અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
જાગીને જોઉં તો રૂપાળી દીસું
‘સજના હૈ મુજે સજના કે લિયે, જરા ઉલઝી લટેં સંવાર દું, હર અંગ કા રંગ નિખાર લું’ એ નારીના જીવનનું રાષ્ટ્રગાન છે. તૈયાર થયા વિના તો સવારે દૂધ લેવા પણ ન જવાય એવી કડક શિસ્ત નારીજગતમાં સહજ અને સામાન્ય ગણાય છે. ‘તૈયાર થવા’ની આ ઘેલછાના અનેક કિસ્સા સાંભળ્યા હશે અને હવે એની કોઈ નવાઈ નથી રહી. જોકે, અમેરિકન શિક્ષિકા હાનાનો કિસ્સો સાંભળશો તો હેરત પામી જશો અને કુછ ભી હો સકતા હૈના સિદ્ધાંત પર તમને વિશ્ર્વાસ બેસી જશે. શાળાની નોકરી એટલે વહેલી સવારે ઊઠવું અનિવાર્ય છે. જોકે, એલાર્મ વાગ્યા પછી પણ બસ પાંચ મિનિટ નીંદર લઈ લેવાની અદમ્ય ઈચ્છા મોટા ભાગના લોકોને હોય છે. સ્ત્રીએ તો વહેલા જાગી નિત્યક્રમથી પરવારી ચહેરાનાં રંગરોગાન પણ કરવાનાં હોય છે. એટલે સવારમાં પથારીની પ્રત્યેક મિનિટ મહિલા માટે અધિક મૂલ્યવાન હોય છે. હાનાબહેનને સવારમાં વહેલા ઊઠી જવું નથી ગમતું. સવારનો સમય મેકઅપ માટે ફાળવવો ન પડે અને થોડી ઊંઘ વધારે ખેંચી શકાય એ માટે આ ટીચર રાતે સૂતાં પહેલાં જ ચહેરાની સજાવટ કરી માથું પણ ઓળી લે છે. આ રાત્રી ક્રિયાઓ હાના મેડમ સોશિયલ મીડિયા પર શેર કરે છે અને રાતનો મેકઅપ જળવાઈ રહ્યો છે એની તસવીરો
સવારે જાગીને શેર કરે છે. પોતાની તસવીરો સાથે એ લખે છે કે ‘મારી સાથે તૈયાર થાવ. આ એ ટીચર છે જેને સવારે વહેલા નથી ઊઠવું એટલે રાત્રે જ મેકઅપ સાથે તૈયાર થઈ જાય છે.’ કહેવું પડે હોં! ‘તૈયાર થવા’ની આવી ઘેલછા પણ હોઈ શકે છે.
---------
લોચો: ખાવામાં મજેદાર, કરવામાં મુશ્કેલી
લોચો. નામ પડતાં કોણે, કેવો ને શું ગોટાળો કર્યો એની ગુસપુસ શરૂ થઈ જતાં વાર ન લાગે. જોકે, સુરતીલાલા હોય તો એની જીભ સળવળવા લાગે, કારણ કે લોચો એ સુરતની ટેસ્ટી ખાવાની આઈટમ છે. આપણે જે આઈટમની વાત કરવાના છીએ એમાં જીભના સ્વાદના નહીં, પણ કામ કરવામાં કરેલા ગોટાળાની - લોચાની વાત છે. અરજી કર્યા પછી નોકરી માટે ના પાડવામાં આવી હોય એવું અનેક લોકો સાથે બન્યું હશે. રિજેક્શનને કારણે કેવી હતાશા થાય એ તો જેના પર વીત્યું હોય એ જ જાણે. જોકે, આયર્લેન્ડની ઍશલે કિનાન નામની મહિલાનો કિસ્સો તો અસલ અજબ દુનિયાની ગજબ વાત જેવો જ છે. આ સન્નારીએ અત્યાર સુધી ૬૦ ઠેકાણે નોકરી માટે અરજી કરી છે, પણ એકેય કંપનીમાંથી નોકરી માટે ઈન્ટરવ્યુનું કહેણ સુધ્ધાં નથી આવ્યું. અલબત્ત, એના બાયોડેટામાં દમ નહોતો એવું નહોતું, પણ તેણે અરજી કરવામાં એવો લોચો માર્યો કે કોઈ કંપનીએ એને બોલાવી જ નહીં. પોતાની ગફલતનો ખુલાસો સોશિયલ મીડિયા પર કરી ઍશલેએ જણાવ્યું હતું કે નોકરી માટેની અરજી સાથે એટેચમેન્ટમાં પોતાનો બાયોડેટા જોડવાને બદલે ભૂલમાં મેડિકલ રિપોર્ટ જોડી દેતી હતી. ઘણા મહિનાઓ સુધી આ લોચો ચાલુ રહ્યો જેને લીધે સ્વાભાવિક છે કે કોલ આવ્યો નહીં. અચાનક એક દિવસ પોતાના લોચાનો ખ્યાલ આવ્યા પછી તેણે ફાઈલ એટેચ કરવામાં કાળજી રાખી અને એક કંપનીમાં તેને અકાઉન્ટ્સ મેનેજરની નોકરી મળી ગઈ. નોકરીની અરજીમાં ફાઈલ એટેચ કરવાના લોચાનો એક મજેદાર ઈતિહાસ છે જેમાં ન્યુડ ફોટોગ્રાફ્સ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને ડેથ સર્ટિફિકેટ જેવા ભગા જોવા મળ્યા છે.
---------
સમ્રાટ અશોકનો પ્રાણીપ્રેમ અમેરિકામાં
ઈતિહાસ માટે પ્રીતિ નહીં હોય તોય મૌર્ય વંશના સમ્રાટ અશોકના પરાક્રમથી તમે જરૂર પરિચિત હશો. કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મને જ જીવન બનાવનાર આ સમ્રાટ તેના પ્રજાપ્રેમની સાથે પ્રાણીપ્રેમ માટે પણ જાણીતો હતો. ઐતિહાસિક નોંધ અનુસાર અશોક (ઈસવી સન પૂર્વે ત્રીજી સદી) પહેલો શાસક હતો જેણે મનુષ્યની સાથે સાથે પ્રાણીને પણ નાગરિકત્વ આપ્યું હતું. આનો અર્થ એ થાય કે આમ આદમીની જેમ પ્રાણી નાગરિકની દેખભાળ રાખવાની જવાબદારી પણ રાજાના શાસનની રહેતી. આજે ૨૩૦૦ વર્ષ પછી અમેરિકાના કોલંબિયા રાજ્યમાં પ્રાણીઓના હિતની જાળવણીની જવાબદારી સરકારે સ્વીકારી છે અને પ્રાણીઓની સમસ્યાનો ઉકેલ અદાલતના આંગણે પણ આવી શકશે. હિપોપોટેમસ અને માણસજાત હિંસક સંઘર્ષ થશે એ ભયથી આ પ્રાણીને ખતમ કરી દેવાનું કે એમનું વંધ્યીકરણ કરવાનું કોલંબિયાની સરકાર વિચારી રહી હોવાની જાણ થતાં એની સામે ખટલો દાખલ કરવામાં આવ્યો હતો. અમેરિકાના એનિમલ લીગલ ડિફેન્સ ફંડ દ્વારા સરકારના આ વિચાર સામે ઝુંબેશ ચલાવવામાં આવી અને હિપોપોટેમસને ‘નાગરિકત્વ’ આપવાની વિનંતી કરાઈ જે અમેરિકન અદાલતે માન્ય રાખી છે. અમેરિકાના જ નહીં, જગતભરના પ્રાણીપ્રેમીઓએ ‘હિપો હિપો હુર્રે’ના નારા સાથે આ નિર્ણયને વધાવી લીધો છે.
--------
ધક ધક કરને લગા, જબ ડોક્ટર દિખને લગા
ચાર દિવસની રજાની મજા પછી કે ઠંડીનો ચમકારો હોય એ દિવસે સવારે શાળાએ જવાનું હોય તો એકાએક ટાઢ ચડી તાવ આવ્યો હોવાનું કિશોરાવસ્થાનું જૂઠાણું તમે જાણતા હશો. જોકે, કેટલાક ચતુર પેરન્ટ્સ ‘હમણાં ડોક્ટરને બોલાવો. એક ઈંજેક્શન આપશે એટલે તાવ ભાગી જશે’ એવું હથિયાર અજમાવતા. આ હથિયાર સામે હાર સ્વીકારી લેવાતી અને ઘડીના છઠ્ઠા ભાગમાં ગમ્મે એવો તાવ ગાયબ થઈ જતો. જોકે, આ કોરોનાકાળમાં તાવ ચડવાનું એક અજાયબ કારણ જાણવા મળ્યું છે. દવાખાનામાં કે હોસ્પિટલમાં ડોક્ટરની હાજરીમાં નર્વસ થઈ જવાને કારણે અચાનક બ્લડ પ્રેશર ઊંચું જાય કે હૃદયના ધબકારા વધી જતા હોવાનું અનેક કિસ્સામાં જોવા મળ્યું છે. તબીબી ભાષામાં આ અવસ્થા ઠવશયિં ઈજ્ઞફિં ઇુાંયિયિંક્ષતશજ્ઞક્ષ તરીકે ઓળખાય છે. તાજેતરમાં યુકેની એક હોસ્પિટલમાં હાયપરટેંશન ધરાવતા ૧૮ દરદીના બ્લડ પ્રેશરની ચકાસણી ડોક્ટર ન હોય ત્યારે અને પછી ડોક્ટરની હાજરીમાં કરવામાં આવી હતી. પોતાની હાજરીમાં બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધી જવાને કારણે ડોક્ટરોને અચરજ થયું હતું. આ નિદાન બરાબર ન લાગવાને કારણે નિષ્ણાતોએ બીપી ત્રણ વાર નોંધી એની સરાસરીનો આંકડો ધ્યાનમાં લેવાની સલાહ આપી હતી. પોલીસ જોઈને પરસેવો છૂટી જાય એ સાંભળ્યું હતું, પણ ડોક્ટર ધબકારા વધારી દે એવું પણ થતું હોય છે.