હિમાલયમાં તીર્થોના અધિરાજ સમાન એક મહાન તીર્થ છે બદરીનાથ

જીવનનું અમૃત -ભાણદેવ
અમારા ડ્રાઇવર પ્રવીણભાઇ વચ્ચેવચ્ચે અમને પૂછે છે:
"સ્વામીજી! આ માર્ગમાં આવતાં આ બધાં તીર્થોમાં આપને સ્નાન-દર્શન કરવાં નથી?
"સ્નાન-દર્શન અવશ્ય કરવાં છે, પરંતુ આ વખતે નહીં, પાછા ફરતી વખતે, અર્થાત્ પાછા વળતાં આપણે માર્ગમાં આવતાં આ બધાં જ તીર્થોમાં સ્નાન-દર્શન અવશ્ય કરીશું. આ
વખતે તો આપણે સીધા જ બદરીનાથ પહોંચવું છે.
"ભલે મહારાજ!
"આપણે આજે સાંજ સુધીમાં બદરીનાથ પહોંચી જઇશું?
"અચાનક કોઇ બાધા ન આવે તો લગભગ પહોંચી જઇશું.
"ભલે, આપણે લક્ષ્ય એવું રાખીએ છીએ કે આજે રાત પહેલાં બદરીનાથ પહોંચી જવું અને રાત્રિનિવાસ બદરીનાથમાં કરવો, બરાબર?
"બરાબર છે.
ને આમ અમારી નાનકડી મોટરગાડી હિમાલયના આ પહાડી માર્ગ પર સડસડાટ દોડવા લાગી.
દેવપ્રયાગ પછી શ્રીનગર. શ્રીનગર જગદંબાનું નગર! શ્રીનગર પછી રુદ્રપ્રયાગ! રુદ્રપ્રયાગ ભગવાન શિવજીનું સ્થાન! મંદાકિની અને અલકનંદાના સંગમનું સ્થાન!
રુદ્રપ્રયાગ પછી કર્ણપ્રયાગ ! રાધેય નહીં, કૌન્તેય કર્ણની આ તપશ્ર્ચર્યાભૂમિ! પિંડારગંગા અને અલકનંદાનું સંગમસ્થાન! કર્ણપ્રયાગ પછી નંદપ્રયાગ અને નંદપ્રયાગ પછી જોશીમઠ! ચાર શાંકર મઠમાંનો એક મઠ-જયોતિર્મઠ! જોશીમઠ પાર કરીને વિષ્ણુપ્રયાગના દૂરથી અલપઝલપ દર્શન કરીને અમારી મોટર આગળ ચાલી.
જોશીમઠ -વિષ્ણુપ્રયાગ પછી ગોવિંદઘાટ અને પાંડુકેશ્ર્વર પહોંચ્યા. થોડી વાર રોકાયા.
તમારે ચા ન પીવી હોય તો ન પીજો, પરંતુ ડ્રાઇવરને તો પીવા દો! ડ્રાઇવર થોડી વાર રોકાયા અને યાત્રા આગળ ચાલી. પાંડુકેશ્ર્વર-પાંડવોની જન્મભૂમિ અને ભગવાન યોગબદરીનું સ્થાન.
પાંડુકેશ્ર્વરથી આગળ ચાલ્યા અને હનુમાનચટ્ટી પહોંચ્યા. નીચે ઊતરીને હનુમાનજી મહારાજના દર્શન પામ્યાં.
પુન: મોટરગાડી દોડવા માંડી. હવે અંધારુ થઇ ગયું છે. રસ્તો કઠિન ચઢાણનો છે. અમારી નાનકડી મોટરગાડી હાંફતી-હાંફતી આગળ
ચાલે છે.
ઠંડી ખૂબ વધી છે. રસ્તાની બંને બાજુ બરફના ઢગલા અને બરફનું આચ્છાદન જોઇ શકાય છે.
હજુ હમણાં જ શિયાળા પછી ભગવાન બદરીનાથના મંદિરમાં કમાડ ખૂલ્યાં છે. યાત્રીઓ બહુ નથી. યાત્રીઓની ભીડ તો હવે શરૂ થશે.
આખરે રાત્રે નવેક વાગ્યે અમે ભગવાન બદરીનાથની આ વિશાળ નગરી બદરીવિશાલમાં પહોંચ્યા.
હજુ અહીં બદરીનાથમાં અવારનવાર વરસાદ અને ક્વચિત્ બરફની વર્ષા પણ થાય છે.
ઠંડી કહે મારું કામ! અને થોડા ટમટમિયા દીવા છતાં અંધારું પણ
છે જ!
અમે નિવાસસ્થાનની શોધ કરીએ છીએ. ઠંડી અને આ રાત્રિનો અંધકાર બંને અમને કહે છે:
"હવે ઝાઝી લપ કરવાનું રહેવા દો અને તરત રાત્રિનિવાસનું કોઇક સ્થાન શોધી કાઢો.
અને તેમ જ થયું.
તપાસ કરતાં-કરતાં અમને મળી ગયા વિજયભાઇ પાલીવાલ ઉર્ફે ગોરેભૈયા ! વિજયભાઇ અમને દોરી ગયા તેમની પાલીવાલ ધર્મશાળામાં!
અમને એક રૂમ મળ્યો. રૂમમાં એક પથારી મળી. થાક અને ઊંઘ તો અમારી પાસે હતાં જ! બીજું હવે શું જોઇએ!
અમે ‘હરિ ૐ’ કહીને પથારીમાં ઢબૂરાઇ ગયા. વહેલું પડે સવાર!
બદરીનાથ ભાગ-૧
હા, આ ધરતી પર ભારત નામનો એક પવિત્ર દેશ છે. આ ભારતવર્ષના મસ્તકના મુગટ જેવો એક નગાધિરાજ હિમાલય છે. આ હિમાલયમાં તીર્થોના અધિરાજ સમાન એક મહાન, મહાનતર, મહાનતમ તીર્થ છે અને તે છે: બદરીનાથ-બદરીવિશાલ!
હા, બદરીવિશાલ તો એક જ છે, અદ્વિતીય છે, પરંતુ બદરી સાત છે અને તે ‘સપ્તબદરી’ કહેવાય છે.
આ સપ્તબદરીમાં પ્રથમ છે બદરીનાથ. બદરીનાથને બદરીનારાયણ કે બદરીવિશાલ પણ કહે છે.
આપણે બદરીનાથ ધામ પહોંચીએ તે પહેલાં રસ્તામાં બે નાનાં તીર્થો આવે છે. એક હનુમાનચટ્ટી અને બીજું દેવદર્શની. હનુમાનચટ્ટીમાં ભીમ અને હનુમાનજીનું મિલન થયું હતું. પ્રારંભમાં ભીમનું અભિમાન, થોડો સંઘર્ષ અને છેવટે ભીમને હનુમાનજી મહારાજનો પરિચય થાય છે. ભીમના અભિમાનનું નિરસન થાય છે. આ આખી ઘટના અહીં હનુમાનચટ્ટીમાં બની હતી તેવી પરંપરાગત માન્યતા છે.
હનુમાનચટ્ટીથી બદરીનાથ તરફ આગળ વધતાંં બદરીનાથથી લગભગ બે કિ. મી. પહેલાં દેવદર્શની નામનું સ્થાન આવે છે. આ સ્થાનથી બદરીનાથ મંદિરનાં શિખર અને કલાત્મક પ્રવેશદ્વારના દર્શન થાય છે. અહીંથી બદરીનાથધામનાં પ્રથમ દર્શન થાય છે, તેથી આ સ્થાનને દેવદર્શની કહેવામાં આવે છે. અહીંથી જ યાત્રીઓ વંદન અને બદરીનાથ ભગવાનનો જયજયકાર કરવા લાગે છે.
બદરીનાથ હૃષિકેશથી ૨૯૮ કિ. મી. દૂર અને ૧૦૨૫૦ ફૂટની ઊંચાઇ પર આવેલું ભારતનું એક મહાન તીર્થધામ છે. ભારતનાં ચાર ધામ અને હિમાલયનાં ચાર ધામમાં પણ બદરીનાથનો સમાવેશ થય છે. બદરીનાથ, જગન્નાથપુરી, રામેશ્ર્વર અને દ્વારિકા-આ ભારતનાં ચાર ધામ છે અને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ આ હિમાલયનાં ચાર ધામ છે. પ્રત્યેક હિન્દુના હૃદયમાં એકવાર બદરીનાથ ભગવાનનાં દર્શનની તમન્ના હોય જ છે.