શ્રી અને લંકા હવે જોજનો દૂર થઇ ગયા છે!
રોજ બરોજ -અભિમન્યુ મોદી
શ્રી એટલે લક્ષ્મી. જે હવે લંકા પાસે રહી નથી. એક સમયની સુવર્ણનગરી આજે કંગાળ બની ગઈ છે. શ્રી લંકાની હાલત એક ગરીબ દેશ જેવી થઇ ગઈ છે. એવો ગરીબ દેશ જેની પાસે ખાવા ધાન નથી, પહેરવા કપડા નથી, વીજળી નથી, વાહનમાં ઇંધણ નથી, ખેતરોમાં પાક નથી, હૉસ્પિટલમાં દવાઓ નથી અને કોઈની પાસેથી મદદ મળશે એવી સાંત્વના નથી. જે દેશ માટે એવું કહેવાતું કે ત્યાં તો સોનાનો ખજાનો છે ત્યાં મુઠી જાર માટે પડાપડી થઇ રહી છે. કહેવાય છે ને કે અહંકાર તો રાજા રાવણનો પણ નથી ટકતો. અહીંના કેસમાં અહંકાર તો ન હતો પરંતુ ભૂલોની પરંપરા હતી જેને લીધે આખો દેશ પડી ભાંગ્યો. આજે ભારતનો આ પાડોશી દેશ, ભારતના બીજા પાડોશી દેશની જેમ ભૂખડીબારસ બનવાની અણી ઉપર છે.
શ્રીલંકાને પર્લ ‘ઑફ ધ ઇન્ડિયન ઓશન’ કહેવાય છે. હિંદ મહાસાગરનું મોતી. કારણ કે તેનો આકાર એક મોતી જેવો છે. પરંતુ શ્રીલંકાની હાલત જોતા હવે તે ભારતીય દ્વીપકલ્પના આંસુ જેવો વધુ લાગે છે. અત્યારે ઘણા બધા દેશોએ તેના પ્રવાસીઓને શ્રી લંકા જવા ઉપર મનાઈ ફરમાવી દીધી છે. રશિયા અને યુક્રેન સિવાય શ્રીલંકામાં પણ પ્રવાસીઓનો ઘસારો હવે જોવા મળતો નથી. લૂંટફાટ હવે સામાન્ય થઇ ગઈ છે. સારા દેશ લંબી કતારો મેં નજર આતા હૈ. રાશનની લાઈનો, પેટ્રોલની લાઈનો, પાણીની લાઈનો. કામ નથી, પૈસો નથી, વસ્તુઓ નથી, ખાધાખોરાકી નથી, શાંતિ નથી અને કોઈ જ ભવિષ્ય નથી. શ્રીલંકાનું નસીબ મુથૈયા મુરલીધરનના સ્વીંગ ખાતા બોલ કરતા પણ વધુ આડું ફંટાઈ ગયું છે.
શ્રીલંકા પાસે જમીન મહારાષ્ટ્ર કરતા ચોથા ભાગની છે અને વસ્તી તેના કરતા પાંચમાં ભાગની છે. મુંબઈની વસ્તી અને શ્રીલંકાની વસ્તીમાં બહુ મોટો તફાવત નથી. તો પણ વિસ્તારના પ્રમાણમાં શ્રીલંકાની વસ્તી ઘણી કહેવાય. અત્યારે શ્રીલંકા આર્થિક અને રાજકીય કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. સ્થિર સરકાર નથી. કૅબીનેટના છવ્વીસ જેટલા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. શ્રીલંકન સરકારમાં વર્ષોથી રાજપક્ષે કુટુંબનું વર્ચસ્વ રહ્યું છે. (નેપોટીઝમ અને ચાચા-ભતીજાવાદ જેવા દૂષણોમાં ફક્ત આપણી જ મોનોપોલી હોય એવું થોડું છે?) પ્રેસિડેન્ટ પણ રાજપક્ષે અને વડાપ્રધાન પણ રાજપક્ષે. એક જ કુટુંબના હોય તેની સામે પણ વાંધો ન ઊઠે જો દેશ સાચવતા આવડતો હોય તો. દેશ સાચવવામાં ધોરણ નવનો વિદ્યાર્થી પણ ભૂલ ન કરે એવી ભયંકર ભૂલો શ્રી લંકાના હવે રુખસદ મેળવી ચૂકેલા પ્રેસિડેન્ટ ગોતબયા રાજપક્ષે કરી છે.
પૈસા છાપવાની મુર્ખામી એ કોઈપણ દેશને નર્કાગારમાં ફેરવી શકે. આવી જ મુર્ખામી એક સમયે જર્મનીએ કરી હતી, ઝિમ્બાબ્વેએ કરી હતી. એ દેશો અમુક દાયકાઓ માટે તહેશનહેશ થઇ ગયા હતા. નાણું ન હોય તો બીજા દેશો પાસેથી સોનું, વિદેશી હુંડિયામણ, બોન્ડ, લોન વગેરે સ્વરૂપમાં મદદ મેળવી શકાય. પરંતુ શ્રીલંકાની સરકારે ‘મની ક્રિએશન’ કર્યું. પોતાનું ચલણ છાપવા લાગ્યા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની વૈશ્ર્વિક સંસ્થા શ્રીલંકન સરકારને ૨૦૧૯થી ચેતવતી આવે છે કે દેવું પૂરું કરવા માટે પૈસા છાપવાનું રહેવા દો. આવો ધંધો ન કરાય, પણ શ્રીલંકાની સરકાર માની જ નહિ. તેનું પરિણામ શું આવ્યું? શ્રીલંકાની ટોટલ જીડીપીના બેતાલીસ ટકા જેટલું દેવું ૨૦૧૯માં હતું તો ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં એ દેવાનો આંકડો ૧૧૯ પ્રતિશત થઇ ગયો! આનો અર્થ એ કે આખો દેશ વેચાઈ જાય તો પણ પોતાનું દેવું પૂરું કરી ન શકે.
આટલું બધું દેવું કેમ વધી ગયું? કારણ કે શ્રીલંકન સરકારે નાગરિકો પાસેથી ટૅક્સ લેવાનું બંધ કરી દીધું. ટૅક્સ લેવાનું કેમ બંધ કર્યું? કારણ કે મોંઘવારી વધતી જતી હતી. અરે રે, લો કર લો બાત! જેમ તમિલ ફિલ્મોમાં ન્યુટનના નિયમોનો છેદ ઉડી જતો હોય એમ અહી સિંહાલીઝ સરકારે અર્થશાસ્ત્રના પાયાના નિયમોના લીરેલીરા ઉડાડ્યા. ભારતમાં પેટ્રોલ સો ઉપર પહોંચી ગયું તો પણ ભોળી જનતા ‘આધી રોટી ખાયેંગે, મોદી કો જીતાયેંગે’નો નારો લગાવીને કમ્મરતોડ જીએસટી ભરવા માટે રાજી છે. બીજી બાજુ શ્રીલંકામાં, સરકાર આવી ભૂલો કરે છે તો વિરોધપક્ષો અને જનતા ચૂપચાપ સ્વીકારી લે છે. પછી દેશ ફડચામાં ન જાય તો જ નવાઈ.
છેલ્લા દસ વર્ષથી શ્રીલંકાની પડતી થઇ રહી છે. એલટીટીઈની ચુંગાલમાંથી એ દેશ માંડ છૂટો થયો અને રાજીવ ગાંધી વાળો જમાનો પૂરો થયો તેના પછી શ્રીલંકાએ જાતમહેનત અને દેશવિકાસ ઉપર ધ્યાન આપવાનું હતું. તેને બદલે તે ધીમે ધીમે ચાઈનાની નજીક જઈને બેઠું. પ્રવાસન સિવાય બીજા ક્ષેત્રો ડેવલપ ન કર્યા અને ઉદ્યોગોમાં શ્રીલંકા પાછળ રહી ગયું. પરિણામે આયાત વધતી ગઈ અને નિકાસ ઓછી થતી ગઈ. કોઈપણ દેશ માટે આ સિનારીયો ભયંકર ખતરનાક નિવડે. નિકાસ ઓછી થાય તેનો મતલબ દેશમાં પૈસો નથી આવી રહ્યો અને આયાત વધવા લાગે એટલે દેશનો રહ્યોસહ્યો પૈસો બહાર જવા મંડે. અર્થતંત્રના પાયા એક પછી એક ભુક્કો થઈને તૂટી પડે તેની બધી સગવડતાઓ શ્રીલંકા સરકારે કરી. એમાં ૨૦૧૯માં મોટો ધડાકો થયો.
૨૦૧૯માં થનારો ધડાકો ઈસ્ટર બોમ્બિંગ તરીકે ઓળખાય છે. કોલંબોના ત્રણ ચર્ચ અને ત્રણ ફાઈવ સ્ટાર હૉટેલમાં સિરિયલ બ્લાસ્ટ થયા. તેમાં ઇસ્લામિક સ્યુસાઈડ ટેરરીસ્ટનો હાથ હતો. તેને કારણે વિશ્ર્વબહારના પ્રવાસીઓને શ્રીલંકા માટે એક ફડકો પેસી ગયો. પ્રવાસન ક્ષેત્રમાંથી જેટલી પણ આવક થતી હતી એ બધી બંધ થઇ. વળી કોવિડ-૧૯એ મર્યા ઉપર પાટું માર્યું. લોકડાઉને તો ભલભલાની હાલત ખરાબ કરી નાખી હતી તો શ્રીલંકા તો પ્રમાણમાં નાનો દેશ કહેવાય. મરવાના વાંકે શ્ર્વાસ લઇ રહેલા શ્રીલંકાના અર્થતંત્રને છેલ્લો ફટકો રશિયા-યુક્રેન યુદ્ધે આપ્યો. ખલાસ. ખતમ. ફીનીશ્ડ.
શ્રીલંકામાં અત્યારે રોજના છ કલાકથી લઈને બાર કલાક સુધી વીજળીકાપ રહે છે. આખો દેશ માયકાંગલો બની ગયો છે. હાલત દયનિય છે. રોજ આપઘાતના બનાવો બને છે. અફઘાનિસ્તાન કરતા શ્રીલંકાની હાલત અત્યારે વધુ ખરાબ છે. ઉ