Smartphone પર હોઈ શકે છે કોરોના વાયરસ, જાણો તેનાથી બચવાની રીત

છેલ્લાં બે વર્ષથી કોરોના વાયરસે દુનિયાભરમાં આતંક મચાવ્યો છે ત્યારે આ મહામારીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી હતી ત્યાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રકોપ ફેલાતા ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. કોરોનાકાળમાં નોકરિયાત વર્ગને વર્ક ફ્રોમ હોમ કરવું પડી રહ્યું છે, પરંતુ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે ઘરની બહાર નીકળવું પડે છે. આવી સ્થિતિમાં ચોક્કસપણે સ્માર્ટફોન સાથે રાખવાની જરૂર પડે છે. શું તમે જાણો છો કે કોરોના વાયરસ ફોન પર પણ આવી શકે છે. ચાલો જાણીએ આવી સ્થિતિમાં પોતાને સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ.
જો તમે થોડા સમય માટે તમારા ઘરની બહાર જાઓ છો, ત્યારે કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. સ્માર્ટફોનના માધ્યમથી કોરોના તમારા શરીરમાં પ્રવેશી શકે છે. તેનાથી બચવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે સેનિટાઈઝેશન પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાનમાં રાખો કે સેનિટાઇઝ કરવા માટે લિન્ટ ફ્રી માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો જેથી ફોનની સ્ક્રીન પર સ્ક્રેચ ન પડે. જો તમે તમારા ફોનને સેનિટાઈઝ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા સ્માર્ટફોનને બંધ કરો. સફાઈ કરતી વખતે ડાબેથી જમણે અને ઉપરથી નીચે લિન્ટ-ફ્રી માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો. ફોનને જંતુનાશક કરતી વખતે કવરને પણ દૂર કરીને સાફ કરવું જોઈએ. કોરોના વાયરસ મોબાઈલ કવર પર પણ હોઈ શકે છે.