૨૦૦૭ના ‘અશ્ર્લીલતા’ના કેસમાંથી શિલ્પા શેટ્ટીનો છુટકારો
મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીને મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ૨૦૦૭માં હોલીવુડ અભિનેતા રિચાર્ડ ગેરે જાહેરમાં ગળે લગાવી અને ચુંબન કર્યાની એક ઘટના બાદ તેની સામે નોંધાવેલી ફરિયાદના આધારે અશ્ર્લીલતા સંબંધિત ગુનામાંથી મુક્ત કરવામાં આવી હતી. આ કેસમાં રાજસ્થાનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેસને મુંબઈના બેલાર્ડ પિયરની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.શેટ્ટીએ તેના વકીલ મધુકર દલવી દ્વારા ડિસ્ચાર્જની અરજીમાં કહ્યું હતું કે તેની સામેનો આરોપ એ હતો કે જ્યારે તેને ’સહ-આરોપી’ ગેરે ચુંબન કર્યું ત્યારે તેણે વિરોધ કર્યો ન હતો. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેના પર જે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે તેની સામે લાગુ કરી શકાય નહીં.
તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૨, ૨૯૩ અને ૨૯૪ (અશ્ર્લીલ કૃત્યો અને ગીતો) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો અને મહિલાઓનું અશિષ્ટ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ડિસ્ચાર્જ અરજીમાં જણાવ્યું હતું કે આ આરોપો વ્યર્થ અને પાયાવિહોણા છે અને ફરિયાદમાં તેની વિરુદ્ધ આ કલમો હેઠળ કોઈ સ્પષ્ટ કૃત્ય જાહેર કરવામાં આવ્યું નથી.