અકસ્માતમાં વિધાનસભ્યના પુત્ર સહિત એમબીબીએસના સાત વિદ્યાર્થીનાં મોત
જન્મદિનની ઉજવણી કરી પાછા ફરી રહેલા વિદ્યાર્થીઓની કાર બ્રિજ પરથી ૪૦ ફૂટ નીચે પટકાઈ

વર્ધા: જન્મદિનની ઉજવણી કરી પાછા ફરી રહેલા એમબીબીએસના વિદ્યાર્થીઓની કાર રૅલિંગ તોડી ફ્લાયઓવર પરથી ૪૦ ફૂટ નીચે પટકાઈ હોવાની ઘટના વર્ધા જિલ્લામાં બની હતી. આ ભીષણ અકસ્માતમાં ભાજપના વિધાનસભ્યના પુત્ર સહિત સાત જણે જીવ ગુમાવ્યા હતા. કાર ડ્રાઈવ કરી રહેલા વિદ્યાર્થીએ એક વળાંક પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં આવિષ્કાર રહાંગદળે, ગોરખપુરના દૌડપુરના નીરજ ચૌહાણ, ઉત્તર પ્રદેશના ચાંદૌલીમાં રહેતા પ્રત્યુશ સિંહ, શુભમ જૈસ્વાલ, બિહારના ગયામાં રહેતા વિવેક નંદન, પવન શક્તિ અને ઓડિસાના બેલાપુરમાં રહેતા નિતીશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. અકસ્માતમાં જીવ ગુમાવનારો આવિષ્કાર તિરોડા વિધાનસભા ક્ષેત્રના ભાજપના વિધાનસભ્ય વિજય રહાંગદળેનો પુત્ર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ વર્ધાના સેલસુરા ગામ નજીક બની હતી. યવતમાળ જિલ્લામાં એક વિદ્યાર્થીનો જન્મદિન ઊજવ્યા બાદ વિદ્યાર્થીઓ કારમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કાર એક વિદ્યાર્થી ચલાવી રહ્યો હતો અને બ્રિજ પરના વળાંક પાસે તેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર બ્રિજની રૅલિંગ તોડી ૪૦ ફૂટ નીચે પટકાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સામેની દિશામાંથી પસાર થનારી ટ્રકના ડ્રાઈવરે અકસ્માત જોતાં તેણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક ગામવાસીઓ પણ પોલીસની મદદે દોડ્યા હતા. કારમાંથી બધા વિદ્યાર્થીઓના મૃતદેહ કાઢવામાં ત્રણેક કલાકનો સમય લાગ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વર્ધાની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતેય જણ જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજના વિદ્યાર્થી હતા. વિધાનસભ્યનો પુત્ર આવિષ્કાર એમબીબીએસના પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો, જ્યારે એક વિદ્યાર્થી મેડિકલ ઈન્ટર્ન હતો. બાકીના પાંચમાંથી બે છેલ્લા વર્ષમાં, બે ત્રીજા વર્ષ અને એક પહેલા વર્ષનો વિદ્યાર્થી હતો. અકસ્માત પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)
--------
શહાડ સ્ટેશનમાં ખુદાબક્ષે ટીસીને માર્યો
મુંબઈ: મધ્ય રેલવેના શહાડ રેલવે સ્ટેશન ખાતે ટિકિટચેકરને (ટીસી)ને એક ખુદાબક્ષે માર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
૨૨મી જાન્યુઆરીના શનિવારના રોજ સાંજના છ વાગ્યાના સુમારે શહાડ રેલવે સ્ટેશન ખાતે બનાવ બન્યો હતો. રાજકુમાર શ્રવણ પ્રસાદ નામના ટિકિટચેકરને એક પ્રવાસીએ હુમલો કર્યો હતો. ટિકિટ ચેકિંગ વખતે પ્રવાસીએ ટિકિટ નહીં આપ્યા પછી બંંને વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ ટિકિટચેકર પર તેણે હિંસક રીતે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપીની ઈમ્તિયાઝ શેખ (બાનેલી ગામ) તરીકે ઓળખ કરવામાં આવી હતી. (પીટીઆઈ)ઉ