સ્પાઇસજેટને સ્વિસ કંપની સાથેનો વિવાદ ઉકેલવા ત્રણ અઠવાડિયાંની મહેતલ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે સ્પાઇસજેટને સ્વિસ કંપની ક્રેડિટ સ્વિસ એજી સાથેનો આર્થિક વિવાદ ઉકેલવા માટે ત્રણ અઠવાડિયાંનો સમય આપ્યો હતો.
આ ઉપરાંત, મદ્રાસ વડી અદાલતે વાઇન્ડિંગ-અપ પિટિશન (અસ્કયામત વેચીને કરજ કે બાકી નીકળતી રકમ ચૂકવવાની દાદ ચાહતી અરજી)ને મંજૂરી આપતા અને સત્તાવાર લિક્વિડેટરને આ સસ્તી ઍરલાઇનની અસ્કયામત હસ્તગત કરવાના આપેલા આદેશનો અમલ સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો હતો. સ્પાઇસજેટ આ સ્વિસ કંપની સાથેનો વિવાદ ઉકેલવા પ્રયાસ કરશે, એવી વકીલ હરીશ સાળવેએ આપેલી બાંયધરીને પગલે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણના નેતૃત્વ હેઠળની બૅન્ચે સંબંધિત ચુકાદો આપ્યો હતો.
ન્યાયાધીશ એ. એસ. બોપન્ના અને ન્યાયાધીશ હિમા કોહલીનો પણ સમાવેશ કરતી બૅન્ચે જણાવ્યું હતું કે વકીલ હરીશ સાળવેએ આ સમસ્યા ઉકેલવા ત્રણ અઠવાડિયાંનો સમય માગ્યો હતો અને (સ્વિસ કંપની વતી અદાલતમાં હાજર રહેલા) કે. વી. વિશ્ર્વનાથન પણ તેના માટે સહમત થયા હતા. આ સમય દરમિયાન એટલે કે ત્રણ અઠવાડિયાં સુધી વડી અદાલતના આદેશનો અમલ મુલતવી રાખીએ છીએ. એક ન્યાયાધીશની બનેલી બૅન્ચે વાઇન્ડિંગ-અપ (અસ્કયામત વેચીને કરજ કે બાકી નીકળતી રકમ ચૂકવવી) માટે અને સત્તાવાર લિક્વિડેટરને ઍરલાઇનની અસ્કયામતને ટાંચ મારવા આપેલા આદેશને વડી અદાલતની ખંડપીઠે બહાલી આપતા સ્પાઇસજેટે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી.(એજન્સી)ઉ