ધર્મતેજ

કાર્તિકી પૂનમ અને કૃત્તિકા નક્ષત્રના સંયુક્ત અવસરે ક્રોંચ પર્વત પર આવી કુમાર કાર્તિકેયની આરાધનાથી સમગ્ર પાપનો વિનાશ થાય છે

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ: દેવર્ષિ નારદ તમે યોગ્ય સમયે આવ્યા છો, તમારી આજ્ઞાથી રાજા વિશ્વરૂપ તેમની બંને ક્નયાઓના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, જેનો અમે સ્વીકાર કરી કહ્યું હતું કે, યોગ્ય સમયે તમને લગ્નની તૈયારી કરવા જણાવવામાં આવશે, તમે રાજા વિશ્વરૂપને જઈને કહો કે ગણેશના લગ્ન તેમની બંને પુત્રીઓ સાથે આવનારી ચોથને દિવસે કરવામાં આવશે, વર અને જાનને પોંખવાની તૈયારી શરૂ કરી દો. વધુમાં બ્રહ્મદેવ, વિષ્ણુદેવ અને સમસ્ત દેવગણોને આ લગ્નમાં જોડાવા આમંત્રણ આપવાની જવાબદારી પણ હું તમને આપું છું.' દેવર્ષિ નારદ તુરંત રાજા વિશ્વરૂપને સંદેશો પહોંચાડે છે. રાજા વિશ્વરૂપ લગ્નની તૈયારી શરૂ કરી દે છે. દેવર્ષિ ત્યારબાદ બ્રહ્મદેવ, વિષ્ણુદેવ અને સમસ્ત દેવગણોને લગ્નમાં જોડાવા આમંત્રણ આપે છે. બ્રહ્મમુહૂર્તે કૈલાસ ખાતેથી વરયાત્રા નીકળે છે તેમાં માતા સરસ્વતી, બ્રહ્માજી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ સહિત તમામ દેવગણો જોડાય છે. વરયાત્રા રાજમહેલે પહોંચતા રાજા વિશ્વરૂપ વરયાત્રાનું સ્વાગત કરે છે અને ભગવાન ગણેશ સિદ્ધિ-બુદ્ધિ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. ૄૄૄ લગ્નગ્રંથિથી જોડાયા બાદ ભગવાન ગણેશ સિદ્ધિ બુદ્ધિ ભગવાન શિવ, માતા પાર્વતી, માતા લક્ષ્મીજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, સપ્તર્ષિ સહિત સમગ્ર દેવી દેવતાઓના આશીર્વાદ લે છે . રાજા વિશ્વરૂપ અને તેમનો પરિવાર સજળ નેત્રે સિદ્ધિ-બુદ્ધિને વિદાય આપતાં વરયાત્રા કૈલાસ પહોંચે છે. કૈલાસ પહોંચતાં જ શિવગણો ભગવાન શિવ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજીનો જયજયકાર કરે છે. ભગવાન ગણેશ:પિતાજી આપણે એક બહુ મોટી ભૂલ કરી છે, આપણે મારા લગ્ન પ્રસંગે ભ્રાતા કાર્તિકેયને ભૂલી ગયા અને તેમને લગ્નમાં સામેલ થવા આમંત્રણ આપવાનું ભૂલી ગયા.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ગણેશ, કુમાર કાર્તિકેય પૃથ્વીની સાત પરિક્રમા કરી રહ્યા છે આપણે અવશ્ય ભૂલ કરી છે એ માનવું જ રહ્યું, આપણે તેમને લગ્નમાં આમંત્રણ આપવું આવશ્યક હતું.' એજ સમયે કુમાર કાર્તિકેય પૃથ્વીની સાત પરિક્રમા કરી પહોંચે છે, તેઓ જુએ છે કે સમગ્ર દેવી-દેવતાઓ કૈલાસ પર હાજર છે એટલે એવું તેમને લાગે છે કે તેમનું અભિવાદન કરવામાં આવશે, આટલા વહેલા તો ગણેશ સાત પરિક્રમા પૂર્ણ કરી શકે જ નહીં. પણ એ જ સમયે તેમની નજર ગણેશ સાથે ઊભેલા સિદ્ધિ-બુદ્ધિ પર પડે છે, તેમને બધી વાતનો ખ્યાલ આવી જાય છે કે, ગણેશના લગ્ન સિદ્ધિ-બુદ્ધિ સાથે થઈ ચૂકયા છે. કુમાર કાર્તિકેય:પિતાજી હું આ શું જોઈ રહ્યો છું, તમારે ગણેશના લગ્ન કરાવવા જ હતા તો મને શરત આપી પૃથ્વીની સાત પરિક્રમા કરવા મોકલી દેવો જોઈતો નહોતો, સહર્ષ હું પણ ગણેશના લગ્નમાં જોડાત.’
દેવર્ષિ નારદ: ક્રોધિત ન થાઓ કુમાર કાર્તિકેય, શાસ્ત્રોમાં માતા પૃથ્વી અને પિતાને આકાશ તરીકે વર્ણવ્યા છે. ગણેશે પોતાની બુદ્ધિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરી તેમની પરિક્રમા કરી છે તેથી ગણેશની સમુદ્રપર્યંત પૃથ્વીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ કહેવાય. ધર્મના સંગ્રહભૂત વેદો અને શાસ્ત્રોમાં જ એવાં વચન જોવા મળે છે અને તે સત્ય છે કે જે પુત્ર માતા-પિતાની પૂજા-અર્ચના કરી એમની પરિક્રમા કરે એને પૃથ્વી પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થઈ શકે, એટલે ગણેશ વિજેતા કહેવાય અને તેથી જ તેમના લગ્ન આ સિદ્ધિ-બુદ્ધિ સાથે કરવામાં આવ્યાં છે. કુમાર કાર્તિકેય:મને માફ કરો પિતાજી, અનાયાસ હું ક્રોધિત થયો હતો, માતા-પિતાની પરિક્રમા કરનારને પૃથ્વીની પરિક્રમા જેટલું જ ફળ મળે એ ન્યાયીક નથી, માતા-પિતાની પરિક્રમા કરનારને ઉત્તમમાં ઉત્તમ ફળ મળવું જોઈએ. મારી ભૂલ સ્વીકારું છું, મને માફ કરો. ‘
આટલું કહી ક્રોધે ભરાયેલા કુમાર કાર્તિકેય ક્રોંચ પર્વત તરફ ચાલી નીકળે છે.
દેવર્ષિ: દેવાધિદેવ મહાદેવ, કુમાર કાર્તિકેય તો ક્રોધિત થઈ ગયા છે, તેમને રોકો.' ભગવાન શિવ:દેવર્ષિ, હમણાં કુમાર ક્રોધિત અવસ્થામાં છેે તેમને સમજાવવા અશક્ય છે. થોડો સમય રાહ જુઓ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: મહાદેવ, મારી ઈચ્છા છે કે આપણે પણ ક્રોંચ પર્વત જઈ કુમાર કાર્તિકેયને સમજાવીએ.' ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિનંતી સ્વીકાર કરી ભગવાન શિવ, માતા પાર્વતી, માતા લક્ષ્મીજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, સપ્તર્ષિ, દેવરાજ ઈન્દ્ર સહિત સમગ્ર દેવી દેવતાઓ ક્રોંચ પર્વત પહોંચે છે. કુમાર કાર્તિકેય તપમાં લીન હોય છે. દેવર્ષિ નારદ:કુમાર કાર્તિકેય, સચેત થાઓ, જુઓ તમારા માતા-પિતા સમગ્ર દેવગણ સાથે અહીં આવ્યા છે.
દેવર્ષિ નારદનો સ્વર સાંભળતાં જ કુમાર કાર્તિકેયમાં ચેતન આવે છે તેઓ જુએ છે કે તેમની સમક્ષ તેમનાં માતા-પિતા, માતા લક્ષ્મીજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, સપ્તર્ષિ, દેવરાજ ઈન્દ્ર સહિત સમગ્ર દેવી દેવતાઓ તેમની સમક્ષ ઊભા છે અને તેઓ કુમાર કાર્તિકેયનો જયજયકાર કરી રહ્યા છે.
માતા-પિતા સહિત આવનારા તમામ દેવગણને નમસ્કાર કરતા કુમાર કાર્તિકેય કહે છે: મારા માતા-પિતા સાથે આવનાર દેવગણોને મારા પ્રણામ, કહો મારા લાયક શું આજ્ઞા છે.' માતા પાર્વતી:પુત્ર ગણેશે પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરી શરત જીતી છે, અમે તમને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો ગણેશને. તમને અન્યાય ન થતાં બીજી ક્નયા સાથે તમારા લગ્ન કરવા માગીએ છીએ, તમે તમારા ક્રોધને ત્યાગો.’
કુમાર કાર્તિકેય: હું ક્રોધિત નથી માતા, તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, અવશ્ય સમય આવ્યે હું કૈલાસ આવીશ, પણ હાલ હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે ઉત્સાહિત છું, મારા ઉત્સાહને તોડવાનો પ્રયાસ કરશો નહીં, મને આશીર્વાદ આપો કે તેમાં હું સફળ થાઉં.' દેવર્ષિ નારદ:ખરું કહે છે કુમાર કાર્તિકેય, સંસારમાં ભક્તિના પ્રચાર અને પ્રસાર માટે મને સહકાર કરવાવાળું કોઈક તો જોઈએ ને? હું વરસોથી એકલો જ આ કાર્ય કરી રહ્યો છું.’
ભગવાન શ્રી હરિ વિષ્ણુ: આજે કાર્તિકી પૂનમના દિવસે કૃત્તિકા નક્ષત્રનો યોગ છે, જે મનુષ્યો કાર્તિકી પૂનમના અને કૃત્તિકા નક્ષત્રનો સંયુક્ત અવસર હોય ત્યારે અહીં ક્રોંચ પર્વત પર આવી કુમાર કાર્તિકેયના દર્શન કરશે તેમના સમગ્ર પાપોનો નાશ થશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. બીજી તરફ ઉપસ્થિત માતા પાર્વતીને સમજાય છે કે હવે પુત્રનો વિયોગ સહન કરવો પડશે અને પુત્ર પણ માતાનો પ્રેમ મેળવી શકશે નહીં એટલે તેમણે કહ્યું. માતા પાર્વતી:હે સ્વામી, આવા ક્રોધિત અવસ્થામાં હું મારા પુત્રને અહીં એકલો છોડી શકીશ નહીં, આજથી હું પણ અહીં જ રહીશ, કુમાર સાથે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: બહેન પાર્વતી, તમે જો અહીં રહેશો તો સૃષ્ટિના સંચાલનમાં ખલેલ પડશે, કૈલાસ ખાતે તમારી હાજરી આવશ્યક છે.' માતા પાર્વતી:હે સ્વામી, તો તમે અહીં મારી સાથે લિંગ સ્વરૂપે અહીં ક્રોંચ પર્વત પર બિરાજમાન થાઓ, જેથી આપણે આપણા પુત્રની રક્ષા કરતા રહીએ.
ભગવાન શિવ: `તથાસ્તુ.’
ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ ભગવાન શિવ અને માતા પાર્વતીના હૃદયમાંથી એક જ્યોત નીકળે છે. બંને જ્યોત એકત્ર થતાં જ એક શિવલિંગ ઉત્પન્ન થાય છે અને એ બંને જ્યોત એ શિવલિંગમાં સમાઈ જાય છે, જે આજે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામે પ્રખ્યાત છે અને લાખ્ખો વરસ બાદ આપણી મનોકામના પૂર્ણ કરે છે.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ…