આ યુવકે ૨૦૦થી વધુ ટેટૂનું ચિતરામણ કરાવ્યું છે. અલબત્ત આ શોખની આકરી કિંમત તેણે ચૂકવવી પડી છે, કારણ કે પરિવારે એની સાથેના સંબંધો પર કાતર ચલાવી છે. અલબત્ત સોરેન આઘાત પચાવી ગયો છે અને સોશિયલ મીડિયા પર એના ફોલોઅર્સ એને સપોર્ટ કરી રહ્યા છે. બીજી એક સારી વાત એ બની છે કે આ ટેટૂ ‘રાક્ષસ’ના મનગમતી ક્ધયા સાથે મેરેજ થઈ ગયા છે. નવોઢા સાથે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર સોરેને શેર કર્યો છે અને લખ્યું છે કે ‘મને પ્રેમ થઈ ગયો છે. મારા પરિવારના સભ્યો એ જાણે કે ન જાણે મને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેમણે તો મારા નામનું નાહી નાખ્યું છે.’ તેના ચાહકો પણ રાજી રાજી થઈ ગયા છે અને એના ટેટૂને વધાવવાની સાથે સાથે એની પત્નીને પણ મીઠો આવકાર આપી રહ્યા છે. એક નૂર આદમી હજાર નૂર નખરા એ આનું નામ.